નવી દિલ્હી: ભારતનું (Inida) વિદેશી દેવું (Foreign Debt) વધ્યું છે. ભારતનું બાહ્ય દેવું જૂન 2023ના અંતે નજીવો વધીને US$629.1 બિલિયન થયું હતું, જો કે દેવુંથી જીડીપી (GDP) ગુણોત્તર ઘટ્યો હતો. ગુરુવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં આ વાત સામે આવી છે. ડેટામાં જાણવા મળ્યું છે કે દેવું 4.7 બિલિયન યુએસ ડોલર વધી ગયું છે. માર્ચના અંતે તે US $624.3 બિલિયન હતું.
સમાચાર અનુસાર, આરબીઆઈએ કહ્યું કે, જૂન 2023ના અંતે ભારતના વિદેશી દેવું અને જીડીપીનો ગુણોત્તર ઘટીને 18.6 ટકા થઈ ગયો, જે માર્ચ 2023ના અંતે 18.8 ટકા હતો. આરબીઆઈએ જણાવ્યું હતું કે સરકારનું સામાન્ય બાકી દેવું ઘટ્યું છે, જ્યારે જૂન 2023 ના અંતમાં બિન-સરકારી દેવું વધ્યું છે. આ સિવાય વિદેશી દેવામાં લોનનો હિસ્સો સૌથી વધુ 32.9 ટકા હતો. આ પછી, તેમાં ચલણ અને થાપણો, વેપાર લોન અને એડવાન્સિસ અને ડેટ સિક્યોરિટીઝ દ્વારા યોગદાન આપવામાં આવ્યું હતું.
2000 રૂપિયાની નોટ બદલવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર
બેંકોમાં રૂ. 2,000ની નોટ જમા કરાવવા અથવા તેને અન્ય નોટો સાથે બદલવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે. એટલે કે નોટો બદલવા માટે આજે અને આવતીકાલનો સમય બાકી છે. નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 19 મેના રોજ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કાઢવાની જાહેરાત કરી હતી. તે પછી, નોટો બદલવા અથવા બેંકમાં જમા કરવા માટે 4 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. આરબીઆઈના જણાવ્યા અનુસાર, લગભગ 24,000 કરોડ રૂપિયાની 2,000 રૂપિયાની નોટ હજુ પણ બેંકમાં આવી નથી. આવી સ્થિતિમાં, મોટો પ્રશ્ન એ છે કે જો તમારી પાસે 2000 રૂપિયાની નોટ હોય અને તમે તેને 30 સપ્ટેમ્બર સુધી બદલી ન શકો તો શું થશે?