Business

ભારતનો દેખાવ પ્રમાણમાં ઘણો સારો રહેશે

 રિઝર્વ બેંકે સતત બીજીવાર વ્યાજના દર (રેપોરેટ)માં 50 બેસીસ પોઇન્ટનો વધારો કર્યો છે. બેંકે ચાલુ નાણાકીય વરસના આર્થિક વિકાસના દરનો (7.2 ટકા) ભાવ વધારાનો અંદાજ (6.7 ટકા) જાળવી રાખ્યો છે. એપ્રિલ મહિના પછી ભાવ વધારો થોડો ધીમો પડયો હોવા છતાં અને વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલ અને અન્ય ચીજવસ્તુઓના ભાવોનું વલણ ઘટવા તરફી હોવા છતાં આપણો ભાવ વધારો એપ્રિલ 2023માં જ રિઝર્વ બેંકની ટોલરન્સ લીમીટ (6 ટકા) નીચે જવાનો રિઝર્વ બેંકનો અંદાજ છે.

વિશ્વવ્યાપી ભાવ વધારાના સંદર્ભમાં એક પછી એક કેન્દ્રવર્તી બેંકો વ્યાજના દર વધારી રહી છે. ગયે અઠવાડિયે બેંક ઓફ ઇંગ્લેન્ડ પણ તેમાં જોડાઇ છે અને 27 વરસ પછી પ્રથમ વાર વ્યાજના દર વધાર્યા છે. અનેક મેક્રો ઇકોનોમિક પેરામીટર્સ (કરવેરાની અઆવક, ખાસ કરીને જીએસટી, ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઇ) આપણા આર્થિક વિકાસનું ચિત્ર બહુ બગડવા નહીં દે એવી આશા છે. અમેરિકા, યુરોપ સહિતના અન્ય દેશોમાં સતત વધી રહેલ વ્યાજના દરોને લીધે રૂપિયો ડોલર સામે એક સમયે 80ની નીચે ઉતરી જવાને કારણે પણ રિઝર્વ બેંક માટે હવે વ્યાજના દર વધારવાનું અનિવાર્ય બન્યું છે.

જો કે ગયે અઠવાડિયે રૂપિયાનું મૂલ્ય થોડું વધ્યું પણ ખરૂં. વિદેશી પોર્ટ ફોલિઓ મૂડીનો ઇન્ફલો ચાલુ મહિને (નવ મહિનાના આઉટફલો પછી) સતત બીજે મહિને વધતો રહ્યો છે. રેપો રેટ સતત વધી રહ્યો છે એટલે હોમ લોન મોંઘી થવાની. જેનો માર માસિક હપ્તાની ચૂકવણી દ્વારા ઘર ખરીદનાર નોકરિયાત વર્ગ પર પડવાનો તો બીજી તરફ બેંક ડિપોઝીટ પર વ્યાજના દર વધે તેનો ફાયદો બેંકોમાં બચત કરનાર વર્ગને (સિનિયર સીટીઝન્સ સહિત) થવાનો.

અમેરિકા અને યુરોપના અન્ય દેશોમાં ડિપોઝીટમાં રોકાણ કરનાર અને હોમ લોન અને અન્ય ખરીદી માટે લોન લેનાર વર્ગ એક જ હોય છે. એટલે તેને લોન માટે વધુ વ્યાજ ચૂકવવું પડે છે તો ડિપોઝીટ પર વધુ વ્યાજ (વળતર) મળે છે જયારે આપણે ત્યાં આ પરિસ્થિતિ અલગ છે તે ધ્યાનમાં રહેવું જોઇએ. વ્યાજના દરમાં 35થી 50 બેસીસ પોઇન્ટના વધારાની અપેક્ષા હતી જ. એટલે આ વધારા પછી સ્ટોક માર્કેટ પર તેની વિપરિત અસર થઇ નથી. તો રૂપિયો થોડો મજબૂત બન્યો છે. વિશ્વના માથે મંદીનું જોખમ ઉભુ હોય ત્યારે રિઝર્વ બેંકે ભાવ વધારા અને આર્થિક વિકાસના દર વચ્ચે ડેલિકેટ બેલેન્સ જાળવવાની મુશ્કેલ ફરજ નિભાવવાની હોય છે.

ડેસ્ટીની કહો કે જે કહો તે પણ વિશ્વ ઉપર એક પછી એક આફત સતત ચાલુ રહે છે. માંડ માંડ બે વરસના લાંબા ગાળા પછી કોરોનાની મહામારીમાંથી બહાર નીકળેલ વિશ્વને માથે રશિયા-યુક્રેન યુધ્ધ ઝીંકાયું, ચીનના મુખ્ય ઔદ્યોગિક મથકોના લોકડાઉને માંડ માંડ વ્યવસ્થિત થતી સપ્લાય ચેઇનને નબળી કરી. હજી આ આફત પૂરી થાય ત્યાં ચીન અને તાઇવાન વચ્ચેના સંઘર્ષની શરૂઆત થઇ. ચીનનું અર્થતંત્ર આમ પણ બેંકીંગ અને હાઉસીંગની ક્રઇસીસથી ધીમુ પડી રહ્યું છે. જો કે અમેરિકામાં વ્યાજ દરના વધારા અને આર્થિક વિકાસના દરના ઘટાડા વચ્ચે પણ જોબ માર્કેટ સુધારા તરફી છે એ માત્ર અમેરિકન આર્થતંત્ર માટે જ નહીં પણ વિશ્વના અર્થતંત્ર માટે પણ એક પોઝીટીવ ઘટના છે. જુલાઇ મહિને આપણા મુખ્ય આર્થિક પેરામીટર્સ મિશ્ર ચિત્ર ઉભુ કરે છે. ટ્રેડ ડેફિસિટે નવો વિક્રમ (31 બિલ્યન ડોલર) નોંધાવ્યો છે. ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝીંગ મેનજર્સ ઇન્ડેકસ આઠ મહિનાનો ઉંચો છે. સેવાના ક્ષેત્રનો પીએમઆઇ, ચાર મહિનાનો સૌથી નીચો હતો).

જીએસટીની 28 ટકાના વધારા સાથે બીજા નંબરની સૌથી ઉંચી આવક (1.49 લાખ કરોડ), ઓટોમોબાઇલ્સનુ; વેચાણ, માલ સામાનની હેરફેર, ફયુઅલનું વેચાણ, વીજળીની માંગ અને રેલવે પર સપ્ટેમ્બર કવાર્ટરમાં આપણો જીડીપી ગ્રોથ સારો રહેવાનો સંકેત કરે છે. સરવાળે આપણા આર્થિક વિકાસનો દર (વિશ્વના અનેક દેશોમાં વિકાસનો દર એક મોટી સમસ્યા છે) બહુ નીચો તો નહીં જાય પણ સાત ટકાની આસપાસ જળવાઇ રહેશે.

મહામારીના કેસો આપણે ત્યાં સતત વધી રહ્યા છે. (ઓગસ્ટ પાંચના રોજ 20000થી વધુ) મન્કીપોકસના કેસો પણ સપાટી પર આવી રહ્યા છે. વેક્સિનેશનના ડોઝની ઝડપ 200 કરોડ ડોઝના વિક્રમ પછી જોઇએ તેટેલી નથી રહી (206 કરોડ ડોઝ અપાયા છે.) આ સંજોગોમાં આપણો આર્થિક વિકાસ કેવો રહે છે તેનો આધાર આપણી મહામારી ટેવો ટર્ન લે છે અને અમેરિકા, ચીન અને યુરોપના અનેક દેશો (જેમાના કેટલાક આપણા વેપારના મુખ્ય ભાગીદારો છે) સ્લોડાઉન કે મંદીથી કેટલે અંશે ફસાય છે તેના પર રહેવાનો.

ત્રણ વધારા સાથે રેપોરેટ વધીને છેલ્લા ત્રણ વરસનો સૌથી ઉંચો
રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટિએ સર્વાનુમતે કરેલ રેપો રેટના 50 બેસીસના વધારા સાથે રેપો રેટ 5.40 ટકા થયો છે. આમ રેપો રેટમાં 50 બેસીસ પોઇન્ટો વધારો બીજી વાર કરાયો છે. છેલ્લા ત્રણ મહિનામાં કરાયેલ 140 બેસીસ પોઇન્ટના ત્રણ વધારા સાથે રેપો રેટ (5.4 ટકા) છેલ્લા ત્રણ વરસનો સૌથી ઉંચો થયો છે. મહામારીના સમયમાં રેપો રેટમાં કરાયેલ 115 બેસીસ પોઇન્ટો ઘટાડો છેલ્લા ત્રણ વધારા સાથે રદબાદલ થયો છે અને વ્યાજના દર હવે મહામારી પહેલાની સપાટીએ પહોંચ્યા છે.

રિઝર્વ બેંકે ભાવ વધારાનો અગાઉનો અંદાજ જાળવી રાખ્યો હોવા છતાં વર્તમાન જીઓ પોલીટીકલ સ્થિતિ, ચીજવસ્તુઓના ભાવો અને ચાલુ ચોમાસાના સંદર્ભમાં આ મુદ્દે ચેતવણી આપી છે. બેંકે ચાલુ કવાર્ટરનો ભાવ વધારાનો અંદાજ ઘટાડયો છે. (7.4 માંથી 7.1 ટકા) તો ડિસેમ્બર કવાર્ટરનો અંદાજ વધાર્યો છે (6.2 માંથી 6.4 ટકા). ભાવ વધારો તેની ટોચ પર પહોંચી ગયો છે પણ તે ઠીક ઠીક પ્રમાણમાં અંકુશમાં તો માર્ચ 2022ના કવાર્ટરમાં જ આવશે. ટૂંકા ગાળામાં આ અપેક્ષિત ભાવ વધારાની અવળી અસર આર્થિક વિકાસના દર ઉપર પણ પડી શકે.

અનેક આર્થિક અને નાણાકીય જોખમોથી હલબલી ગયેલ વિશ્વમાં ભારત એક આઇલેન્ડ ટાપુ જેવો આર્થિક, નાણાકીય અને રાજકીય સ્થિરતા ધરાવતો દેશ છે. એટલે રિઝર્વ બેંકના ગવર્નર ડો. દાસે એવો મત વ્યકત કર્યો છે કે હાલ પૂરતુ તો રિઝર્વ બેંક તેના કમાન્ડમાં જે પણ શસ્ત્ર (વ્યાજ દર, કેશ રિઝર્વ રેશિયો અને લિટિવડીટીનું બટન) છે તેના યોગ્ય ઉપયોગ કરવામાં જરા પણ અચકાશે નહિ. એટલું જ નહીં, ભાવ વધારો જે આર્થિક વિકાસને ટૂંકા ગાળામાં રૂંધી શકે તેને અંકુશમાં લાવવો એ રિઝર્વ બેંકની ટોપમોસ્ટ પ્રાયોરિટી છે અને રહેશે.

રિઝર્વ બેંકના આ સ્ટેન્ડના સંદર્ભમાં આવતી પોલિસીની જાહેરાત (ઓકટોબર 2022) કે તે પહેલા પણ આપણે વ્યાજ દરના વધારાના એક શોટ માટે માનસિક રીતે તૈયાર રહેવું પડશે. ‘કમ વોટ મે’, રિઝર્વ બેંકને છ ટકા ઉપરનો ભાવ વધારો સ્વીકાર્ય નથી. માત્ર થોડા સમયમાં જ રિઝર્વ બેંક આ લક્ષય હાંસલ કરીને જ રહેશે. વૈશ્વિક સ્લોડાઉન અને સંભવિત મંદીના નગારા વચ્ચે ભારતનો આર્થિક વિકાસનો દર ધીમો પડશે તો પણ ઘણો ઉંચો (સાત ટકા આસપાસ) રહેવાનો એ બાબતે વિશ્વ બેંક, આઇએમએફ, એડીબી જેવી સંસ્થાઓનો પણ એકમત છે.

ભારત નિકાસોનું પ્રભુત્વ ધરાવતો દેશ નથી. તો પણ આપણી નિકાસોનો હિસ્સો આપણા જીડીપીમાં 18 ટકા જેટલો મોટો છે. સ્વાભાવિક રીતે સમગ્ર વિશ્વ સ્લોડાઉનનો સામનો કરી રહ્યું હોય ત્યારે આપણી નિકાસોને પણ અસર પહોંચે જ. જુલાઇ મહિને નિકાસો ઘટી છે (35 બિલ્યન ડોલર) જે ફેબ્રુઆરી 2021 પછીનો પહેલો ઘટાડો છે. જેને કારણે રોજગારી પણ ઘટી શકે. ઉપરાંત આ વરસના અંતથી શરૂ થનાર અને 2023મા ચાલુ રહેનાર રાજય વિધાનસભાઓની ચૂંટણીઓ અને 2024મા લોકસભાની ચૂંટણીઓ માટેના ખર્ચ ઉપરાંત અન્ય રેવન્યુ ખર્ચમાં પણ સારો એવો વધારો થવાનો. જેની અસર માંગના વધારા દ્વારા ભાવવધારા ઉપર પણ પડવાની. એટલે ટૂંકા અને મધ્યમ ગાળામાં આપણે વૈશ્વિક જોખમો અને ઘરઆંગણે બનનારી ઘટનાઓને પણ ધ્યાનમાં રાખવી પડશે.

ભાવ વધારો લોજીસ્ટીકસ કોસ્ટ ઘટાડીને કાબૂમાં લાવી શકાય ભાવ વધારો
આપણી હરિફ શકિત ઘટાડે, ખાસ કરીને નિકાસોના ક્ષેત્રે. આમ ઘટેલી કોમ્પીટીટીવનેસને વધારવાનો એક ઉપાય છે. આપણી લોજીસ્ટીક કોસ્ટ ઘટાડવાનો. નીતિન ગડકરીએ આવતા પાંચ વરસમાં આપણી લોજીસ્ટીક કોસ્ટ હાલના જીડીપીના 16 થી 18 ટકામાંથી ઘટાડીને 10 ટકા કરવાની વાત કરી છે. ભાવ વધારાને અને આર્થિક વિકાસને અસર કરતા ઘણા બધા પરિબળો (વૈશ્વિક અને આંતરિક ડોમેસ્ટીક) પર આપણો અંકુશ ન હોય ત્યારે આપણી કાર્યક્ષમતા અને સ્થાપિત ઉત્પાદન શકિતનો મહત્તમ ઉપયોગ કરીને આપણે આપણી હરિફશકિત ટકાવવી પડશે. તો ટૂંકા ગાળામાં નહીં તો લાંબે ગાળે આપણે વિશ્વમાં ઉંચા મસ્તકે ઉભા રહી શકીશું. આ માટેનું પ્લનીંગ તો આજથી જ શરૂ કરવું પડશે એ વિષે બેમત ન હોઇ શકે.

Most Popular

To Top