Editorial

આગામી શિયાળામાં ભારતે કાશ્મીરમાં અંકુશ હરોળ પર ખૂબ સતર્ક રહેવું પડશે

છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરની પાકિસ્તાન સાથેની અંકુશ હરોળ પર ઘૂસણખોરી નોંધપાત્ર રીતે ઘટી ગઇ હોવાનું કહેવાય છે ત્યારે હાલમાં એવા અહેવાલ આવ્યા છે કે અંકુશ હરોળમાં સામેની બાજુએ એટલે કે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં અઢીસો જેટલા આતંકવાદીઓ ભારતીય બાજુએ ઘૂસવા માટે ટાંપીને બેઠા છે. તેઓ યોગ્ય તકની રાહ જોઇ રહ્યા છે. આ ત્રાસવાદીઓ પીઓકેમાં બનાવવામાં આવેલ લોન્ચ પેડ્સ પર ગોઠવાયેલા છે એવા ગુપ્તચર અહેવાલો છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના લોન્ચ પેડ્સ પર ૨પ૦ જેટલા ત્રાસવાદીઓની હાજરી હોવાનું સૂચવતા આ ગુપ્તચર અહેવાલો છે ત્યારે સરહદ પારથી થનાર કોઇ પણ ભાંગફોડિયા પ્રવૃત્તિનો સામનો કરવા માટે લશ્કરે અંકુશ હરોળ પર તેની સતર્કતા વધારી દીધી છે.

હાલ છેલ્લા કેટલાક સમયમાં કાશ્મીરમાં ત્રાસવાદીઓએ પોતાના ઉધામા ફરીથી વધાર્યા છે. ટાર્ગેટ કિલિંગના અનેક બનાવો બન્યા છે જેમાં કાશ્મીરી પંડિતો અને કાશ્મીરમાં બહારથી કામધંધા કે મજૂરી માટે આવેલા પરપ્રાંતિય લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઘટનાઓમાં સંડોવાયેલા હુમલાખોર ત્રાસવાદીઓ મોટે ભાગે સ્થાનિક ત્રાસવાદીઓ જણાયા છે. પોલીસ અને અર્ધલશ્કરી દળોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે અને થોડા સપ્તાહ પહેલા તો એક લશ્કરી છાવણી પર પણ મોટો હુમલો કરવામાં આવ્યો છે જેમાં ચાર જવાનો શહીદ થઇ ગયા હતા.

લશ્કરી છાવણીઓ કે ચોકીઓ પરના આવા હુમલાઓ મોટે ભાગે પાકિસ્તાન તરફથી ઘૂસી આવેલા તાલીમબધ્ધ ત્રાસવાદીઓ કરે છે અને હાલ અઢીસો જેટલા ત્રાસવાદીઓ ભારતમાં ઘૂસવાની ફિરાકમાં છે તે બાબત આથી જ સૂચવે છે કે પાકિસ્તાન ભારતીય સશસ્ત્ર દળોનું મનોબળ તોડવા માટે આવા હુમલાઓ કરવાની યોજનાઓ બનાવતું હોઇ શકે છે.
જો કે આવા ગુપ્તચર અહેવાલો હોય કે નહીં પરંતુ ભારતના સરહદી ચોકિયાત દળો અને લશ્કરી દળો સતર્ક જ રહેતા હોય છે અને ત્રાસવાદીઓની ઘૂસણખોરીની શક્યતા વધુ હોવાના અહેવાલો હોય ત્યારે તો સતર્કતા વધુ વધારી દેવામાં આવે છે.

અંકુશ હરોળ પર કાશ્મીરનો સૌથી ઉત્તરનો ભાગ એવા કેરાન સેકટરની અગ્રીમ ચોકી પર ચોકી ભરતા દળો ગયા વર્ષના ફેબ્રુઆરીથી બંને દેશો વચ્ચે શસ્ત્ર વિરામ હોવા છતાં બાજ નજર રાખી રહ્યા છે. આ મોરચે સૈનિકોએ બે મોરચે લડાઇ લડવી પડે છે – શત્રુ પાડોશી અને હવે ધીમે ધીમે નજીક આવી રહેલ સખત શિયાળા સામે તેમણે લડવું પડે છે. જો કે લશ્કરનો દાવો એવો છે કે છેલ્લા કેટલાક વર્ષમાં ઘૂસણખોરી ઘટી છે ત્યારે મુલાકાતી પત્રકારોના એક જૂથ સાથે વાત કરતા અધિકારીઓએ જણાવ્યું હતું કે એવી ગુપ્તચર માહિતીઓ છે કે અંકુશ હરોળની પાર વિવિધ લોન્ચ પેડ પર ૨૫૦ જેટલા ત્રાસવાદીઓની હાજરી છે જેઓ ભારતીય હદમાં ઘૂસવા માટે પ્રતિક્ષા કરી રહ્યા છે.

આથી અમે અમારી સતર્કતા ઘટાડી શકીએ નહીં એમ એક લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું. ત્રાસવાદીઓની ઘૂસણખોરી ઉપરાંત લશ્કરને સરહદ પારથી કેફી દ્રવ્યોના પ્રવાહ અંગે પણ ચિંતા છે. તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું હતું કે સરહદ પારથી ડ્રગ્સની દાણચોરી વધી રહી છે અને પાકિસ્તાન તેનો ઉપયોગ કાશ્મીરમાં ત્રાસવાદને ભંડોળ પુરુ પાડવા માટે કરે છે. એક લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે કેફી દ્રવ્યોની દાણચોરી પર પણ બારીક નજર રાખવામાં આવે છે. શિયાળામાં તો આ વિસ્તારમાં મુશ્કેલી ખૂબ વધી જાય છે. કેટલીક ચોકીઓ તો ૧૨૦૦૦ ફૂટ જેટલી ઉંચાઇએ છે તેથી મુશ્કેલી ઓર વધી જાય છે.

આપણે ત્યાં શિયાળો શરૂ થવાને હજી વાર છે પરંતુ કાશ્મીરના ઉંચા પર્વતીય વિસ્તારોમાં હવે થોડા સપ્તાહો પછી શિયાળો શરૂ થઇ જશે અને ક્રમશ: આ શિયાળો સખત થતો જશે. આવા સંજોગોમાં સખત શિયાળા સામે ઝીંક લેવાની તાલીમ ધરાવતા ત્રાસવાદીઓને ઘૂસાડવાની હિલચાલ શરૂ થઇ શકે છે અને તેથી શિયાળાની સખત ઠંડી અને બરફ વર્ષાની સામે ટકી રહીને પણ આપણા બહાદુર દળોએ ઘૂસણખોરી રોકવા સતર્ક રહેવુ પડશે.

કાશ્મીરમાં કારગીલથી ગુરેઝ સુધી અંકુશ હરોળ લંબાયેલી છે. આ હજી સુધી કાયમી ધોરણે નક્કી નહીં થયેલ કામચલાઉ સરહદ છે. આ પટામાં અનેક પહાડી ઘાટો અને ખીણો છે. આ વિસ્તાર ૧૪૦૦૦ ફૂટ જેટલી ઉંચાઇ ધરાવે છે અને જંગલોથી ભરપૂર છે. અહીં ઉંચી ટેકરીઓ પર શિયાળો ખૂબ જ કઠણ હોય છે. બરફથી છવાયેલી આ ટેકરીઓ પર ભરશિયાળામાં તો સખત બરફવર્ષા થાય છે અને ઉનાળો અહીં હળવો હોય છે. કેટલાક પર્વતો તો ખૂબ ઉંચા છે અને કારગીલ પ્રદેશ તો ખૂબ જ કઠણાઇઓ ધરાવતી યુદ્ધ ભૂમિ છે. વિશ્વની સૌથી ઉંચી યુદ્ધ ભૂમિ અહીં છે અને ખરેખર તો અહીં માણસોથી રહી શકાય તેવું વાતાવરણ જ નથી અને કોઇએ ત્યાં રહેવા જવાની જરૂર પણ નથી પરંતુ નઠારા પાડોશીના પાપે આપણા સૈનિકોએ ત્યાં પહેરો ભરવા માટે વર્ષભર રહેવું પડે છે તે એક વરવી વાસ્તવિકતા છે.

Most Popular

To Top