World

અમેરિકાના બે શહેરોમાં ફાયરિંગ, 2 વિદ્યાર્થીઓ સહિત 9ના મોત

અમેરિકા: અમેરિકામાં (America) માસ ફાયરિંગની (Mass Firing) ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. મોન્ટેરી પાર્કમાં થયેલા ફાયરિંગની ઘટનાને કેલિફોર્નિયાના (California) લોકો પણ ભૂલ્યા ન હતા કે અમેરિકાના અન્ય બે શહેરમાં ફાયરિંગની ઘટનાઓ સામે આવી છે. બંને ઘટનાઓમાં કુલ 9 લોકોના મોત (Death) થયા છે. એક અહેવાલના જણાવ્યા અનુસાર, લેટેસ્ટ હુમલો કેલિફોર્નિયાના હાફ મૂન (Half Moon) બે શહેરમાં થયો હતો. ફાયરિંગની આ ઘટનામાં 7 લોકોના મોત થયા હતા. ઘટનાસ્થળે પહોંચીને અમેરિકન શેરિફ (યુએસ પોલીસ)એ હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. આ સિવાય આયોવાની એક શાળામાં ફાયરિંગની બીજી ઘટના પણ સામે આવી છે. જેમાં બે વિદ્યાર્થીઓના મોત થયા છે.

કેલિફોર્નિયાના હાફ મૂન બે શહેરની વાત કરીએ તો, અહીં સોમવારે એક હુમલાખોરે અચાનક એક સાથે અનેક લોકો પર ગોળીબાર શરૂ કરી દીધો, આ ઘટનામાં 7 લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. કાઉન્ટીની શેરિફ ઓફિસને આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હુમલાખોરની થોડી જ વારમાં ધરપકડ કરવામાં આવી હતી. હાફ મૂન બે શહેર સાન ફ્રાન્સિસ્કોથી લગભગ 28 માઇલ (45 કિલોમીટર) દક્ષિણમાં આવેલું છે.

આયોવામાં શાળામાં ફાયરિંગની ઘટનામાં બે વિદ્યાર્થીઓના મોત થયા હતા, જ્યારે એક શિક્ષક ગંભીર રીતે ઘાયલ થયો હતો. શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર, ગોળીબાર ડેસ મોઇન્સ સ્કૂલમાં કાર્યક્રમ દરમિયાન થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાન જાણ થતા જ એમ્બ્યુલન્સ બોલાવામાં આવી હતી. ત્યારે ઘટના સ્થળે અધિકારીઓને ગંભીર ઈજાઓ સાથે 2 વિદ્યાર્થીઓ મળ્યા, તેઓને તાત્કાલિક CPR આપવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલમાં બંને વિદ્યાર્થીઓના મોત થયા હતા.

આયોવામાં ઘટનાના 20 મિનિટ બાદ પોલીસે કારમાંથી 3 શંકાસ્પદોને કસ્ટડીમાં લીધા હતા. જ્યારે એક આરોપી કારમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. સાર્જન્ટ પોલ પારિઝેકે જણાવ્યું કે આ ઘટના અચાનક નથી બની, તેને સંપૂર્ણ આયોજન હેઠળ અંજામ આપવામાં આવ્યો હતો. કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં તાજેતરમાં થયેલા ગોળીબાર બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ધ્વજને અડધી માસ્ટ પર લહેરાવવાનો આદેશ આપ્યો હતો.

કેલિફોર્નિયામાં બે દિવસ પહેલા 11નું મોત થયું હતું
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ કેલિફોર્નિયામાં અંધાધૂંધ ગોળીબારની ઘટનામાં 11 લોકો માર્યા ગયા હતા. આ સિવાય અનેક લોકો ઘાયલ થયા છે. એક અહેવાલમાં જણાવ્યા અનુસાર મોન્ટેરી પાર્ક ચાઇનીઝ નવા વર્ષની ઉજવણીનું આયોજન કરી રહ્યું હતું. શનિવારે રાત્રે લગભગ 10 વાગ્યે (અમેરિકાના સમય અનુસાર) અહીં ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અહીં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ફાયરિંગમાં ઓછામાં ઓછા 16 લોકોને ગોળી વાગી હતી. જેમાંથી 11 લોકોના મોત થયા છે. મોન્ટેરી પાર્ક એ લોસ એન્જલસ કાઉન્ટીમાં આવેલું એક શહેર છે, જે ડાઉનટાઉન લોસ એન્જલસથી આશરે 11 કિમી દૂર છે.

Most Popular

To Top