National

મને યુવા શક્તિમાં વિશ્વાસ છે, આવનારા 5 વર્ષમાં ભારતનું અર્થતંત્ર વિશ્વમાં ટોપ 3માં હશે- PM મોદી

આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના સમારોહનુ સમાપન થઈ રહ્યું છે. સાથેજ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના સ્વપ્નને સાકાર કરવા નવા ઉત્સાહ સાથે દેશે ‘અમૃત કાળ’માં પ્રવેશ કર્યો છે ત્યારે આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી સાથે આ વર્ષે 15 ઓગસ્ટ પર સ્વાતંત્ર્ય પર્વનો વિશેષ થનગનાટ જોવા મળ્યો હતો. આ થનગનાટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો હતો. લાલ કિલ્લાની આસપાસ કડક સુરક્ષા વચ્ચે બે મહિલા અધિકારીઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાયું હતું. આ પહેલા પીએમ સવારે રાજઘાટ પહોંચ્યા હતા અને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ અવસર પર PM મોદીએ કહ્યું, હું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન આપનારા તમામ બહાદુરોને શ્રદ્ધાંજલિ આપું છું. બલિદાન અને તપસ્યાનું તે વ્યાપક સ્વરૂપ આપણને 1947માં આઝાદીના રૂપમાં મળ્યું. આ અમૃત કાળનો સમયગાળો જેને આવનારા એક હજાર વર્ષનો સુવર્ણ સમયગાળો અંકુરિત કરવાનો છે. તેમણે કહ્યું કે મને યુવા શક્તિમાં વિશ્વાસ છે. આવનારા 5 વર્ષમાં ભારતનું અર્થતંત્ર ટોપ 3માં હશે. યુવાનોએ વિશ્વની પ્રથમ ત્રણ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સ્થાન આપ્યું છે. ભારતની આ શક્તિ જોઈને દુનિયા આશ્ચર્યમાં પડી રહી છે.

વડાપ્રધાન લાલ કિલ્લા પર પહોંચ્યા ત્યારે તેઓનું રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટ અને રક્ષા સચિવ ગિરધર અરામને સ્વાગત કર્યું હતું. આ પછી જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC), દિલ્હી એરિયા લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ વડાપ્રધાનને સલામી સ્થળ પર લઈ ગયા હતા. ત્યાં સંયુક્ત ઇન્ટર-સર્વિસ અને દિલ્હી પોલીસ ગાર્ડે વડાપ્રધાનને સલામી આપી હતી. વડાપ્રધાનની ‘ગાર્ડ ઓફ ઓનર’ ટુકડીમાં આર્મી, એરફોર્સ, નૌકાદળ અને દિલ્હી પોલીસના અધિકારી અને કર્મચારીઓ શામેલ થયા હતા. ‘ગાર્ડ ઓફ ઓનર’ની કમાન મેજર વિકાસ સાંગવાને સંભાળી હતી.

ધ્વજ ફરકાવ્યા બાદ તિરંગાને ‘રાષ્ટ્રીય સલામી’ આપવામાં આવી હતી. આ દરમ્યાન આર્મી બેન્ડ દ્વારા રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું. બેન્ડનું સંચાલન નાયબ સુબેદાર જતિન્દર સિંહે કર્યું હતું. દરમ્યાન ભારતીય વાયુ સેનાના હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. આ કાર્યક્રમની ખાસ વાત એ હતી કે આ વખતે ધ્વજ ફરકાવવા દરમ્યાન બે મહિલા અધિકારીઓ વડાપ્રધાન સાથે દેખાઈ હતી. મંત્રાલયે કહ્યું કે મેજર નિકિતા નાયર અને મેજર જાસ્મીન કૌર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં વડાપ્રધાનની મદદ કરતી દેખાઈ હતી.

જણાવી દઈએ કે ધ્વજવંદનના કાર્યક્રમને લઈને બે દિવસ પહેલાં જ લાલ કિલ્લાની આસપાસ કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાંજથી મેટ્રો પાર્કિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું અને મધરાત 12થી દિલ્હીની સરહદો સીલ કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં દિલ્હી પોલીસ સોશિયલ મીડિયા પર પણ ચાંપતી નજર રાખી રહી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં અનેક ચેક પોઈન્ટ પર વાહનોની તપાસ કરવામાં આવી હતી.

Most Popular

To Top