Business

ચીન, રશિયા, પાકિસ્તાન, અમેરિકા અને અફઘાનિસ્તાનની ચોપાટમાં ભારતની રાષ્ટ્રીય સુરક્ષાની તંગ સ્થિતિ

જેતરમાં જ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ એક અગત્યનો ‘ઐતિહાસિક પ્રસ્તાવ’ પસાર કર્યો છે. ચીનના સત્તા પક્ષે દેશના ઇતિહાસમાં કરેલું આ છઠ્ઠું પ્લિનરી સેશન હતું. પ્લિનરી એટલે કે કોઇપણ પક્ષની મુખ્ય સમિતિના 300થી વધુ સભ્યોની બેઠક. આ બેઠક મોટેભાગે ગુપ્ત હોય છે અને ત્રણથી પાંચ દિવસ ચાલતી આ બેઠકમાં ખરેખર બંધ બારણે શું ચર્ચાઓ થાય છે તેની કોઇ જાણકારી તેની બહાર રહેલાઓને નથી હોતી. ચીનના રાજકીય ઇતિહાસમાં આ બેઠકોનું આગવું મહત્ત્વ રહ્યું છે. ચીનમાં થયેલી આવી બેઠકોમાં પસાર થયેલા પ્રસ્તાવો તેની રાજકીય વિચારધારાની દિશા નક્કી કરનારા રહ્યાં છે.

આ વખતે થયેલી બેઠક પછી ચીનના કોમ્યુનિસ્ટ પક્ષનો 100 વર્ષના ઇતિહાસનો સારાંશ તેની સિદ્ધિ તથા ભાવિ આર્થિક વિકાસના લક્ષ્યને આલેખ તેના પ્રસ્તાવરૂપે જાહેર કરાયો. આ જાહેરાત પછી જિનપિંગની અગત્યતા ચીનના રાજકીય ઇતિહાસમાં એક નવી ઉંચાઇએ મુકવામાં આવી. કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા આ પ્રકારનો પ્રસ્તાવ રજુ કરનારા જિનપિંગ ત્રીજા નેતા છે. સર્વોપરી નેતૃત્વનો નવો ચહેરો એટલે કે જિનપિંગ એવું આ પ્રસ્તાવ દ્વારા કહેવાઇ રહ્યું છે તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.  કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇના એટલે કે CPCએ રજુ કરેલા પ્રસ્તાવમાં, ‘મેજર અચિવમેન્ટ્સ એન્ડ હિસ્ટોરિકલ એક્સપિરીયન્સ’ની વાત કરાઇ છે. જેમાં ભાવિ રાજકીય દિશાઓનો સંકેત પણ છે. 

જિનપિંગે આ પહેલાં જૂલાઇ 2021 માં પોતાનો પહેલો હેતુ – જે લગભગ સમૃદ્ધ કહી શકાય તેવો સમાજ ઘડવાનો હતો તે સિદ્ધ કર્યાની જાહેરાત કરી હતી અને હવે તે રાષ્ટ્રને 2049 સુધીમાં ‘મહાન આધુનિક સમાજવાદી દેશ’ બનાવવા તરફ લઇ જઇ રહ્યાં છે તેવી વાત કરી હતી. તાજેતરની બેઠકમાં એ વાત પણ સ્પષ્ટ કરાઇ કે ચીન હવે એ દેશ નથી રહ્યો કે જે બીજા રાષ્ટ્રો દ્વારા દબાઇ જાય કે તેનું દમન થઇ શકે. જિનપિંગ આગામી વર્ષે સત્તા પર એક દાયકો પુરો કરીને પોતાની ત્રીજી પાંચ વર્ષિય ટર્મ શરૂ કરશે. જિનપિંગના મહત્ત્વને જે રીતે આ બેઠકમાં આંકવામાં આવ્યું છે તે સાબિત કરે છે કે જલદી જ દેશ આખામાં, મૂળિયા સુધી સર્વોપરી એકજૂથ કેન્દ્રીય સત્તાનો વિચાર વિસ્તરે તેની તકેદારી રખાઇ રહી છે. ચીનના ઇતિહાસમાં જે 1945માં અને 1981માં થયું તેનું જ પુનરાવર્તન થઇ રહ્યું છે અને જિનપિંગ કશેય જવાના નથી નો ડંકો આ બેઠકના પ્રસ્તાવમાં વગાડાઇ ચૂક્યો છે. જે રીતે માઓ ઝેડોંગને હેલ્સમેન એટલે કે સુકાની કહેવાયા હતાં તે ટાઇટલ જિનપિંગ માટે વાપરવામાં આવ્યું.

આ આખી ચર્ચા અહીં છેડવાનું કારણ એ કે ચીનના જિનપિંગ જક્કી છે, તેમણે ‘તાઇવાન મુદ્દા’ને ઉકેલવાને મામલે જે વલણ રાખ્યું છે તે જ તેની સાબિતી છે. તાઇવાન જે સ્વાયત્ત આઇલેન્ડિક લોકશાહી છે તેને જરૂર પડે બળજબરીથી પચાવી પાડવાનો દાવો ચીન દ્વારા કરાઇ ચૂક્યો છે. ચીનની આ દાનત ભારતની ઉંઘ હરામ કરી દે તેવી છે. આપણી સરહદે સળી કરવાનું ચીને ક્યારેય છોડ્યું નથી. ચીન ભારત માટે જોખમી પાડોશી છે તે આપણે જાણીએ છીએ. ચીનની આર્થિક તાકત હાલમાં અમેરિકા કરતાં ય વધારે છે. વિશ્વની કૂલ સંપત્તીમાં ચીની ભાગીદારી એક તૃતિયાંશ જેટલી છે.

S-400 એર ડિફેન્સ સિસ્ટમ વિશ્વની સૌથી વધુ સક્ષમ એર ડિફેન્સ સિસ્ટમ છે જે બધા જ પ્રકારના આકાશી હુમલાઓ સામે દેશને રક્ષણ આપશે. ભારતે ચીન અને પાકિસ્તાનના ફાઇટર જેટ્સ તથા મિસાઇલ હુમલાઓથી બચવા માટે જ S-400 એર ડિફેન્સ સિસ્ટમ અપનાવવાનો નિર્ણય લીધો. 2021ના અંત સુધીમાં તેનું પહેલું ડિવિઝન ભારતમાં ડિલિવર થઇ જશે જેમાં આપણે ખરીદેલા પાંચ યુનિટમાંથી એક આપણે રિસિવ કરીશું.

 ભારતે S-400 એર ડિફેન્સ સિસ્ટમનાં પાંચ યુનિટનો ઓર્ડર 2018માં આપ્યો હતો. ભારત પહેલાં બેલૂરસ, અલ્ગેરિયા, ટર્કી જેવા દેશોએ આ સિસ્ટમ રશિયા પાસેથી ખરીદી છે. ઇજિપ્ત, સાઉદી અરેબિયા તથા કતાર જેવા દેશોને પણ તે ખરીદવામાં રસ છે. ભારતની આ ખરીદી USAને કંઠે તે સ્વાભાવિક છે. કારણ કે રશિયાની ડિફેન્સ સિસ્ટમ પર ભારત આધાર ન રાખે તેમાં જ USAને રસ હોય. ઘણા દાયકાથી રશિયા જ ભારતનો ડિફેન્સ પાર્ટનર રહ્યોં છે પણ USA સાથે સંબંધો બહેતર બનતા ગયા તેમ તેમ ભારતે USA પાસેથી ડિફેન્સ સિસ્ટમ લેવાનું પ્રમાણ વધાર્યું. આ લેવડ-દેવડમાં ટકાવારીમાં ફેર પડતો રહ્યોં છે, ક્યારેક USAનો હાથ ઉપર હોય તો ક્યારેક રશિયાનો. પરંતુ એક કરાર પ્રમાણે USA પોતાના એલાઇઝ પાસેથી એવી બાંયધરી લીધી કે રશિયા, ઇરાન કે નોર્થ કોરિયા જેવા રાષ્ટ્રોના પત્તા કપાય તેવાં પગલાં લેવા. ભારત રશિયા પાસેથી ડિફેન્સ સિસ્ટમ લે તો USA સાથેના નિયમોનો ભંગ કરવા બદલ USA તેની સામે કાર્યવાહી કરી શકે છે.  આપણી એક્સ્ટર્નલ અફેર્સ મિનિસ્ટ્રીનું કહેવું છે કે ભારત અને US વૈશ્વિક સ્તરે વ્યુહાત્કમ ભાગીદારી ધરાવે છે અને રશિયા સાથે તેમને ખાસ ભાગીદારી છે. આ બંન્ને વિદેશ નીતિને લાગતું વળગતું નથી.

વર્તમાન સંજોગોમાં ભારતને માટે રાષ્ટ્રીય સંકટ વધતું ચાલ્યું છે. એક તરફ ડ્રેગન સમો ચીન છે જેની ઝાળ-બળુકી થઇ રહી છે તો પાકિસ્તાન તરફથી કાયમી જોખમ રહેવાનું. અફઘાનિસ્તાન તો બળતું ઘર છે એટલે એની તલવાર પણ માથે તોળાઇ રહી છે. આ તરફ રશિયાએ ભારતને S-400 એર ડિફેન્સ સિસ્ટમની ડિલીવરી શરૂ કરી છે પણ આ લેવડ-દેવડ અંગે USAનું વલણ કેવું રહેશે તે કહેવું મુશ્કેલ છે. કારણ કે ભારત પાસે USAની ડિફેન્સ સિસ્ટમનો વિકલ્પ પણ હતો. રશિયા અને USAની શત્રુતા અને USAની પાકિસ્તાન સાથેની દોસ્તી બંન્ને પરિસ્થિતિ ભારત માટે તો પ્રતિકૂળ જ છે. જોરાવર દુશ્મન દેશ, મિત્રના શત્રુ સાથેની દોસ્તી અને બળતા ઘર જેવા પડોશી રાષ્ટ્રના ભાલા વચ્ચે ભારતની એક એક ચાલ નિર્ણયાત્મક સાબિત થશે.

Most Popular

To Top