આણંદ : ઉમરેઠના સુંદલપુરા ગામે ભાડે રહેવા આવેલા શખસે પોતાની ભત્રીજીના લગ્ન કરાવવાના છે તેમ કહી પડોશમાં રહેતા યુવકના પરિવારને ભોળવ્યું હતું. આ ભોળપણનો લાભ લઇ લગ્ન કરાવ્યાં હતાં અને બીજા દિવસે જ પતિ ભરઉંઘમાં હતો તે દરમિયાન લુંટેલી દુલ્હન અને તેના સાગરીતો રૂ.2.39 લાખની મત્તા લઇને ફરાર થઇ ગયાં હતાં.
સુંદલપુરા ગામે રહેતા કૈલાસબહેન ડાહ્યાભાઈ ઝાલાનો નાનો પુત્ર અજય જે વડોદરા મકરપુરા જીઆઈડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તેની બહેનના ઘરે રહેતો હતો. સુંદલપુરા રામપુરા સીમ વિસ્તારમાં રહેતા મંગાભાઈ ઝાલાનું મકાન કૈલાસબહેન ઝાલાના ઘર નજીક જ આવેલું છે.
જે મકાનમાં છેલ્લા ત્રણેક મહિનાથી રાજુ ભઇલાલ રાઠોડ ભાડે રહેવા આવ્યો હતો. આ રાજુ સાથે તેની પત્ની મંજુલાબહેન, દિકરો અતુલ, પુત્રવધુ સંગીતા અને ત્રણ બાળકો સાથે રહેતાં હતાં. આપરિવાર મજુરી કામ કરતાં હતાં. દરમિયાનમાં કૈલાસબહેનના પરિવારને થોડીઘણી વાતચીત બાદ રાજુ રાઠોડના પરિવાર સાથે પરિચય થયો હતો. જેમાં અજય અપરણિત હોવાથી તેના લગ્ન કરવાના હોવાથી યોગ્ય પાત્ર શોધવા જણાવ્યું હતું. થોડા સમય બાદ રાજુના ઘરે તેની ભત્રીજી મનીષા ઉર્ફે પ્રિયા રહેવા આવી હતી. આ સમયે રાજુએ અજય અને મનીષાના લગ્નની વાત કરી હતી.
આ માંગુ આવતાં કૈલાસબહેનના પરિવારજનોએ હા પાડી અને અજયને વડોદરાથી સુંદલપુરા બોલાવી લીધો હતો. બન્ને પાત્રોએ એક બીજાને જોઈને હા પાડતાં રાજુએ જણાવ્યું હતું કે, મનીષાને માતા – પિતા નથી. જેથી તેના લગ્ન સુંદલપુરા ગામે જ કરીશું અને મારી પાસે કોઇ રૂપિયા નથી. જેથી તમે રૂ.80 હજાર રોકડા અને પાંચ રકમો આપો તો હું મનીષાના લગ્ન અજય સાથે કરાવી આપું. કૈલાસબહેનનો પરિવાર રાજુની વાતચીતમાં આવી ગયો હતો અને 80 હજાર રોકડા આપ્યાં હતાં. બાદમાં 15મી જૂનના રોજ રાજુભાઈ રબારીના ઘરે લગ્ન રાખ્યાં હતાં. જેમાં રાજુ રાઠોડનો પરિવાર કાર લઇને ખાસ આવ્યો હતો. 16મી જૂનના રોજ લગ્ન વિધી પુરી થતાં અજય અને મનીષાબહેન ઘરે આવ્યાં હતાં.
જોકે, બીજા દિવસે રાજુભાઈ આવ્યા હતા અને મનીષાને તેડી ગયા હતા. સાથેસાથે અજયને સાંજે ઘરે જમવા માટે બોલાવ્યો હતો. જેથી અજય રાત્રિના ગયો હતો અને ત્યાં જ જમી પરિવારી સુઇ ધાબા પર સુઇ ગયો હતો. દરમિયાનમાં રાત્રે 2 વાગે તે ઉઠ્યો ત્યારે મનીષા સહિત ઘરમો કોઇ જ હતું નથી. ઘરનો સામાન પણ જોવા મળ્યો નહીં. મનીષા તેનો અજયનો મોબાઇલ પણ લઇને છુ થઇ ગઈ હતી. આથી, અજય તાત્કાલિક ઘરે પહોંચ્યો અને સઘળી વાત કરતાં સૌ ચોંકી ગયાં હતાં. તપાસ દરમિયાન રાજુ રાઠોડ કે તેના પરિવારજનોનો કોઇ પત્તો લાગ્યો નહતો. આથી, છેતરાયાંનું જણાતા ઉમરેઠ પોલીસ મથકે રાજુ રાઠોડ, મંજુલાબહેન રાટોડ, અતુલ રાઠોડ, સંગીતા રાઠોડ, મનીષા ઉર્ફે પ્રિયા (મુળ રહે. ફિણાવ, તા.ખંભાત) સામે રૂ.2,39,120ની છેતરપિંડીની ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કૈલાસબહેને જમીન વેચી દાગીના–કપડાં ખરીદી આપ્યાં
રાજુએ પોતાની આર્થીક સ્થિતિ સારી ન હોવાનું જણાવી લગ્ન માટે પૈસા માંગ્યાં હતાં. તે આપ્યા બાદ 15મી જૂન, 2021ના રોજ લગ્નની તારીખ નક્કી કરી હતી. જેથી પાંચ રકમો બનાવવાની હોય કૈલાસબહેને પોતાની જમીન રાજુભાઈ ચરણભાઈ રબારી (રહે. સુંદલપુરા)ને રૂ.11.75 લાખમાં વેચાણ આપી હતી. તે રૂપિયામાંથી જ્વેલર્સને ત્યાંથી દાગીના, કપડાં, શણગારનો સામાન સહિતનો ખર્ચ કર્યો હતો.