National

સરકારની નવી માર્ગદર્શિકા: કોરોના પોઝિટિવ વ્યક્તિ માટે હોમ આઈસોલેશનના આ છે નિયમો

નવી દિલ્હી: (New Delhi) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Union Ministry of Health) બુધવારે હળવા લક્ષણોવાળા અથવા લક્ષણો વગરના કોરોના દર્દીઓને હોમ આઇસોલેશન માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં સાત દિવસ પછી આઈસોલેશન ખતમ કરવા જેવા નિયમો બનાવવામાં આવ્યા છે. ઉપરાંત જો ત્રણ દિવસ સતત તાવ ન આવતો હોય તો હોમ આઈસોલેશન પૂરો થયેલો ગણાશે. હોમ આઇસોલેશનનો સમય પૂરો થયા બાદ ફરી ટેસ્ટિંગ કરવાની જરૂર રહેશે નહીં. દેશમાં કોમોર્બિડ દર્દીઓની નોંધપાત્ર સંખ્યા છે. આવી સ્થિતિમાં જો કેસ વધશે તો હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં પણ વધારો થશે. તેથી સરકાર દ્વારા હોમ આઇસોલેશન માટે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

છેલ્લા 9 દિવસમાં દેશમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. ઓમિક્રોન વેરિયન્ટના કેસો ત્રણ દિવસોમાં ડબલ થઈ રહ્યા છે. જેને કારણે આરોગ્ય મંત્રાલય દ્વારા દેશમાં નવી હોમ આઇસોલેશન ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. કેન્દ્રએ રાજ્યોને કંટ્રોલ રૂમને સુચારૂ રાખવા જણાવ્યું છે. કંટ્રોલ રૂમનું કામ એ હશે કે જ્યારે ઘરમાંથી એકાંતમાં રહેલા દર્દીની તબિયત બગડે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે તો તે માટેની તુરંત વ્યવસ્થા કરે. આવી સ્થિતિમાં એમ્બ્યુલન્સ, ટેસ્ટિંગથી લઈને હોસ્પિટલના બેડ સરળતાથી મળી રહે તે જોવાનું કામ પણ કંટ્રોલ રૂમનું હશે.

સરકારની નવી ગાઈડલાઈન

  • લક્ષણો વગરના અને હળવા લક્ષણોવાળા દર્દી જેમનું ઓક્સીજન સેચ્યુરેશન 93 ટકાથી વધુ હોય તેમને હોમ આઈસોલેશનની મંજૂરી છે.
  • હોમ આઈસોલેશનમાં રહેતા માઈલ્ડ અને એસિમ્પ્ટોમેટિક દર્દીઓએ જિલ્લા સ્તર પર કંટ્રોલ રૂમના સતત સંપર્કમાં રહવું પડશે. જેથી કરીને તેમને જરૂર પડ્યે ટેસ્ટિંગ અને હોસ્પિટલ બેડ સમયસર ઉપલબ્ધ કરાવી શકાય. 
  • દર્દીઓને સ્ટિરોઈડ લેવાની મનાઈ છે. સીટી સ્કેન અને ચેસ્ટ એક્સરે વગર ડોક્ટરની સલાહ નહીં મળી શકે.
  • પોઝિટિવ આવ્યા બાદ હોમ આઈસોલેશનમાં 7 દિવસ રહેવા અને સતત 3 દિવસ સુધી તાવ ન આવતા હોમ આઈસોલેશન ખતમ થઈ જતા હોમ આઈસોલેશન પૂરું થયેલું ગણાશે. ફરીથી ટેસ્ટની જરૂર નહીં રહે. 
  • હળવાં લક્ષણોવાળા દર્દીઓ ઘરે જ રહેશે. તેમના માટે પ્રોપર વેન્ટિલેશન રાખવું જરૂરી રહેશે.
  • વૃદ્ધ દર્દીઓને ડોક્ટરની સલાહ મુજબ હોમ આઇસોલેશનની મંજૂરી મળશે.
  • કોરોના દર્દીઓને ટ્રિપલ લેયર માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવશે.
  • જે દર્દી એચઆઈવી હોય, જેમનું ટ્રાન્સપ્લાન્ટ થયું હોય કે કેન્સર પીડિત હોય તેઓ ડોક્ટરની સલાહ બાદ જ હોમ આઈસોલેશનમાં રહી શકશે.

Most Popular

To Top