World

90 કલાકથી કાટમાળમાં ફસાયેલી તુર્કીની 6 વર્ષની બાળકીને ભારતની NDRFની ટીમે બચાવી

નવી દિલ્હી: તુર્કી (Turkey) અને સીરિયામાં (Syria) તબાહી મચાવનાર ભૂકંપે (Earthquake) સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં 15 હજારથી વધુ લોકોના મોત થયા છે. કાટમાળમાં હજુ પણ મોટી સંખ્યામાં લોકો ફસાયેલા છે. ભારત (India), ચીન અને અમેરિકા સહિત ઘણા દેશોએ તુર્કી અને સીરિયાને મદદ મોકલી છે. જેમાં બચાવ ટુકડીઓ તેમજ તબીબી વ્યવસ્થા અને રાહત સામગ્રીનો સમાવેશ થાય છે. ભારતીય રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. જેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

90 કલાક બાદ 6 વર્ષની બાળકી કાટમાળમાંથી જીવતી મળી
ઓપરેશન મદદ હેઠળ તુર્કી મોકલવામાં આવેલાં NDRF અને ઈન્ડિન આર્મીની ટીમ કાટમળા નીચે દબાયેલાં લોકોનો જીવ બચાવી નવું જીવન આપી રહ્યા છે. ત્યારે NDRF આઠમી બટાલિયન ગાઝિયાબાદની ટીમે ભૂકંપના 90 કલાક બાદ 6 વર્ષની બાળકીનું રેસ્ક્યું કર્યું હતું. બીજી તરફ પરિવારના ત્રણ સભ્યો ગૂમાવી ચૂકેલી 13 વર્ષની બાળકી 72 કલાક બાદ કાટમાળ નીચેથી જીવતી બહાર કાઢવામાં આવી છે, હાલ તે બાળકી ઈન્ડિયન આર્મીની 60 પેરા ફીલ્ડ હોસ્પિટલ આગ્રામાં દેખરેખ હેઠળ છે.

NDRFના પ્રવક્તા નરેશ ચોહાણે જણાવ્યું કે આઠમી બટાલિયનની ટીમ તુર્કીના ગાજિયાન્ટેપ પ્રોવિન્સના નૂરદાગ શહેરમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. તેમણે જણાવ્યું કે NDRFની ટીમે ગુરુવારે રાતે 6 વર્ષની બાળકી અને 6 મૃતદેહ બહરા કાઢ્યા છે. એલ્વાનમાં બેરેન નામની આ બાળકી 90 કલાક બાદ કાટમાળમાંથી જીવતી મળી આવી છે, તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપવામાં આવી છે.

બાળકીને બચાવી લેવાનો વીડિયો શેર કરતા ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વીટ કર્યું આ કુદરતી આફતમાં તુર્કીની સાથે ભારતની NDRF ગ્રાઉન્ડ સ્તરે બચાવ અને રાહત કામગીરી કરી રહી છે. આ સાથે ગૃહપ્રધાન અમિત શાહે પણ ટ્વીટ કર્યું હતું તેમણે કહ્યું કે અમારા NDRF પર ગર્વ છે. તુર્કી ઓપરેશનમાં ટીમ IND-11એ ગજિયાંટેપ શહેરમાં 6 વર્ષની બાળકી બેરેનનો જીવ બચાવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, અમે NDRFને વિશ્વની અગ્રણી ડિઝાસ્ટર રિસ્પોન્સ ફેર્સ બનાવવા માટે કટિબદ્ધ છીએ.

NDRFની ત્રીજી ટીમ તુર્કી પહોંચી
NDRFની બે ટીમો તુર્કીના ગાજિયાંટેપમાં તૈનાત કરવામાં આવી છે, આ સિવાય ત્રીજી ટીમ પણ તુર્કી પહોંચી છે.
કુલ મળીને 151 NDRF જવાનો તુર્કીમાં રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. આ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને NDRF તેના જવાનોને સતત ખાસ તૈયારી અને તાલીમ આપી રહ્યું છે. તુર્કીમાં NDRFની ટીમ જે જગ્યાએ હાજર છે ત્યાં એક ઈમારત ધરાશાયી થઈ ગઈ છે. તેમાંથી ત્રણ મૃતદેહ કાઢવામાં આવ્યા છે. NDRFની બચાવ કામગીરીને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં CSSR, MFR અને CBRNનો સમાવેશ થાય છે.

તુર્કીમાં કાટમાળ સૌથી મોટી સમસ્યા સાબિત થઈ રહી છે. આખી ઈમારત એક જ જગ્યાએ ધરાશાયી થઈ ગઈ છે. NDRFના આ બચાવ અને રાહત કાર્યમાં સૌથી મહત્વની વાત એ છે કે સ્થાનિક વહીવટીતંત્ર પર દબાણ કર્યા વિના, NDRF પોતે ત્યાં હાજર છે અને પોતાના સંસાધનો દ્વારા બચાવ કાર્ય કરી રહ્યું છે. NDRFની ટીમ તેનું વાહન, તેની દવાઓ અને તેના ટેન્ટ યુનિટને પોતાની સાથે લઈ ગઈ છે. NDRF કમાન્ડન્ટ પ્રવીણ કુમાર તિવારીના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કવાયત આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુસરીને કરવામાં આવી રહી છે.

Most Popular

To Top