Entertainment

ઈતિહાસ સર્જાયો: પહેલીવાર ભારતીય અભિનેત્રીએ કાન્સમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો

નવી દિલ્હી: કોલકાતાની અભિનેત્રી અનસૂયા સેનગુપ્તાએ કાન્સમાં ઈતિહાસ રચ્યો છે. આ ઈવેન્ટમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીતનારી તે પહેલી ભારતીય અભિનેત્રી બની છે. ધ શેમલેસ મૂવીમાં તે અનસૂયાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ કોન્સ્ટેન્ટિન બોઝાનોવ દ્વારા નિર્દેશિત છે. ફિલ્મમાં અનસૂયાએ સેક્સ વર્કરની ભૂમિકા ભજવી છે, જે એક પોલીસકર્મીની હત્યા કરે છે અને વેશ્યાલયમાંથી ભાગી જાય છે.

અનસૂયા એક પ્રોડક્શન ડિઝાઇનર છે. આ ફિલ્મ તેણે ફેસબુક દ્વારા મળી હતી. વાસ્તવમાં અભિનેત્રીના એક મિત્રએ તેની પ્રતિભા જોઈને તેને ઓડિશન માટે પ્રપોઝ કર્યું હતું. ‘ધ શેમલેસ’માં રેણુકા તરીકેના તેના પ્રભાવશાળી અભિનયથી પ્રભાવિત થઈ કાન્સની જ્યુરીએ આ સન્માન આપ્યું છે. ‘ધ શેમલેસ’ની આખી ટીમ આની ઉજવણી કરી રહી છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના અન સર્ટેન રિગાર્ડ સેગમેન્ટમાં એવોર્ડ માટે અનસૂયાને પસંદ કરવામાં આવી છે . એવોર્ડ જીત્યા પછી અનસૂયાએ તેને ગે સમુદાય અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોની બહાદુરીને સમર્પિત કર્યો હતો.

અનસૂયાએ મસાબા-મસાબાનો સેટ ડિઝાઇન કર્યો છે
અનસૂયા સેન ગુપ્તા મૂળ કોલકાતાની છે. તેણે પોતાના કરિયરની શરૂઆત પ્રોડક્શન ડિઝાઇનર તરીકે કરી હતી. અનસૂયાએ 2009માં બંગાળી નિર્દેશક અંજન દત્તની રોક મ્યુઝિકલ ફિલ્મ ‘મેડલી બંગાળી’થી અભિનયની શરૂઆત કરી હતી. 2009માં જ તે મુંબઈ શિફ્ટ થઈ ગઈ જ્યાં તેનો ભાઈ અભિષેક સેનગુપ્તા ફિલ્મોમાં કામ કરે છે. એક્ટિંગની ઑફર્સ ન મળતાં અભિનેત્રીએ ફિલ્મોમાં આર્ટસ વિભાગમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ નેટફ્લિક્સ શો મસાબા-મસાબાનો સેટ ડિઝાઇન કર્યો હતો. એક ઈન્ટરવ્યુમાં પોતાના અનુભવો શેર કરતા અનસૂયાએ કહ્યું, જ્યારે મને સમાચાર મળ્યાં કે અમારી ફિલ્મ કાન્સ માટે નોમિનેટ થઈ છે, ત્યારે હું ખુશીથી મારી ખુરશી પરથી કૂદી પડી હતી.

Most Popular

To Top