ઉમરગામ: ઉમરગામ (Umargam) તાલુકાના ફણસા ગામમાં પિતાએ (Father) દારૂ (Drink) પીવા રૂપિયા નહીં આપતાં નરાધમ દીકરાએ (Son) પિતાના પેટના ભાગે છરીના (Knife) ઘા ઝીંકી દીધા હતા. પિતાને ગંભીર ઈજા પહોંચાડતા વલસાડ (Valsad) સિવિલ હોસ્પિટલમાં (Hospital) દાખલ કરાયા છે. ઉમરગામના ફણસા ગામે મેડી ફળિયામાં સોરઠીની રૂમમાં નવીનભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી (ઉંમર વર્ષ ૬૫ મૂળ રહે. સંજાણ, અનમોલ નગર ફણસપાડા) તેમની પત્ની રીટાબેન અને દીકરો ભૂપેન્દ્ર ઉર્ફે મુન્ના સાથે રહે છે. ભૂપેન્દ્ર ઉર્ફે મુન્નો કોઈ કામ ધંધો કરતો નથી, તેને દારૂની લત છે. જે દારૂ પીને અવાર નવાર માતા પિતા દારૂ પીવા પૈસા માંગી ઝઘડો કરતો હતો.
બુધવારે સાંજે પણ તેને પૈસા માંગ્યા હતા, નવીનભાઈએ પૈસા આપવાની ના પાડતા ભૂપેન્દ્ર ઉશ્કેરાઈ ગયો હતો. તે પિતાને પેટમાં ચપ્પુ મારી નાસી ગયો હતો. પોતાની રૂમમાં લોહી લુહાણ હાલતમાં પડેલા ગંભીર રીતે ઘાયલ નવીનભાઈને શરૂઆતમાં ભીલાડ સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કર્યું હતું. આ બનાવ અંગે ખુદ માતાએ પુત્ર સામે નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીઆઈ બી.ડી. જીતીયાએ હાથ ધરી છે. મોડી સાંજે પોલીસે આરોપી ભુપેન્દ્રને પકડી લીધો હોવાનું જાણવા મળ્યું છે.
સેલવાસના ટોકરખાડામાં ટેમ્પાના ચાલકે ત્રણ રાહદારીને અડફેટે લેતાં એકનું મોત
સુરત: સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસના ટોકરખાડાના મુખ્ય રસ્તા પર બુધવારના રાત્રે 12-30 કલાકની આસપાસ મૂળ ઉત્તરાખંડ રિષિકેશના ત્રણ વ્યક્તિઓ મસાટ જવા માટે રિક્ષા મેળવવા ટોકરખાડાથી ચાલતા જઈ રહ્યા હતા. એ દરમ્યાન સેલવાસથી ઘર સામાન ભરીને આવી રહેલો પીકઅપ ટેમ્પો નંબર MH-19-CY-6312ના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રસ્તાની બાજુએથી ચાલતા જઈ રહેલા ત્રણેય રાહદારીઓને અડફેટે લીધા હતા. જે બાદ ટેમ્પો નજીકના ગેરેજ પાસે પાર્ક અવસ્થામાં ઉભેલી એક ડટસન કાર નંબર MH-05-BJ-3926માં ધડાકાભેર અથડાઈ પલ્ટી મારી ગયો હતો.
આ ઘટનામાં ઉત્તરાખંડના ત્રણેય રાહદારીઓ પૈકી 17 વર્ષિય દિપક શિવદાસ રાજભરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 2 વ્યક્તિ મનોજ છોટેલાલ રાજગોર ( ઉં.20) તથા રાજુ સુર્યભાન રાજભર ( ઉ.-19)ને નાની મોટી ઈજાઓ સાથે તુંરત સેલવાસના વિનોબાભાવે સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ સેલવાસ પોલીસને થતાં પોલીસની એક ટીમ જગ્યા સ્થળ પર આવી હતી. પરંતુ પોલીસ આવે એ પહેલા જ ટેમ્પાનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. જ્યારે ટેમ્પાનો માલિક હર્ષલ પાટીલ (રહે. જલગાંવ, મહારાષ્ટ્ર) જે ટેમ્પામાં હતો એની પોલીસે અટક કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ટેમ્પાનો માલિક ડ્રાઈવર સાથે સેલવાસથી ઘર સામાન ભરીને મહારાષ્ટ્રના જલગાંવ તરફ જઈ રહ્યા હતા. ત્યારે આ ઘટના સર્જાવા પામી હતી. હાલ તો, આ મામલે પોલીસે મનોજ રાજગોરની ફરિયાદના આધારે પોલીસ ચોપડે ગુનો દાખલ કરી ભાગી છૂટેલા ડ્રાઈવરને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.