Business

ઈન્ડિગો એરલાઈન્સે 6 મહિનામાં 4 વખત મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા, સરકારે આપી આ સજા

નવી દિલ્હી: ઈન્ડિગો એરલાઇન્સ કોઇને કોઇ કારણસર ચર્ચામાં હોય જ છે. ભારતની સૌથી મોટી એરલાઈન્સ કંપની ઈન્ડિગો (Indigo Airlines) પર DGCAનો ફટકો લાગ્યો છે. DGCA એ ઈન્ડિગો એરલાઈન્સ પર એરપોર્ટ પર એરક્રાફ્ટની ગેરવ્યવસ્થા અને વારંવાર ‘ટેલ સ્ટ્રાઈક’ની ઘટનાઓ બદલ ભારે દંડ ફટકાર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એવિએશન રેગ્યુલેટર DGCA એ એરલાઇન ઇન્ડિગો પર ઓપરેશન્સ, ટ્રેનિંગ અને એન્જિનિયરિંગ પ્રક્રિયાઓ સંબંધિત દસ્તાવેજોમાં કેટલીક સિસ્ટમિક ખામીઓ માટે 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ઈન્ડિગોના A321 ક્લાસના એરક્રાફ્ટમાં આ વર્ષે છ મહિનામાં ‘ટેલ સ્ટ્રાઈક’ની ચાર ઘટનાઓ બની હતી. જેના પગલે ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) એ એરલાઈનનું વિશેષ ઑડિટ હાથ ધર્યું હતું. જ્યારે ટેક-ઓફ અથવા લેન્ડિંગ સમયે એરક્રાફ્ટની પાછળનો ભાગ રનવેને સ્પર્શવાનું શરૂ કરે છે, ત્યારે તેને ‘ટેલ સ્ટ્રાઈક’ કહેવામાં આવે છે.

મળતી માહિતી મુજબ ડીજીસીએએ જણાવ્યું હતું કે ઓડિટ દરમિયાન,તેણે ઈન્ડિગોની કામગીરી, તાલીમ, એન્જિનિયરિંગ અને એફડીએમ (ફ્લાઇટ ડેટા મોનિટરિંગ) પ્રોગ્રામ સંબંધિત દસ્તાવેજો અને પ્રક્રિયાઓની સમીક્ષા કરી હતી. નિવેદન અનુસાર, વિશેષ ઓડિટમાં ઓપરેશનલ/તાલીમ પ્રક્રિયાઓ અને એન્જિનિયરિંગ પ્રક્રિયાઓ સંબંધિત દસ્તાવેજોમાં કેટલીક પ્રણાલીગત ખામીઓ જોવા મળી હતી. આ સંદર્ભમાં એરલાઇનને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી.

DGCA એ કહ્યું કે એરલાઇનના જવાબનું કેટલાક સ્તરે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તે સંતોષકારક નહોતું.” DGCA એ ઇન્ડિગો એરલાઇન પર 30 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે અને તેને DGCA નિયમો અને OEM નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. (ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ)ને માર્ગદર્શિકા અનુસાર તેમના દસ્તાવેજો અને પ્રક્રિયાઓમાં સુધારો કરવાનો નિર્દેશ આપવામાં આવે છે.

જો કે થોડા સમય પહેલા જ સુરતથી એર ઓપરેશન સમેટી લેનાર સ્પાઇસ જેટનાકેટલા સફળ રૂટ પર ઈન્ડિગો એરલાઈન્સે ફ્લાઈટ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. ઇન્ડિગોએ તા.1લી જુલાઈથી સુરતથી ઉદયપુર અને ઉજ્જૈનની અને તા. 3 જુલાઈથી સુરત-કોલકાતાની ફ્લાઈટ શરૂ કરી છે. કોલકાતાની ફ્લાઈટ માટે ઈન્ડિગો 180 સીટર એરબસ (Airbus) મુક્યા છે. જ્યારે ઉદયપુર, ઉજ્જૈન ફ્લાઈટ માટે અત્યારે 72 સીટર એટીઆર કક્ષાનું એરક્રાફ્ટ મૂકી શકે છે. જો ટિકીટ બુકિંગ માટે સારો પ્રતિસાદ મળ્યો તો મોટું એરક્રાફ્ટ પણ મૂકી શકે છે.

Most Popular

To Top