ચેન્નાઈ: (Chennai) સનાતન ધર્મ સમાનતા અને સામાજિક ન્યાયની વિરૂદ્ધ છે એવા આરોપો લગાવતા ડીએમકે યુવા પાંખના સેક્રેટરી અને તમિલનાડુના (Tamilnadu) યુવા કલ્યાણ મંત્રી ઉદયનિધિ સ્ટાલિને (Udayanidhi Stalin) કહ્યું હતું કે તેને નાબૂદ કરવો જોઈએ. સનાતન ધર્મને કોરોના વાયરસ, મેલેરિયા અને ડેંગ્યુના કારણે થતા તાવ સાથે જોડતા ઉદયનિધિએ કહ્યુ હતુ આવી વસ્તુઓનો વિરોધ કરી શકાય નહીં પણ તેમને નાબૂદ કરવી જોઈએ.
- સનાતન ધર્મ સામાજિક ન્યાયની વિરૂદ્ધ છે, તેને નાબૂદ કરવો જોઈએ : ઉદયનિધિ સ્ટાલિન
- ભાજપે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું ઉદયનિધિએ સનાતન ધર્મમાં માનતી 80 ટકા વસ્તીની સામૂહિક હત્યાની હાકલ કરી
- તમિલનાડુ પ્રોગ્રેસિવ રાઈટર્સ એન્ડ આર્ટીસ્ટ એસોસિએશનના સંમેલનમાં શનિવારે સંબોધન કરતા મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિએ આ વાત કહી હતી
તેમના આ નિવેદન પર સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયાઓ આવી હતી તેની સાથે ભાજપના આઈટી ડિપાર્ટમેન્ટના ઈન-ચાર્જ અમિત માલવિયાએ કહ્યું હતું કે ડીએમકેના નેતાએ 80 ટકા વસ્તીની સામૂહિક હત્યા માટે હાકલ કરી છે જેઓ સનાતન ધર્મને માને છે. જો કે ઉદયનિધિએ આ આરોપોને રદિયો આપ્યો હતો. તમિલનાડુ પ્રોગ્રેસિવ રાઈટર્સ એન્ડ આર્ટીસ્ટ એસોસિએશનના સંમેલનમાં શનિવારે સંબોધન કરતા મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિએ કહ્યું હતું, સનાતન સમાનતા અને સામાજિક ન્યાયની વિરૂદ્ધ છે. સનાતનનો અર્થ ‘હંમેશાં માટેનું’ છે, જેને બદલી શકાય નહીં. સનાતન ધર્મ લોકોને જાતિના આધારે વિભાજિત કરે છે, એમ તેમણે આરોપ લગાવ્યો હતો.
અમિત માલવીયએ ઉદયનિધિના સંબોધનને નફરતનું સંબોધન ગણાવતા કહ્યું હતું, ‘રાહુલ ગાંધી ‘મોહબ્બતની દુકાન’ અંગે વાત કરે છે પણ કોંગ્રેસના સાથી પક્ષ ડીએમકેના વંશજ સનાતન ધર્મને નાબૂદ કરવા માગે છે. કોંગ્રેસનું મૌન આ સામૂહિક હત્યાની હાકલને સમર્થન આપે છે. આ ટીકા પર પ્રતિક્રિયા આપતા ઉદયનિધિએ કહ્યું હતું, ‘મેં ક્યારેય સનાતન ધર્મમાં માનતા લોકોની સામૂહિક હત્યાની હાકલ કરી નથી. સનાતન ધર્મ એક સિદ્ધાંત છે જે લોકોને જાતિ અને ધર્મના આધારે વિભાજિત કરે છે. સનાતન ધર્મને નાબૂદ કરવું એ માનવતા અને માનવ સમાનતાને જાળવી રાખવું છે. સનાતન ધર્મના કારણે દબાયેલા અને અલગ પડી ગયેલા લોકો વતી મેં બોલેલા એક એક શબ્દ પર હું મજબૂતીથી કાયમ છું.’