વડોદરા : વડોદરા શહેરમાં દિનપ્રતિનદીન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે.રવિવારે કોરોના પોઝિટિવના નવા 69 દર્દીઓ નોંધાયા હતા.શહેરની હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.પાલિકા દ્વારા જારી કરાયેલ કોવિડ બુલેટિનમાં અત્યાર સુધીમાં સત્તાવાર 623 વ્યક્તિઓના કોરોનાના કારણે મોત નિપજ્યા હતા. વડોદરા શહેરમાં વિતેલા 24 કલાકમાં 5,524 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાંથી 69 પોઝિટિવ અને 5,455 નેગેટિવ આવ્યા હતા.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 295 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.જેમાં 286 દર્દીઓની હાલત સ્થિર છે.જ્યારે 9 દર્દીની હાલત ગંભીર છે.જેમાં ઓક્સિજન ઉપર 7 અને 2 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.
આ ઉપરાંત કોરોનાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 422 વ્યક્તિઓ હાલ હોમ ક્વોરન્ટાઈન હેઠળ છે.શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 10 વ્યક્તિને રજા આપવામાં આવી હતી.આ સાથે કુલ ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 71,952 ઉપર પહોંચી હતી.રવિવારે 10 દર્દીને રજા આપવામાં આવી હતી.વીતેલા 24 કલાકમાં કરાયેલ સેમ્પલીંગની કામગીરીમાં શહેરના ઉત્તર ઝોનમાં 18 દર્દીઓ,દક્ષિણ ઝોનમાં 5 દર્દીઓ ,પૂર્વ ઝોનમાંથી 12 દર્દીઓ અને પશ્ચિમ ઝોન માંથી 29 વ્યક્તિઓ કોરોનાં સંક્રમિત થયા છે.જ્યારે વડોદરા રૂરલ માંથી 5 દર્દી મળી કુલ 69 કોરોનાં પોઝિટિવ દર્દી નોંધાયા હતા.જ્યારે અત્યાર સુધીમાં કોરોનાં પોઝિટિવના કુલ કેસોનો આંક 72,870 ઉપર સ્થિર રહેવા પામ્યો છે.
કોરોના અને ઓમિક્રોનના વધતા કેસો સામે પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ
કોવિડ 19 ની ત્રીજી લહેરની અસર વર્તાઈ રહી હોવાનું મનાઈ રહ્યું છે.ત્યારે આગામી પરિસ્થિતિ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર હરકતમાં આવ્યું છે.અગમચેતીના ભાગરૂપે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે.સયાજી હોસ્પિટલમાં 20 હજાર લીટરની બે ઓક્સિજન ટેન્ક અને 3450 લીટરના ઓક્સિજનના PSA પ્લાન્ટ તૈયાર છે.તેમજ 750 થી વધુ દર્દીઓની સારવાર માટેની પણ તૈયારી કરાઈ છે.જ્યારે જરૂર પડ્યે મેનપાવર પણ વધારાશે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન કે અન્ય મેડિકલ ઇમરજન્સીની જરૂર નહિ પડે : ડો.શીતલ મિસ્ત્રી
મીડિયા સાથેની વાતચીતમાં ડો. શીતલ મિસ્ત્રીએ ઓમીક્રોન વેરિયન્ટ અને તેની અસરો પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે અત્યારે વિશ્વમાં લાખો લોકો ઓમીક્રોન વેરિયન્ટથી સંક્રમિત થઈ રહ્યા છે. આ એક હળવા પ્રકારનો વાઇરસ છે .જેથી વધતા કેસોને કારણે હોસ્પિટલ, ઓક્સિજન કે અન્ય મેડિકલ ઇમરજન્સીની જરૂર નહિ પડે. અમેરિકામાં દોઢ લાખ અને ફ્રાન્સમાં બે લાખથી વધુ કેસો મળી આવ્યા છે. ભારતમાં પણ લાખોની સંખ્યામાં કેસો પહોંચવાની સંભાવના છે. દરેકના જીનોમ સિક્વન્સ ટેસ્ટિંગ કરાવવું શક્ય નથી. જ્યારે કોરાના અને ઈનફ્લુએન્ઝા બન્ને વાઇરસ સાથે ભેગા થાય તો નવી સ્ટ્રેન થાય. જે લોકોની ઇમ્યુનિટી ઓછી હોય તેવા લોકોને ઓમીક્રોન અને કોરોના બન્ને સ્ટ્રેનનું સંક્રમણ લાગે ત્યારે ડેલમી ક્રોનના નામે ઓળખાય છે. ડેલ્ટા કેસોમાં 100 ટકા દર્દીઓને સારવાર માટે દવાખાનામાં દાખલ કરાતા હતા. જ્યારે ઓમીક્રોન સંક્રમિત દર્દીઓ માટે હોસ્પિટલમાં દાખલ થવાનો રેશિયો માત્ર 30 ટકા છે. ઓમીક્રોન વાઇરસ ઓછો ઘાતક છે. આનાથી બચવા માટે રસી ના બન્ને ડોઝ ફરજીયાત લેવા જરૂરી છે.