Sports

આ ગુજરાતી ખેલાડી નહીં રમ્યો એટલે ભારત હાર્યું: રવિ શાસ્ત્રીએ કહ્યું, એક્સ ફેક્ટર મિસીંગ

મોહાલી : ઓસ્ટ્રેલિયા (Australia) સામેની ત્રણ મેચની T20 શ્રેણીમાં (T-20 Series) ભારતીય ટીમની (Indian Cricket Team) શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. શ્રેણીની પ્રથમ મેચ મંગળવારે રમાઈ હતી, જેમાં ટીમ ખૂબ જ નબળી બોલિંગને કારણે 4 વિકેટે હારી ગઈ હતી. મોહાલીના મેદાન પર રમાયેલી શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 208 રન બનાવ્યા હતા. પરંતુ ખરાબ બોલિંગને કારણે મેચ હાથમાંથી નીકળી ગઈ હતી. કેમેરોન ગ્રીનની ધમાકેદાર ઇનિંગ્સને કારણે ઓસ્ટ્રેલિયાએ મેચ જીતીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી.

ભારતીય ટીમે આ મેચમાં ત્રણ મહત્વના કેચ છોડ્યા હતા. જેમાં એક કેચ કેમેરોન ગ્રીનનો પણ હતો. બોલિંગમાં ભુવનેશ્વર કુમાર (52) અને હર્ષલ પટેલ (49)એ મળીને 8 ઓવરમાં 101 રન આપ્યા હતા. આ તમામ બાબતો ભારતીય ટીમની વિરુદ્ધ ગઈ હતી. આ માટે પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ (Ravi Shashtri) ટીમ ઈન્ડિયાની આકરી ટીકા કરી હતી. શાસ્ત્રીએ કહ્યું કે ટીમમાં કોઈ શ્રેષ્ઠ ફિલ્ડર દેખાતો નથી. રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ટીમમાં નથી તો એવું લાગે છે જાણે ટીમમાં કોઈ એક્સ-ફેક્ટર નથી. મેચો કેવી રીતે જીતીશું તે સમજાતું નથી.

શાસ્ત્રીએ વધુમાં કહ્યું, ‘એક ટીમ તરીકે ફિલ્ડિંગ ખૂબ નબળી છે. છેલ્લાં 5-6 વર્ષમાં ભારતીય ટીમે ફિલ્ડિંગમાં જે સ્ટાન્ડર્ડ સેટ કર્યા હતા તેની નજીક પણ નથી. મોટી ટુર્નામેન્ટમાં તેની ખરાબ અસર પડશે. મતલબ કે તમારે બેટિંગમાં 15-20 રન વધુ બનાવવા પડશે. કારણ કે ફિલ્ડમાં જુઓ તો ટેલેન્ટ ક્યાં છે? રવિન્દ્ર જાડેજા નથી. એક્સ ફેક્ટર ક્યાં છે?’ રવિ શાસ્ત્રીએ કહ્યું, ‘હું આજે ટીમનું ફિલ્ડિંગ સ્ટાન્ડર્ડ જોઈને સૌથી વધુ નિરાશ થયો હતો.

ડેથ ઓવર્સમાં ભુવનેશ્વર કુમાર મોટી સમસ્યા બની ગયો છે: ગવાસ્કર
દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar) ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણે T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની શરૂઆતી હાર પર પ્રતિક્રિયા આપી છે. ગવાસ્કર માને છે કે સિનિયર ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારનું (Bhuvneshvar Kumar) ડેથ ઓવર્સમાં (Death Overs) ખરાબ પ્રદર્શન ભારત માટે આવતા મહિને શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ (T20 World Cup) પહેલા “વાસ્તવિક ચિંતા” છે. ભુવનેશ્વરે છેલ્લી કેટલીક મેચોમાં ડેથ ઓવરોમાં ઘણા રન આપ્યા છે. મંગળવારે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ T20માં તેણે 19મી ઓવરમાં 16 રન આપ્યા હતા, જેના કારણે ઓસ્ટ્રેલિયાને 209 રનના રેકોર્ડ લક્ષ્યાંકનો પીછો કરવામાં અને જીત નોંધાવવામાં મદદ મળી હતી. ગાવસ્કરે કહ્યું, ‘મને નથી લાગતું કે મેદાન પર વધુ પડતું ઝાકળ હતું. અમે ફિલ્ડરો કે બોલરોને આંગળીઓ સૂકવવા માટે ટુવાલનો ઉપયોગ કરતા જોયા નથી. આ કોઈ બહાનું નથી. ભારતીય ટીમે સારી બોલિંગ કરી ન હતી. 19મી ઓવર ભુવનેશ્વર પાસે નંખાવવી તે ખરેખર ચિંતાનો વિષય છે.

ગવાસ્કરે વધુમાં કહ્યું, ‘જ્યારે પણ બોલ ભુવનેશ્વર કુમાર જેવા બોલરને સોંપવામાં આવે છે, ત્યારે તે દરેક વખતે રન લૂંટાવી રહ્યો છે. ભુવનેશ્વરે પાકિસ્તાન, શ્રીલંકા અને હવે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચમાં 18 બોલમાં (19મી ઓવરમાં બોલિંગ) 49 રન આપ્યા છે. ગાવસ્કરે કહ્યું, ‘તે એક બોલ પર લગભગ ત્રણ રન આપી રહ્યો છે. તેના જેવા અનુભવી અને ક્ષમતા ધરાવતા બોલર પાસે તમે અપેક્ષા રાખો છો કે તે 18 બોલમાં 35 થી 36 રન આપે. આ ખરેખર ચિંતાનો વિષય છે.

Most Popular

To Top