વેરાવળ: વેરાવળ શહેરમાં છેતરપિંડીનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ખાનગી બેંકના સેલ્સ મેનેજરે ગ્રાહકોનું રૂ. 2 કરોડનું સોનું નકલી દાગીનામાં બદલી નાખ્યું. પોલીસે આ કેસમાં બેંકના બે કર્મચારીઓ સહિત મેનેજરની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા કર્મચારીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.
પોલીસે જણાવ્યું હતું કે ખાનગી બેંક શાખાના સેલ્સ મેનેજર રામ સોલંકીની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા બેંક કર્મચારીઓની ઓળખ શાખાના ગોલ્ડ લોન વિભાગના સેલ્સ મેનેજર માનસિંહ ગઢિયા અને તેના ગૌણ કર્મચારી વિપુલ રાઠોડ અને પિંકી ખેમચંદાની તરીકે થઇ છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તેમની સામે છેતરપિંડી, બનાવટી અને ગુનાહિત કાવતરું સહિત અનેક આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
એસપી મનોહરસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે તેમને આ છેતરપિંડીની માહિતી બેંક અધિકારીઓ પાસેથી મળી હતી. એફઆઈઆર મુજબ, બેંકના એક વરિષ્ઠ અધિકારીને છેતરપિંડીની જાણ ત્યારે થઈ જ્યારે તેણે એક અઠવાડિયા પહેલા અચાનક શાખાની મુલાકાત લીધી.
તપાસ દરમિયાન, અધિકારીને જાણવા મળ્યું કે ગ્રાહકો દ્વારા જમા કરવામાં આવેલા સોનાના દાગીનાના પેકેટનું વજન ઓછું હતું. આ દરમિયાન સેલ્સ મેનેજરે કહ્યું કે સોનું વાસ્તવિક છે. તેની તપાસ કર્યા બાદ જ તેને પેકેટમાં પેક કરીને તિજોરીમાં રાખવામાં આવ્યુ હતું.
વધુ તપાસ પર, અધિકારીએ શોધી કાઢ્યું કે પેકેટના લેબલ સાથે છેડછાડ કરવામાં આવી હતી. ત્યારબાદ એક પછી એક તમામ પેકેટની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે 6 પેકેટમાં નકલી દાગીના રાખવામાં આવ્યા હતા. તેનો સ્પષ્ટ અર્થ એ થયો કે બે કરોડની કિંમતના સાચા સોનાના દાગીનાને નકલી ઘરેણાંથી બદલવામાં આવ્યા હતા. હવે 426 પેકેટ છે જેની ફરીથી તપાસ કરવામાં આવશે.
પ્રાથમિક તપાસ બાદ બ્રાન્ચ મેનેજરે બેંકના 3 કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. તેણે જણાવ્યું કે ત્રણેય છેલ્લા બે વર્ષથી આ સમગ્ર છેતરપિંડી સાથે સંકળાયેલા છે. શુદ્ધતા ઓડિટ પછી જ્યારે પણ કિંમતી ચીજવસ્તુઓ ધરાવતાં પેકેટ્સ બેંક શાખામાં આવતા ત્યારે ત્રણેય તેમના સીલ ખોલીને અસલી સોનાની જગ્યાએ નકલી સોનું રાખી દેતા હતા.
એસપીએ કહ્યું કે આરોપીઓ અગાઉ ચોરી કરેલા સાચા સોનાનો ઉપયોગ કરીને લોન લેવા માટે ડમી ગ્રાહકને બેંકમાં મોકલતા હતા. પોલીસને શંકા છે કે તેઓએ લગભગ 400 નકલી ગ્રાહકોને આ રીતે લોન વહેંચી હતી. છેતરપિંડીની રકમ 8 કરોડથી 9 કરોડ રૂપિયા સુધીની હોઈ શકે છે.