આણંદ : ‘ભારત દેશ આજે ઝડપભેર આગળ વધી રહ્યો છે. હાલમાં ઇંગ્લેન્ડની અર્થ વ્યવસ્થાને પાછળ રાખી વિશ્વમાં 5મા નંબરની અર્થ વ્યવસ્થા બની છે. જે ઇંગ્લેન્ડે ભારતને ગુલામ રાષ્ટ્ર બનાવ્યું હતું. આજે તેની અર્થ વ્યવસ્થા કરતાં પણ આગળ નિકળી ગયું છે. ’ તેમ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજમંત્રી ગિરિરાજસિંહે ગુરૂવારના રોજ ઇરમાના પદવીદાન સમારંભમાં જણાવ્યું હતું.
આણંદ સ્થિત ઇરમાના 42મા પદવીદાન સમારંભમાં પંચાયતી રાજમંત્રી ગિરિરાજસિંહે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે, તમે માતા – પિતાના ઉમ્મીદ છો. સાથોસાથ દેશ અને ખેડૂતોના પણ એક ઉમ્મીદ છો. તમે અમૃતકાળના શિલ્પકાર છો. કરોડો ખેડૂતોની ઉમ્મીદ છે કે, અમારા જીવનમાં પરિવર્તન લાવશો. દેશને 5 ટ્રીલીયન ઇકોનોમી સુધી લઇ જવાની જવાબદારી તમારા પર છે. જેમાં ગ્રામ્ય વિસ્તારનો વિકાસ જરૂરી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ઇરમાના સ્થાપક ડો.વર્ગીસ કુરિયનના ઉપદેશોનું આહ્વાન કરતાં, તેમણે સ્નાતકોને જીવનમાં આગળ વધતાં નમ્ર બનવાનું અને નમ્રતાના આધારસ્તંભ બનવાનું શીખવા કહ્યું હતું.
આ પ્રસંગે ડો. આર.એસ. સોઢીએ ઇરમાની પ્રથમ બેચના વિદ્યાર્થી તરીકેના પોતાના સંસ્મરણો વાગોળ્યાં હતાં અને ઇરમાના લાંબા ગાળાનું વિઝન ગ્રામીણ વિસ્તારોમાં સમુદાયો, સંગઠન અને સંસ્થાઓને તાલીમ અને ક્ષમતા નિર્માણ દ્વારા વ્યવસ્થાપન પરિપ્રેક્ષ્ય સાથે મદદ કરવાનું હોવાનું જણાવ્યું હતું.આણંદ સ્થિત ઇન્સ્ટિટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (ઇરમા)નો 42મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં 283 વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (રૂરલ મેનેજમેન્ટ – એક્ઝિક્યુટીવ) અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (રૂરલ મેનેજમેન્ટ)ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજના કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ હાજર રહ્યાં હતાં. જ્યારે અતિથિ વિશેષ તરીકે પદ્મશ્રી રીમા નાણાવટી ઉપસ્થિત રહ્યાં હતાં.
બે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાયા
ઇરમાના પદવીદાન સમારંભમાં કેશવ ગોયલને સ્નાતકને શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે કુચીભોટલા વાસંતી સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે સૈકત સામંતને શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે ઇરમા ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાયનાન્સિયલ મેનેજમેન્ટ વિષયમાં શ્રેષ્ઠતા માટે પ્રો. શિલાદિત્ય રોય મેમોરિયલ એવોર્ડ અમિતકુમાર નાયકને અર્પણ કરવામાં આવ્યો હતો. જ્યારે ઓપરેશન મેનેજમેન્ટમાં એકેડેમિક એક્સેલન્સ પ્રો. મોનાર્ક બાગ મેમોરિયલ એવોર્ડ નિવેદિતા કુમારીને અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અંકિત સુબર્નો અને સુરજસિંહ બે મહિનાના વિલેજ ફિલ્ડવર્ક સેગમેન્ટમાં તેમના પ્રદર્શન માટે શ્રેષ્ઠ વિલેજ ફિલ્ડવર્ક સેગમેન્ટ એવોર્ડના પુરસ્કાર તરીકે ઉભરી આવ્યાં હતાં.
ઇરમાના વિદ્યાર્થીઓને લાખોના પેકેજની ઓફર
ઇરમાના 42મા દીક્ષાંત સમારોહના સ્નાતક થયેલા બેચે અમૂલ, ગોદરેજ એગ્રોવેટ, ટાટા સ્ટીલ અને ફ્લિપકાર્ટ સહિતના અગ્રણી કોર્પોરેટ ગૃહો દ્વારા સ્પર્ધાઓમાં તેમની યોગ્યતા અને શ્રેષ્ઠતા દર્શાવીને સંસ્થાનું નામ રોશન કર્યું હતું. વિદ્યાર્થીઓને 40થી વધુ પ્રી-પ્લેસમેન્ટ ઓફર મળી છે. આ વર્ષે, પ્લેસમેન્ટ સત્ર એક અઠવાડિયામાં જ પૂર્ણ થયું હતું. જેમાં તમામ વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું હતું. વિદ્યાર્થી દ્વારા મેળવેલા સૌથી વધુ પેકેજ વાર્ષિક રૂ. 26.5 લાખ છે, સરેરાશ પેકેજ વધીને રૂ. 15.5 લાખ પ્રતિ વર્ષ થયું છે, જ્યારે સરેરાશ પેકેજ વાર્ષિક રૂ. 15 લાખ છે.