આણંદ : ખંભાત તાલુકાના વટાદરા ગામે આવેલી જમીનના મુળ માલિક વડોદરા રહેતા હોવાથી નિયમિત પણે આવી શકતાં નહતાં. આ તકનો લાભ લઇ કેટલાક માથાભારે શખસે જમીન પર કબજો કરી દીધો હોવાની ફરિયાદ ઉઠી હતી અને ખેડૂતને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે ખેડૂતે લેન્ડ ગ્રેબીંગ અંતર્ગત કલેક્ટરમાં ફરિયાદ દાખલ કરી છે.
આ અંગે વડોદરા ખાતે રહેતા ભાવિનભાઈ શાહે કલેક્ટરની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની વારસાગત જમીન ખંભાતના વટાદરા ગામે આવેલી છે. ભાવિનભાઈ અને તેમનો પરિવાર વરસોથી વડોદરા સ્થાયી થયો હોવાથી વટાદરા ખાતે તેમની અવર જવર નહિવત હતી. બીજી તરફ આ જમીન પર ગામના રમેશ ઠાકોર, લલ્લુ ઠાકોર અને કાંતિ ઠાકોર નામના ત્રણ ભાઈઓએ કબજો જમાવી દીધો છે.
ફરિયાદ મુજબ, ભાવિનભાઈએ આ જમીન કોઇ પણ સહમાલીકોને તેઓને ન તો રહેવા કે ન તો ખેડવા આપી નથી. તેમ છતાં ત્રણેય ભાઈએ બળજબરીથી જમીન પર કબજો જમાવી દીધો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અગાઉ ભાવિનભાઈએ જમીન ખાલી કરી દેવા તથા તેનો કબજો સોંપી દેવા જણાવતાં ત્રણેય ભાઈ ઉશ્કેરાઇ ગયાં હતાં અને કબજો ખાલી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને જે થાય તે કરી લેવાની ધાક ધમકી આપી હતી. આમ, ગેરકાયદેસર રીતે બળજબરીથી જમીન પચાવી પાડી હોવાની રજુઆત કરી હતી. ભાવિનભાઈએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, વટાદરાની જમીનમાં એક વિઘો જેટલી જમીન ત્રણેય ભાઇએ બાબુ વાઘેલા નામના શખસને આપી દીધી છે. આથી, ચારેય શખસ સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો નોંધવા માગણી કરી હતી.