દુબઇ, તા. 21 (પીટીઆઇ) : ઓસ્ટ્રેલિયામાં વર્ષના અંતભાગે રમાનારા ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમ પોતાની પહેલી મેચ ફરી એકવાર પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) પર રમશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)એ શુક્રવારે આ ટૂર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર કર્યો હતો, જેની ફાઇનલ 13 નવેમ્બરે એમસીજીમાં જ રમાવાની છે. ગત વર્ષે ભારતીય ટીમે દુબઇમાં ટી-20 વર્લ્ડકપમાં પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે રમી હતી અને તેમાં તેમનો પરાજય થયો હતો. એ કોઇપણ ફોર્મેટના વર્લ્ડકપમાં ભારતીય ટીમનો પાકિસ્તાન સામે પહેલો પરાજય બન્યો હતો. ભારતીય ટીમ પોતાની બીજી મેચ 27 ઓક્ટોબરે સિડનીમાં ક્વોલિફાયર (ગ્રુપ-એના વિજેતા) સાથે રમશે.
તે પછી 30 ઓક્ટોબરે પર્થમાં દક્ષિણ આફ્રિકા સામે અને 2 નવેમ્બરે એડિલેડ ઓવલમાં બાંગ્લાદેશ સામે રમશે. ભારતીય ટીમ સુપર-12ની પોતાની અંતિમ મેચ છ નવેમ્બરે એમસીજીમાં ગ્રુપ બીના વિજેતા સામે રમશે.
ટૂર્નામેન્ટનો બીજો રાઉન્ડ અર્થાત સુપર 12ની શરૂઆત 22 ઓક્ટોબરે ડિફેન્ડીંગ ચેમ્પિયન અને યજમાન ઓસ્ટ્રેલિયા અને ગત વર્ષની રનર્સઅપ ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે રમાશે. આ મેચ સિડનીમાં રમાશે. સુપર 12માં ઓસ્ટ્રેલિયાને ગ્રુપ 1માં વર્લ્ડ નંબર વન ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન તેમજ ગ્રુપ એના વિજેતા તેમજ ગ્રુપ બીના રનર્સઅપ સાથે રાખવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટની સેમી ફાઇનલ 9 અને 10 નવેમ્બરે અનુક્રમે સિડની અને એડિલેડ ઓવલમાં રમાશે. પહેલીવાર એડિલેડ ઓવલ વર્લ્ડકપ સેમી ફાઇનલની યજમાની કરશે.
શ્રીલંકા અને વેસ્ટઇન્ડિઝે પહેલા રાઉન્ડની મેચો રમવી પડશે
સુપર 12 પૂર્વે પહેલા રાઉન્ડની શરૂઆતની મેચો શ્રીલંકા અને વેસ્ટઇન્ડિઝે રમવી પડશે. 2014ના ચેમ્પિયન શ્રીલંકા અને નામિબિયા વચ્ચે પહેલા રાઉન્ડની પ્રારંભિક મેચ 16 ઓક્ટોબરે કાર્ડિનિયા પાર્ક જિલાંગમાં રમાશ. આ ગ્રુપની બે અન્ય ટીમો ક્વોલિફાઇ થઇને આવશે. આ ઉપરાંત વેસ્ટઇન્ડિઝ ગ્રુપ બીમાં સ્કોટલેન્ડ અને બે અન્ય ક્વોલિફાયર્સની સાથે રાખવામાં આવ્યું છે. આ બંને ગ્રુપમાં પહેલા બે ક્રમે રહેનારી ટીમ સુપર 12માં ક્વોલિફાઇ થશે.
ભારતીય ટીમની ટી-20 વર્લ્ડકપમાં રમાનારી મેચો
તારીખ હરીફ સ્થળ
23 ઓક્ટોબર પાકિસ્તાન એમસીજી
27 ઓક્ટોબર ક્વોલિફાયર સિડની
30 ઓક્ટોબર દ. આફ્રિકા પર્થ
02 નવેમ્બર બાંગ્લાદેશ એડિલેડ ઓવલ