નવી દિલ્હી: (Delhi) રસીકરણ સલાહકારી સંસ્થા એનટીએજીઆઇના કાર્યકારી જૂથના ચેરપર્સન એન કે અરોરાએ જણાવ્યું કે ભારત કોવીશિલ્ડના (Covishield) બે ડોઝ વચ્ચેના અંતરાલની ફેરસમીક્ષા કરશે અને ઉદભવતા ડેટાના આધારે યોગ્ય પગલાં લેશે. તેમણે કોવિડ અને રસીકરણની સ્થિતિને બહુ ગતિશીલ ગણાવી હતી. કોવીશિલ્ડ રસી માટે બે ડોઝ વચ્ચેનો ગાળો ચાર-છ સપ્તાહથી વધારીને 12-16 સપ્તાહ કરવામાં આવ્યો એ નિર્ણય અંગે તેમણે જણાવ્યું કે આ પગલું વૈજ્ઞાનિક નિર્ણય પર આધારિત હતું. આ અંગે નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ ઓન ઇમ્યુનાઇઝેશન (એનટીએજીઆઇ)ના સભ્યો વચ્ચે કોઇ વિરોધ નથી. કોવિડ અને રસીકરણની બાબત બહુ ગતિશીલ છે. કાલે ઉઠીને જો વેક્સિન પ્લેટફોર્મ આપણને કહે કે લોકો માટે ગાળો સાંકડો કરવાનું વધુ સારું છે અને જો લાભ 5-10% પણ હોય તો સમિતિ મેરિટ અને એની વિવેકબુદ્ધિના આધારે નિર્ણય લેશે. બીજી બાજું એમ કહેવામાં આવે કે હાલનો નિર્ણય સારો છે, તો એ ચાલુ રાખીશું.
એપ્રિલના છેલ્લા સપ્તાહમાં યુકેના આરોગ્ય વિભાગની એજન્સીએ જણાવ્યું હતું કે ગાળો 12 સપ્તાહનો રાખવાથી વેક્સિનની અસર 65 અને 88% વચ્ચે રહે છે. એના આધારે તેઓ આલ્ફા વેરિયન્ટમાંથી બહાર આવ્યા. યુકે આમ કરી શક્યું કેમ કે ગાળો 12 સપ્તાહનો કરાયો હતો. અમે પણ એમ વિચાર્યું કે આ સારો વિચાર છે. કેમ કે મૂળભૂત વૈજ્ઞાનિક કારણો છે કે ગાળો વધારવામાં આવે તો એડિનોવેક્ટર વેક્સિન સારો પ્રતિસાદ આપે છે. એટલે 13મી મેએ નિર્ણય લેવાયો કે ગાળો વધારીને 12-16 સપ્તાહ કરવામાં આવે. તેમણે કહ્યું કે આપણી પાસે ખુલ્લી અને પારદર્શક સિસ્ટમ છે જ્યાં નિર્ણયો વૈજ્ઞાનિક આધારે લેવાય છે. અગાઉ ચાર સપ્તાહનો નિર્ણય પણ તે વખતે મળેલા ટ્રાયલના ડેટા આધારે હતો. તેમણે કેનેડા, શ્રીલંકા અને અન્ય દેશોના દાખલા આપ્યા જ્યાં એસ્ટ્રાઝેનેકા (કોવીશીલ્ડ રસી) માટે ગાળો 12-16 સપ્તાહનો છે.
એક ડોઝ પણ અસરકારક
અરોરાએ કહ્યું કે અમે રસીની અસરકારકતા પણ ટ્રેક કરીએ છીએ. ચંદીગઢ પીજીઆઇ અભ્યાસ બતાવે છે કે એક કે બે ડોઝ લીધેલામાં રસીની 75% અસરકારકતા આલ્ફા વેરિયન્ટ સામે જોવા મળી. એટલે ટૂંકા ગાળામાં એક ડોઝ હોય કે બેઉ, અસરકારકતા સરખી છે. એનો અર્થ એ કે તમે એક ડોઝ લીધો હોય તો પણ તમે સુરક્ષિત છો. સીએમસી વેલ્લોરના અભ્યાસના પરિણામો પણ આવા જ છે. એ મુજબ કોવિશીલ્ડની અસરકારકતા એક ડોઝની 61% અને બે ડોઝની 65% છે.
આ ગ્રૂપના ત્રણ વૈજ્ઞાનિકોએ કહ્યું ગાળો વધારવા અમે કહ્યું ન હતું, સરકારે વધારી દીધો
આ જ ગ્રૂપના ત્રણ વૈજ્ઞાનિકોએ રોઈટર્સને જણાવ્યું હતું કે કોવિશીલ્ડનો ગાળો વધારવાનો નિર્ણય સરકારે લીધો હતો. અમારા ગ્રૂપની સંમતિ એમાં ન હતી. દેશમાં કોરોનાની રસીની તંગી હતી એવા સમયે આરોગ્ય મંત્રાલયે કોવિશીલ્ડ માટે બે ડોઝનો ગાળો વધારવાની જાહેરાત કરી હતી. એનટીએજીઆઇના સભ્ય મેથ્યુ વર્ગીઝે કહ્યું કે ગ્રૂપની ભલામણ 8-12 સપ્તાહની જ હતી. જે પી મુલિયલિએ કહ્યું કે ગ્રૂપમાં ચર્ચા થઈ હતી પણ 12-16 સપ્તાહની ભલામણ કરાઇ ન હતી.