Sports

ભારતના સ્ટાર બોલર મોહમ્મદ શમીની થઈ સર્જરી, ક્રિકેટરે લાગણીસભર પોસ્ટ કરી

નવી દિલ્હી: લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી (India) બહાર રહેલા સ્ટાર બોલર મોહમ્મદ શમીની (Mohammed Shami) આખરે સર્જરી (Surgery) થઈ ગઈ છે. શમીની એડીનું ઓપરેશન સફળ રહ્યું છે. સ્ટાર બોલરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે તેને સાજા થવામાં સમય લાગશે.

પોતાની ઈજા અંગે અપડેટ આપતા શમીએ કહ્યું કે તેની એડીનું ઓપરેશન સફળ રહ્યું છે. સ્ટાર બોલરે સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ લખી હતી. શમીએ લખ્યું, હું મારા પગ પર પાછો ઉભો થવા માટે ઉત્સુક છું. શમીએ કુલ ચાર ફોટા શેર કર્યા છે, જેમાં તે હોસ્પિટલમાં દાખલ જોવા મળે છે.

સર્જરીના કારણે તે IPL 2024માંથી બહાર થઈ ગયો છે. ગુજરાત ટાઇટન્સને શમીની ખોટ સાલશે. શમી ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં પણ રમી શક્યો ન હતો, તે છેલ્લે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત માટે રમ્યો હતો.

શમીએ વર્લ્ડ કપની 7 મેચમાં 24 વિકેટ લઈને ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે આ ટૂર્નામેન્ટમાં પીડામાં હોવા છતાં રમ્યો હતો. બોલિંગ કરતી વખતે તેને લેન્ડિંગમાં સમસ્યા થઈ રહી હતી. પરંતુ તેણે તેના પરફોર્મન્સ પર અસર પડવા દીધી ન હતી. હાલમાં જ શમીને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. શમીએ એક દાયકાથી વધુની કારકિર્દીમાં 229 ટેસ્ટ, 195 ODI અને 24 T20 વિકેટ લીધી છે.

આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે
શમીએ IPL 2023માં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. શમીએ 17 મેચમાં 18.64ની એવરેજથી સૌથી વધુ 28 વિકેટ લીધી હતી. શમીની સમગ્ર આઈપીએલ કારકિર્દી વિસ્ફોટક રહી છે. અત્યાર સુધીમાં તેણે 110 IPL મેચ રમી છે, જેમાં તેણે 26.87ની એવરેજ અને 8.44ની ઈકોનોમી રેટથી 127 વિકેટ લીધી છે. શમીએ બે વખત એક ઇનિંગમાં ચાર વિકેટ લીધી છે.

Most Popular

To Top