અમદાવાદ: અમદાવાદ આવકવેરા વિભાગ ફરી એક્શન મોડમાં આવી ગયું છે. આજે સવારથી જ અમદાવાદના આવકવેરા વિભાગ શહેરના મોટા બિઝનેસ જૂથ પર ત્રાટક્યું છે.
અમદાવાદમાં (Ahmedabad) ડેરી (Dairy) અને હોટલ (Hotel) વ્યવસાથ સાથે સંકળાયેલા એક મોટા બિઝનેસ ગ્રુપ પર આવકવેરા (Income Tax) વિભાગે દરોડા (Raid) પાડ્યા છે. વિભાગના 75થી વધુ અધિકારીઓની અલગ અલગ ટીમ આજે વહેલી સવારથી ગ્રુપના વ્યવસાયિક તથા રહેણાંક સ્થળો પર તપાસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યનું આવકવેરા વિભાગ ફરી સક્રિય થયું છે. આજે સવારથી અમદાવાદના મોટા ગ્રુપ પર ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે રેઈડ કરી છે. જાણવા મળ્યા મુજબ આઈટીના અધિકારીઓએ ગોપાલ ડેરી અને રિવર વ્યુ હોટલ પર દરોડા પાડ્યા છે.
અધિકારીઓની અલગ અલગ ટીમ સવારથી અમદાવાદના આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં આવેલા આ ગ્રુપના વિવિધ વ્યવસાયિક સ્થળો પર તપાસ કરી રહ્યાં છે. તે ઉપરાંત ગ્રુપના સંચાલક રાજુ ઉર્ફે નીશિત દેસાઈ, ગૌરાંગ દેસાઈ અને અન્ય ભાગીદારોના ઘર, ઓફિસ પર પણ તપાસ લંબાવાઈ છે. શહેરમાં કુલ 13 સ્થળ પર તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ તપાસમાં રાજ્યભરમાંથી આઈટીના 75થી વધુ અધિકારીઓ જોડાયા છે.
આવકવેરા વિભાગના અચાનક પડેલા દરોડાના કારણે વિવિધ હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ અને વેપારીઓમાં પણ ફફડાટ મચી ગયો છે. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો ઝડપાય તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
નવેમ્બરમાં બે બિલ્ડરો પર દરોડા પડ્યા હતા
આ અગાઉ અમદાવાદ આવકવેરા વિભાગે ગયા નવેમ્બર મહિનામાં બે બિલ્ડર પર દરોડા પાડ્યા હતા. અમદાવાદના સાયન્સ સીટી રોડ સહિત અનેક વિસ્તારોમાં પ્રોજેક્ટ કરનાર ત્રિકમભાઈ પટેલ અનિલભાઈ પટેલ સહિત બે ડઝન સ્થળોએ તપાસ કરાઈ હતી. અમદાવાદ શહેરના જાણીતા અવિરત ગ્રુપ અને શિપરમગ્રુપ સહિત 3 ગ્રુપ પર આઈટી ત્રાટકયું હતું. અવિરત ગ્રુપના કનુભાઈ પટેલ સંદીપભાઈ પટેલ અને બળદેવભાઈ પટેલને ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. ઇન્કમટેક્સનો 150 થી પણ વધુ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો હતો.