Gujarat

ઉપલેટામાં ભાઈએ સગી બહેન અને બનેવીને જાહેરમાં છરીના ઘા મારી રહેંસી નાખ્યા

ઉપલેટા: રાજકોટના (Rajkot) ઉપલેટામાં (Upleta) ડબલ મર્ડર (Double Murder ) કેસની ઘટના સામે આવી છે. જ્યાં એક સગા ભાઈએ તેની બહેન અને બનેવીને જાહેરમાં છરીના ઘા મારી રહેંસી નાખ્યા હતા. 6 મહિના પહેલા બહેનના પ્રેમ લગ્ન થયા હતા અને તેનો ખાર રાખી જાહેરમાં બહેન અને બનેવીને પતાવી દીધા હતા.

ઉપલેટામાં પ્રેમ પ્રકરણમાં ભાઈએ જ પોતાની બહેન અને જીજાને જાહેરમાં છરીના ઘા મારી પતાવી દીધા હતા, પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે 10:30 વાગ્યેની આસપાસ સુનીલ નામના યુવકે તેની બહેન હિના અને બનેવી અનિલને છરીના ઘા મારી સરાજાહેર પતાવી દીધા હતા. પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અનિલ અને હિનાનો મૃતદેહ કબ્જે મેળવી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આરોપી સુનિલની શોધખોળ હાથ ધરી છે.

હિના અને અનિલના પ્રેમલગ્ન 6 મહિના પહેલા થયા હતા. આ અગાઉ પણ તેઓ પ્રેમ લગ્ન કરવા માટે ભાગી ગયા હતા પણ ત્યારે હિનાની ઉંમર નાની પડી હતી,જે બાદ હિનાના પરિવારે અનિલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી તો બીજી તરફ હિના પોલીસ સ્ટેશનમાં જ ઝેરી દવા ગટગટાવી ગઈ હતી. ત્યાર બાદ હિનાની ઉંમર લગ્નની થઈ હોવાથી 6 મહિના પહેલા તે અનિલ સાથે તે ભાગી ગઈ હતી.

હિનાના ભાઈ આ પ્રેમલગ્નની દાઝ રાખી તેનો શોધતો હતો. આ દરમિયાને તેને માહિતી મળી હતી કે તેની બહેન ઉપલેટામાં છે ત્યારે આજે સવારે 10:30-11 વાગ્યે કુંભારવાડા નાકા પાસે તેની બહેન અને બનેવી મળી જતા રસ્તામાં જ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. હિનાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અનિલની હાલત ગંભીર હોવાથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પણ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.

સુનિલ તેની બહેન હિના અને બનેવી અનિલની હત્યા કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે સુનિલની શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુનિલ તેના માતા પિતાનો એકનો એક પુત્ર હતો.

Most Popular

To Top