Sports

હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવની ઘાતક બોલિંગ સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ ઘૂંટણ ટેકવ્યા

ચેન્નાઈ: વન-ડે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ બુધવારે ચેન્નાઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે નિર્ધારિત સમયે શરૂ થઈ છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે શરૂઆતમાં સારો સાબિત થયો હતો. ઓપનર ટ્રેસ હેડ અને મિચેલ માર્શે ઓસ્ટ્રેલિયાને મજબૂત શરૂઆત અપાવી હતી, પરંતુ ત્યાર બાદ ભારતીય બોલિંગ આક્રમણ સામે ધબડકો થયો હતો અને ઓસ્ટ્રેલિયા 269 રન પર ઓલ આઉટ થઈ ગયું હતું.

ભારતને પહેલી સફળતા 11મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ અપાવી હતી. હાર્દિકે એક બાદ એક ત્રણ વિકેટ ઝડપી હતી. બંને ઓપનર ટ્રેસ હેડ અને મિચેલ માર્શ તેમજ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથને હાર્દિક પંડ્યાએ આઉટ કર્યા હતા. ઓપનર્સના આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાના કોઈ બેટ્સમેન ક્રીઝ પર લાંબુ ટકી શક્યા નહોતા.

હાર્દિક પંડ્યા બાદ કુલદીપ યાદવે તરખાટ મચાવતા 203 રન પર ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટ ગુમાવી દીધી હતી. કુલદીપ યાદવે લાબુશેન, એલેક્સ કેરી અને ડેવિડ વોર્નરને આઉટ કરી ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે અક્ષર પટેલે સ્ટોઈનિસને આઉટ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાના તમામ બેટ્સમેન 269 રન પર પેવેલિયન ભેગા થઈ ગયા હતા. ભારતને જીતવા માટે 270 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારત તરફથી હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવે 3-3 વિકેટ લીધી હતી. અક્ષર અને સિરાજે બે-બે વિકેટ મેળવી હતી.

ભારતે 2-1થી ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ત્રણ મેચની વન ડે સિરિઝ રમાઈ રહી છે. આ સિરિઝની પહેલી મેચ ભારત જીત્યું હતું ત્યારે બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આજે ચેન્નાઈ ખાતે રમાઈ રહેલી ત્રીજી મેચ નિર્ણાયક છે. ફાઈનલ સમાન આ મેચ માટે ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં કોઈચેન્જ કર્યો નથી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ બે ફેરફાર કર્યા છે. કેમરૂન ગ્રીન અને નાથન એલિસના સ્થાને ડેવિડ વોર્નર અને એશ્ટન અધરને ટીમમાં સ્થાન અપાયું છે.

ઓસ્ટ્રેલિયાના ઓપનરોએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. ત્યાર બાદ હાર્દિક પંડ્યાએ 11મી ઓવરમાં હેડ (61) , 13મી ઓવરમાં કેપ્ટન સ્મિથને (0) અને 15મી ઓવરમાં મિચેલ માર્શને (47) રને આઉટ કર્યો હતો.

Most Popular

To Top