વ્યારા: તાપી (Tapi) જિલાના મુખ્ય મથક વ્યારામાં (Vyara) પોતાના દીકરાઓની પ્રેમિકાઓને ઘરે બોલાવી હિન્દુ આદિવાસી (Tribal) યુવતીઓને પોતાના બંને દીકરા સાથે લગ્ન કરવાની લાલચ આપી બળજબરી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. આ મામલો પોલીસ સુધી પહોંચતાં પોલીસે દંપતી અને તેના બંને પુત્ર સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે.
- મંદિરમાંથી આપેલો હાથનો દોરો કાપી નાંખ્યો અને મીણબત્તી સળગાવી મળસકે સુધી વિધિ કરી
- પગમાં અને કપાળ ઉપર તેલ લગાવી ઓઢણીથી વાળ બંધાવી દીધા
- વ્યારામાં આદિવાસી યુવતીઓના બળજબરી ધર્મ પરિવર્તન કરાવનાર પરિવાર ઝડપાયું
આ બનાવની ફરિયાદ વ્યારાના ઢોડિયાવાડ વિસ્તારમાં રહેતી એક યુવતીએ કરી હતી. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, વ્યારાનાં અંબિકાનગરમાં રહેતો યોહાન તેની સાથે અભ્યાસ કરતો હતો અને બંને વચ્ચે છેલ્લાં ત્રણ વર્ષથી પ્રેમસંબંધ છે. દરમિયાન ગઇ તારીખ 30મીના રોજ બુધવારે રાત્રે આઠ વાગ્યે યોહાને તેને ફોન કરીને પપ્પા બોલાવતાં હોવાનું કહી ઘરે આવવા જણાવ્યું હતું. જેથી તે ફ્રેન્ડને ત્યાં જવાનું કહી રાત્રે સાડા દશ વાગ્યે યોહાનના ઘરે પહોંચી હતી. તે જેવી ત્યાં પહોંચી કે તરત જ યોહાનના પિતાએ તેના હાથમાં મંદિરમાંથી બાંધવામાં આવેલો દોરો કાપી નાંખી કપાળ અને પગમાં તેલ લગાવી ઓઢણીથી વાળ બંધાવી દીધા હતા અને અને ફોન પણ બંધ કરાવી દીધો હતો.
યોહાનના ભાઇ રસીનને વાંસકુઇમાં રહેતી એક યુવતી સાથે પ્રેમસંબંધ છે. તેને પણ ત્યાં બોલાવવામાં આવી હતી અને તેની સાથે પણ તેવું જ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યોહાનના પિતા રાકેશ કાથુડિયા વસાવાએ બંને યુવતીઓને કહ્યું હતું કે, “તમે અશુદ્ધ છો. તમને શુદ્ધ કરવા માટે અહીં બોલાવ્યા છે’’ તેવું કહેતાં બંને યુવતી રડવા લાગી હતી. બંનેએ ઘરે જવાનું કહેતાં રાકેશ વસાવાએ બંનેને કહ્યું હતું કે, “હવે તમારાથી ઘરની બહાર ન જવાય, તમારે ચાર દિવસ અહીં રહેવાનું છે” ઇસુએ મારા ખાતામાં એક લાખ તથા યોહાનના મમ્મીના ખાતામાં એક લાખ રૂપિયા નાંખેલા છે.
જેથી હવે બધાના જૂના મોબાઇલ તથા જૂની ફોર વ્હીલ ગાડી વેચી નવી ફોર વ્હીલ અને નવા મોબાઇલ લેવાના છે તેવું કહ્યું હતું. ત્યાર બાદ મીણબત્તી સળગાવી ખ્રિસ્તી વિધિ કરી હતી. યોહાનના પિતા જે બોલતાં તે આ યુવતીઓ પાસે બોલાવતા હતા. તા.૨૧મી એપ્રિલે મળસકે પાંચેક વાગ્યા સુધી ધર્મ પરિવર્તનની વિધિ કરી હતી. ત્યારબાદ સવારે આઠ વાગ્યે આ યુવતીની મમ્મીનો ફોન આવતાં તેણે યોહાનને ત્યાં હોવાનું જણાવતાં તેના પરિવારજનો તેને ઘરે લઇ ગયા હતા. ત્યાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચતાં પોલીસે યોહાનના સમગ્ર પરિવાર સામે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તાપી જિલ્લામાં ધર્માંતરણ માટે વિદેશથી ફંડ આવે છે
તાપી જિલામાં કેટલાક લોકો વિદેશમાંથી ફંડ ભેગું કરી ગરીબ આદિવાસીઓને ભોળવી ધર્માંતરણ કરાવવાનું આયોજનબદ્ધ રીતે નેટવર્ક ચલાવી રહ્યા છે. ત્યારે આ મામલે તટસ્થ તપાસ થાય તો આદિવાસીઓને ભોળવી ધર્માંતરનું ચાલતું મોટું રેકેટ બહાર આવે તેમ છે. જો કે, આ અંગે પૂરતી તપાસ કરવામાં આવે તો સમગ્ર ઘટનાનો પર્દાફાશ થાય તેમ છે. ખાસ કરીને આવા કિસ્સાઓમાં આદિવાસીઓને જ ટાર્ગેટ કરવામાં આવે છે. થોડા મહિના પહેલાં ભરૂચ જિલ્લાના આમોદ ખાતે પણ આદિવાસીઓને લાલચ આપી ઇસ્લામ કબૂલાવવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
ધર્મ પરિવર્તન કરાવનારા આરોપીઓની યાદી
વ્યારા: યોહાન રાકેશ વસાવા (ઉં.વ.૨૧), રાકેશ કાથુડિયા વસાવા (ઉં.વ.૪૮), રસીન રાકેશ વસાવા (ઉં.વ.૨૮), યાકુબ રાકેશ વસાવા (ઉં.વ.૨૩), રેખાબેન વસાવા (ઉં.વ.૪૩) (તમામ રહે.,અંબિકાનગર, વ્યારા, તા.વ્યારા, જિ.તાપી, મૂળ રહે.,ચીતપુર, ટાંકી ફળિયું, તા.ઉચ્છલ, જિ.તાપી)ની અટક કરી છે.