છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીના લીધે અમેરિકા દ્વારા વિઝા પ્રક્રિયા બંધ કરી દેવાઈ હતી. દુનિયાભરમાં મોટા ભાગની એરફ્લાઈટ્સ રદ કરી દેવાઈ હતી, જેના લીધે આંતરરાષ્ટ્રીય મુસાફરીઓ ખોરવાઈ ગઈ હતી. ભારતીયોને અમેરિકા, યુરોપ સહિત અનેક દેશોમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ હતો. અમેરિકા સહિત અનેક દેશોમાં ભારતીયોને પ્રવેશ પર પણ મનાઈ હતી. ખાસ કરીને યુરોપીયન દેશોમાં ભારતીય વેક્સીનના લઈને વિવાદ સર્જાયો હતો. ભારતમાં ઉત્પાદિત વેક્સીનને માન્યતા આપવામાં આવી નહોતી, જેના લીધે ઘણા ભારતીયોએ વેક્સીન લીધી હોવા છતાં તેઓ અમેરિકા જઈ શકતા નહોતા. પરંતુ હવે ભારતીયો અમેરિકાના પ્રવાસે જઈ શકશે.
અમેરિકા 8 નવેમ્બરથી પૂર્ણ રીતે વેક્સીન લીધી હોય તેવા વિદેશી મુસાફરોને દેશમાં પ્રવેશ કરવાની મંજૂરી આપી, એમ વ્હાઈટ હાઉસે શુક્રવારે કહ્યું હતું. આ નિયમને લાગુ કરવાની નવી તારીખની જાહેરાતની સાથે અમેરિકા નોંધપાત્ર રીતે ભારત, બ્રિટન અને ચીન જેવા દેશો પરથી મુસાફરીના પ્રતિબંધ હટાવશે.
- અમેરિકાની નવી મુસાફરી નીતિ જેમાં અમેરિકા આવતા વિદેશી નાગરિકો માટે પૂર્ણ રીતે વેક્સીન લગાવવી ફરજિયાત છે તે 9 નવેમ્બરથી લાગુ થશે
- આ જાહેરાત અને તારીખ આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી અને જમીનથી મુસાફરી બંને પર લાગુ થશે
‘અમેરિકાની નવી મુસાફરી નીતિ જેમાં અમેરિકા આવતા વિદેશી નાગરિકો માટે પૂર્ણ રીતે વેક્સીન લગાવવી ફરજિયાત છે તે 9 નવેમ્બરથી લાગુ થશે’, એમ વ્હાઈટ હાઉસના સહાયક પ્રેસ સચિવ કેવિન મ્યુનોઝે કહ્યું હતું. ‘આ જાહેરાત અને તારીખ આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી અને જમીનથી મુસાફરી બંને પર લાગુ થશે. આ નીતિ જાહેર આરોગ્ય, કડકાઈ અને સાતત્ય દ્વારા નિર્દેશીત છે’, એમ તેમણે ટ્વીટ કરી કહ્યું હતું.
નવી મુસાફરી નીતિ મુજબ અમેરિકા અથવા વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા મંજૂર કરાયેલી કોવિડ-19 વિરૂદ્ધની રસી લેનાર વિદેશી વ્યક્તિ દેશમાં પ્રવેશ કરી શકશે. આ અંગેની માર્ગદર્શિકા ટૂંક સમયમાં સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા બહાર પાડવામાં આવશે.