National

ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી વાળો દેશ બન્યો, ચીનને પણ પાછળ છોડી દીધું

ભારત (India) ચીનને (China) પછાડી વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર ભારતની વસ્તી વધીને 142.86 કરોડ થઈ ગઈ છે. જ્યારે ચીનની વસ્તી 142.57 કરોડ છે. સંયુક્ત રાષ્ટ્રએ બુધવારે સવારે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે આ વર્ષના મધ્ય સુધીમાં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી (Population) ધરાવતો દેશ બની જશે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી કરાયેલા ડેટામાં પણ જાણવા મળ્યું છે કે ભારત 30 લાખથી વધુ લોકો સાથે ચીનને પાછળ છોડીને સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે.

યુએનના અગાઉના ડેટાનો ઉપયોગ કરીને વસ્તી નિષ્ણાતોએ આગાહી કરી હતી કે ભારત આ મહિને ચીનને પાછળ છોડી દેશે. એવું કહેવામાં આવ્યું હતું કે આ ફેરફાર કેટલો સમય લેશે તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ બુધવાર બપોર સુધીમાં સંયુક્ત રાષ્ટ્રએ બીજો અહેવાલ બહાર પાડ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. ભારતની છેલ્લી વસ્તી ગણતરી વર્ષ 2011માં કરવામાં આવી હતી. UNFPA ઈન્ડિયાના પ્રતિનિધિ એન્ડ્રીયા વોજનરે કહ્યું કે ભારતીય સર્વેના તારણો દર્શાવે છે કે સતત વધતી જતી વસ્તી સામાન્ય લોકોના જીવન ધોરણ પર અસર કરી રહી છે.

Image

યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFPA)ના સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ 2023ના ડેમોગ્રાફિક ડેટામાં ચીનની 142.57 કરોડની સરખામણીમાં ભારતની વસ્તી 142.86 કરોડ હોવાનો અંદાજ છે. આંકડાઓ પર નજર કરીએ તો 340 મિલિયનની વસ્તી સાથે અમેરિકા ત્રીજા નંબરે છે.

UNFPAના નવા અહેવાલ મુજબ ભારતની 25 ટકા વસ્તી 0-14 વર્ષની વય જૂથમાં છે. જ્યારે 18 ટકા 10 થી 19 વર્ષની વયજૂથમાં, 26 ટકા 10 થી 24 વર્ષની વયજૂથમાં, 68 ટકા 15 થી 64 વર્ષની વયજૂથમાં અને 7 ટકા 65 વર્ષથી ઉપરના છે. બીજી તરફ વિવિધ એજન્સીઓના અંદાજો સૂચવે છે કે ભારતની વસ્તી લગભગ ત્રણ દાયકા સુધી વધતી રહેવાની ધારણા છે. આ સાથે વસ્તી 165 કરોડ થઈ શકે છે.

Image

ચીનની વસ્તીમાં છ દાયકામાં પ્રથમ વખત ઘટાડો થયો છે
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ચીનની વસ્તીમાં છ દાયકામાં પ્રથમ વખત ઘટાડો થયો હતો. આ પછી ચીનની વસ્તીમાં માત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આની અસર અર્થવ્યવસ્થા પર પણ પડશે. સરકારી ડેટા અનુસાર ભારતની વાર્ષિક વસ્તી વૃદ્ધિ અગાઉના 10 વર્ષમાં 1.7 ટકાની સરખામણીએ 2011થી સરેરાશ 1.2 ટકા રહી છે.

Most Popular

To Top