ભારત અને ચીન ખરેખર દોસ્ત છે કે દુશ્મન? આપણને સતત એવું જણાવવામાં આવે છે કે, ચીનથી ભારતને સૌથી વધુ ખતરો રહેલો છે. ચીન ભારતની જમીન પર અંદર સુધી ઘુસી ગયું છે. બંને દેશોના સૌનિકો વચ્ચેની અથડામણ અને તેમાં શહીદ થયેલાં આપણાં જવાનોની ઘટના હજુ આપણે ભૂલ્યા નથી. ચીનની વસ્તુઓ પર પ્રતિબંધ અને ચીની માલસામાન ખરીદવો નહીં એવાં કેમ્પેન પણ આપણે કર્યાં હતાં. આ બધા વચ્ચે જે આંકડાઓ આવી રહ્યા છે તે કંઈક નવું જ બયાન કરી રહ્યા છે! બંને દેશોના વણસેલા સંબંધો વચ્ચે આ વર્ષે ભારત અને ચીન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 100 બિલિયન ડૉલરના રેકોર્ડ બ્રેક આંકડાને પાર કરી ગયો છે! આ વિશે કોઈ જગ્યાએ ચર્ચા થઈ નથી! કારણ – પૂર્વી લદ્દાખમાં લશ્કરી ગતિરોધથી બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે એટલે આપણને આ વિશે વધારે જણાવવામાં આવ્યું નથી!
ન્યૂઝ એજન્સી PTI અનુસાર, વર્ષ 2001માં US ડોલર 1.83 બિલિયનથી શરૂ થયેલો. આ દ્વિપક્ષીય વેપાર આ વર્ષના 11 મહિનામાં US ડોલર 100 બિલિયન થઈ ગયો છે! તો આ શક્ય કેવી રીતે બન્યું? ચીનના જનરલ એડમિનિસ્ટ્રેશન ઓફ કસ્ટમ્સ (GAC)ના ડેટા અનુસાર, ભારત-ચીન દ્વિપક્ષીય વેપાર ડોલર 114.263 બિલિયન રહ્યો છે, જે જાન્યુઆરી અને નવેમ્બર 2021 વચ્ચે ડોલર 46.4% વધ્યો છે. ચીનમાં ભારતની નિકાસ વધીને ડોલર 26.358 બિલિયન થઈ છે, જેમાં દર વર્ષે 38.5 %નો વધારો થયો છે અને ચીનમાંથી ભારતની આયાત વધીને ડોલર 87.905 બિલિયન થઈ છે, જે 49% વધી છે.
એક તરફ દ્વિપક્ષીય વેપાર ડોલર 100 બિલિયનને પાર કરી ગયો છે, તો બીજી તરફ આ 11 મહિનામાં ભારતની વેપાર ખાધ પણ ઝડપથી વધી છે. વેપાર ખાધનો અર્થ એ છે કે ભારતે ચીન પાસેથી જે માલ વેચ્યો છે તેના કરતાં વધુ માલ ખરીદ્યો છે! વેપાર ખાધ ભારત માટે ખૂબ જ ચિંતાનો વિષય છે જે વધીને 61.547 અબજ થઈ ગઈ છે. આ વર્ષે તેમાં 53.49 %નો વધારો થયો છે. નવાઈની વાત એ છે કે, વેપાર ખાધ પર ભારતની ચિંતા હોવા છતાં આ રેકોર્ડ વર્ચ્યુઅલ રીતે નોંધાયો હતો. જો કે, આના પર કોઈ ઉજવણી કરવામાં આવી નથી, કારણ – પૂર્વી લદ્દાખમાં સૈન્ય કાર્યવાહીને લઈને તણાવ ચાલુ છે અને તેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો પહેલાં કરતાં વધુ સુસ્ત છે.
જાણીતા સંરક્ષણ વિશ્લેષક બ્રહ્મા ચેલાનીએ ટ્વીટ કરીને આ બિઝનેસ ગ્રોથ પર સવાલ ઉઠાવ્યા છે. ચેલાનીએ ટ્વિટમાં લખ્યું છે કે, ચીનના સરહદી અતિક્રમણ વચ્ચે જાન્યુઆરી અને નવેમ્બર વચ્ચે ચીનની તરફેણમાં ડોલર 61.5 બિલિયનના સરપ્લસ સાથે મોદી સરકાર વર્ષ 2021માં ચીન સાથેના વેપારમાં 50% વધારાને કેવી રીતે યોગ્ય ઠેરવે છે? જે વર્તમાન નાણાંકીય વર્ષમાં ભારતના કુલ સંરક્ષણ ખર્ચની લગભગ બરાબર છે. ગયા વર્ષે 5 મેના રોજ ભારત અને ચીન વચ્ચે સૈન્ય અવરોધ શરૂ થયો હતો, ત્યાર બાદ પેંગોંગ તળાવ વિસ્તારમાં બંને વચ્ચે હિંસક અથડામણ થઈ હતી અને બંને દેશોના ઘણા સૈનિકો માર્યા ગયા હતા. ધીરે ધીરે બંને દેશોએ પોતપોતાના વિસ્તારોમાં હજારોની સંખ્યામાં સૈનિકો અને ભારે હથિયારો તૈનાત કર્યાં હતાં. અસંખ્ય તબક્કામાં સૈન્ય અને રાજદ્વારી વાટાઘાટો પછી બંને પક્ષોએ આ વર્ષે ફેબ્રુઆરીમાં પેંગોંગ તળાવના ઉત્તર અને દક્ષિણમાં અને ઓગસ્ટમાં ગોગરા વિસ્તારમાં પીછેહઠ કરવાનું શરૂ કર્યું હતું.
31મી જુલાઇની વચ્ચે બંને પક્ષો વચ્ચે 12મા રાઉન્ડની વાતચીત થઈ હતી. થોડા દિવસો પછી બંને સેનાઓએ ગોગરામાં ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. બંને પ્રદેશમાં શાંતિ અને સંયમની પુનઃસ્થાપના માટે તેને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી હતી. બંને પક્ષે પર્વતીય ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણરેખા (LAC) પર 50થી 60 હજાર સૈનિકો તૈનાત કર્યા હતા. સંઘર્ષની આ પરિસ્થિતિમાં આશાનું સૌથી મોટું કિરણ WMCC (વર્કિંગ મિકેનિઝમ ફોર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન) હતું, જેના હેઠળ બંને દેશોના વિદેશ મંત્રીઓ અને ટોચના સૈન્ય કમાન્ડરો સંપર્કમાં રહ્યા હતા અને આખરે બને દેશની સીમા પર તણાવને નિયંત્રિત કર્યો હતો. એ વખતે લદ્દાખની ગતિવિધિએ વેપાર સિવાયના અન્ય તમામ સંબંધોને સ્થગિત કરી દીધા હતા. તમને યાદ હોય તો ચીનની અસંખ્ય એપને બૅન કરવામાં આવી હતી, જેમાં ટીકટોક પણ સામેલ હતી.
આ વર્ષે નવેમ્બરમાં સિંગાપોરમાં એક પેનલ ચર્ચા દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે, ભારત અને ચીન તેમના સંબંધોમાં તણાવની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે, કારણ કે બેઇજિંગે સંખ્યાબંધ કાર્યવાહી સાથે કરારોનું ઉલ્લંઘન કર્યું છે, જેના માટે તેની પાસે હજુ પણ કોઈ ચોક્કસ જવાબો નથી. તો શું આ બધા વચ્ચે વેપાર વધ્યો તેની જાણ સરકારને નહીં હોય!? ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે, તાજેતરના ITના છાપાઓ દરમિયાન અમુક માહિતી એવી બહાર આવી છે, જેમાં સરકારની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે! આવકવેરા વિભાગે કહ્યું હતું કે, 21 ડિસેમ્બરે હાથ ધરાયેલી મોટા પાયે તપાસમાં જાણવા મળ્યું છે કે ચાઈનીઝ મોબાઈલ ફોન બનાવતી બે કંપનીઓમાં ઘણી ગેરરીતિઓ છે. અંગ્રેજી અખબાર ‘ધ હિંદુ’ ના અહેવાલ મુજબ, આ મામલામાં ઘણા વિદેશી નિયંત્રિત મોબાઈલ કોમ્યુનિકેશન અને મોબાઈલ ફોન ઉત્પાદકો અને તેમના એકમો સામેલ છે. તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, આસામ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ગુજરાત, બિહાર, રાજસ્થાન, દિલ્હી અને તેની આસપાસનાં શહેરોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
આવકવેરા વિભાગનું કહેવું છે કે, તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ બે મોટી કંપનીઓ દ્વારા વિદેશમાં સ્થિત તેમની ગ્રુપ કંપનીઓને મોકલવામાં આવેલી રોયલ્ટીની રકમ મળીને રૂ.5500 કરોડથી વધુ છે. તેના માટે જે ખર્ચનો દાવો કરવામાં આવ્યો છે, તે પુરાવા અને તથ્યો વાજબી જણાતા નથી. 26 ડિસેમ્બરે આ કિસ્સામાં ચીની ચેમ્બર્સ ઓફ કોમર્સે ભારતને કહ્યું હતું કે, તે અનિયમિત ટેક્સ તપાસમાં બદલાવ કરે. ચાઈનીઝ ચેમ્બર્સ ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયા ચાઈના મોબાઈલ ફોન એન્ટરપ્રાઈઝ એસોસિયેશને ભારત સરકારને કહ્યું હતું કે ચાઈનીઝ કંપનીઓ માટે ભારતમાં ભેદભાવ વગરનું બિઝનેસ વાતાવરણ હોવું જોઈએ. આ બંને દ્વારા લખાયેલ પત્રને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીનું મુખપત્ર ગણાતા અખબાર ગ્લોબલ ટાઈમ્સ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો હતો.
આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, તાજેતરમાં ચીનની મોબાઈલ ફોન કંપનીઓને ભારતમાં અણધારી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. પરિણામે કંપનીઓ તેમના ઉત્પાદનને સામાન્ય કરવામાં અસમર્થ છે. વિકાસશીલ ભારતમાં અમારો વિશ્વાસ ઓછો થયો છે. આમ કરવાથી ભારતમાં રોકાણ પર ખરાબ અસર પડશે. ગ્લોબલ ટાઈમ્સે તેના ટ્વિટમાં લખ્યું છે કે, આ ચીની કંપનીઓનું ભારતમાં 3 અબજ ડોલરનું રોકાણ છે અને 5 લાખ ભારતીયોની રોજગારી તેના પર નભે છે. એજન્સીનો દાવો છે કે ભારતીય કંપનીના ચોપડામાં વિદેશી ભંડોળ દર્શાવવામાં આવ્યું હતું પરંતુ આ ભંડોળ જે સ્ત્રોતમાંથી આવ્યું હતું તેની પ્રકૃતિ શંકાસ્પદ હતી અને કથિત ધિરાણકર્તા પાસે કોઈ વિશેષ લાયકાત નહોતી. આવી ઉધારની રકમ રૂ. 5,000 કરોડ હોવાનું જણાવવામાં આવ્યું છે, જેમાં વ્યાજ ચાર્જનો પણ દાવો કરવામાં આવ્યો છે. અહીં એ સમજાતું નથી કે, ચીનના મામલે દર વખતે આપણને કેમ અંધારામાં રાખવામાં આવે છે? ચાહે એ સીમાવિવાદ હોય કે પછી ચીનનો સામાન ખરીદવાની વાત હોય! શું સરહદ પર દુશ્મન અને વેપાર-ધંધાની વાત આવે ત્યારે દોસ્ત, એવો ડબલ દાવ રમવામાં આવી રહ્યો છે?