Columns

આજના આરોગ્ય ક્ષેત્રમાં દર્દીની હાલત પ્રયોગશાળાના ઉંદર જેવી છે

આધુનિક સમાજના સૌથી કમનસીબ વર્ગને ખૂબ જ સુસંગત નામ ‘દર્દી’ આપવામાં આવ્યું છે. સદીઓથી આ વિભાગ ખૂબ જ ધીરજપૂર્વક એવી યાતનાઓ સહન કરી રહ્યો છે, જેવી યાતના ઇતિહાસના કોઈ પણ અન્ય ગુલામ વર્ગની કમર તોડી નાખી શકે છે. ગાંધીજીનો મત હતો કે ગ્રાહક રાજા હોવો જોઈએ. કોઈ આશ્ચર્ય નથી કે એ મહાન નેતાની વાત આજના યુગમાં કોઈ માનતું નથી. જો આરોગ્ય ક્ષેત્રે ગ્રાહક રાજા હોય, તો આજના જેવા વિશાળ કોર્પોરેટ સામ્રાજ્યો ક્યારેય ન બની શકે. જો કોઈ દર્દી આ ક્ષેત્રમાં પોતાની સારવાર કરાવવા માંગતો હોય તો તેણે ધીરજપૂર્વક રોગ, દવાના વેચાણ અને તેના ઉપરના નફાની વૃદ્ધિ થવા દેવી પડે. સરળ ભાષામાં કહીએ તો તેણે પોતાનું શોષણ થવા દેવું પડે.

આ ક્ષેત્રનું સત્ય ત્યારે બહાર આવ્યું જ્યારે અમુક પ્રામાણિક ડોકટરોની ટીમે ભેગા થઈને જેનેરીક દવાઓના વેચાણ માટેની ઝુંબેશ શરૂ કરી. આ જૂથે ‘આરોગ્ય અધિકાર’ ચળવળની શરૂઆત કરી અને તેના ઉપર રાજસ્થાન સરકારે મહોર પણ મારી દીધી હતી પરંતુ તે ચળવળમાં પણ આરોગ્ય ક્ષેત્રના બિગ બોસોને કારણે અમુક ક્ષતિઓ રહી ગઈ. જે કંઈ પણ દર્દીને સશક્ત બનાવે છે તે આ ક્ષેત્ર માટે ખરાબ સમાચાર છે; કેમકે તેઓ હંમેશા ‘આજ્ઞાંકિત દર્દી’ માટે ટેવાયેલા છે.

આ પ્રામાણિક અને બહાદુર ડોકટરોએ વર્ણવ્યું છે કે કેવી રીતે તેઓને વ્યવસાયના દુશ્મન તરીકે ઓળખવામાં આવે છે. આ એ જ ડોકટરો છે કે જે આરોગ્ય ક્ષેત્રને ખરા અર્થમાં દર્દીઓને સાજા કરવાના વ્યવસાય તરીકે ઓળખે છે અને તેથી જ અમુક મોટાં માથાંઓના પેટમાં એનાથી ચૂંક ઉપડે છે. રાજસ્થાનના આરોગ્ય અધિકાર બિલ ઉપર સૌથી પહેલાં ઇંડિયન મેડિકલ અસોસીએશન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેણે ફાર્મા કંપનીઓના જબરદસ્ત સમર્થન સાથે આરોગ્ય અધિકાર બિલની ઘણી કલમો કઢાવી નાખી હતી.

તે ઉપરાંત ખાનગી ડૉક્ટરો અને આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનો પણ કરવામાં આવ્યાં હતાં, જેને કારણે સરકારે બિલ બાબતે પીછેહઠ કરવાની ફરજ પડી હતી. વિરોધ પ્રદર્શનના મૂળમાં બે બાબતો હતી. એક એ કે ખાનગી ક્ષેત્રના દવાખાના અને હોસ્પિટલ ઇમર્જન્સી સારવારની ફી તે જ સમયે નહીં માંગી શકે પણ પાછળથી વસૂલ કરી શકશે. બીજો મુદ્દો હતો ‘અધિકાર’શબ્દના ઉપયોગ ઉપર. અરે, ગુલામોને અધિકારો ક્યારથી મળ્યા? આખરે સરકારને નમવું પડ્યું અને બિલને વધુ નબળું કરવું પડ્યું. આરોગ્ય વ્યવસાયે તેને એક વિશાળ વિજય તરીકે લીધો અને દરેક પ્લેટફોર્મ પર ઉજવણી કરી.

આ જ પ્રકારે કેરળ રાજ્યમાં એક જાહેર આરોગ્યનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. આખું બિલ જો કે આરોગ્ય ક્ષેત્રના માંધાતાઓના ફાયદા માટે જ ઊભું કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં એક નાનકડી જોગવાઈ કરવામાં આવી હતી. તે મુજબ સર્વગ્રાહી આરોગ્ય પ્રણાલી ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. ઇંડિયન મેડિકલ અસોસીએશન દ્વારા તેની પણ જાહેરમાં નિંદા કરવામાં આવી હતી અને તેને ઊંટવૈદ્ય તરીકે ઓળખાવ્યું હતું. રાજ્યો દ્વારા બિન એલોપેથિક દવાઓને તળિયાં સુધી નીચી પાડવામાં આવે છે તેનું એક અન્ય એક ઉદાહરણ લઈએ તો કેરળ રાજ્ય દ્વારા હોમિયોપેથિક દવાઓ ઉપર અભ્યાસ જાહેર કરવામાં આવ્યો હતો, જેનું શીર્ષક હતું “હોમિયોપેથીક ગોળીઓથી મૃત્યુ’.

જે વ્યક્તિએ આ સંશોધન કર્યું હતું તેને હોમિયોપેથીની એક કિલોગ્રામ દવામાંથી લગભગ ૧૮ મિલિગ્રામ એવો પદાર્થ મળી આવ્યો હતો કે જેનું સેવન એક જ સાથે એક જ સમયે કરવામાં આવે તો નુકસાન કરી શકે. અહીં મજાની વાત એ છે કે હોમિયોપેથીની એક કિલોગ્રામ દવાનું સેવન એક સાથે થઈ જ ન શકે, પરંતુ આ દવા દર્દીને લગભગ એક વર્ષ સુધી કામ આપે. વળી આ દવાનું સેવન તો ફક્ત દૈનિક ૪ ગોળી જ હતું અને તે પણ ફક્ત ત્રણ જ દિવસ માટે. તેમ છતાં આ સંશોધનનાં પરિણામો સમગ્ર દેશના મીડિયામાં પ્રસિધ્ધ થયા અને છાપાંઓની હેડલાઇન્સ બન્યા.

કોવિડ સમયમાં થયેલી અંધાધૂંધી ભૂતકાળની તમામ મર્યાદાઓ વટાવી ગઈ હતી. લોકો કોઈ વાંકગુના વગર મૃત્યુ પામ્યાં હતાં. ડોક્ટરો દ્વારા લોકોને બેશરમીથી લૂંટવામાં આવ્યા હતા. આ લૂંટ એ હદ સુધીની વધારે હતી કે વીમા કંપનીઓએ પણ આ લૂંટ તરફ ધ્યાન દોરવાની કોશિશ કરી અને વિરોધ નોંધાવ્યો. કોરોનામાં થયેલી લૂંટને કારણે આખેઆખાં પરિવારો બરબાદ થઈ ગયાં. પરિવારમાંથી હોસ્પિટલમાં દાખલ થયેલ વ્યક્તિનું તો મૃત્યુ થયું જ, પણ સાથે સાથે મસમોટું બિલ પણ તેમના હાથમાં પકડાવી દેવામાં આવ્યું.

દાખલ થયેલ દર્દી ઉપર નવી અને ઝેરી દવાઓના અખતરાઓ કરવામાં આવ્યા હતા અને જો આ પ્રયોગ દરમ્યાન દર્દીનું મોત થઈ ગયું તો તેને કોરોના મૃત્યુનું નામ આપી દેવામાં આવ્યું હતું. દર્દીના નસીબે જો તેનો જીવ બચી ગયો તો તેનું શ્રેય પણ તે જ ડોક્ટરોએ લઈ લીધું હતું. કેટલાક ડોક્ટરો કરોડપતિ બની ગયા. પ્રાયોગિક દવાઓ અને રસીઓના ભોગ બનેલા દર્દીની મદદ માટે કોઈ આવ્યું નહીં. ઝેરી લાકડી જેવી દવાઓને કારણે થયેલા મૃત્યુના કિસ્સાઓ વૈશ્વિક સ્તર ઉપર વખોડવામાં આવે છે પરંતુ કોઈને તેનાથી ફેર પડતો નથી.

હાલમાં એવા સમાચાર છે કે AI રોગ થવાનાં પાંચ વર્ષ પહેલાં તેની આગાહી કરી શકે છે. શું તે આગાહી કરી શકે છે કે લોકો ક્યારે સ્વસ્થ થશે? તેવી આગાહી કરી શકાય કે દર્દીનું શોષણ ક્યારે બંધ થશે? શું તે આગાહી કરી શકે છે કે શું આરોગ્ય ક્ષેત્ર ‘આરોગ્ય’તરફ દોરી શકે છે? દર્દીની દુર્દશા વિષે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. રસ્તા પરના ભિખારીથી માંડીને દેશોના વડાઓ સુધી બધાએ આ અન્યાય અને શોષણનો અનુભવ કર્યો છે પરંતુ આ સમસ્યાનો એક વાર અને કાયમ માટે ઉકેલ લાવવા માટે કોઈ ગંભીર પ્રયાસો થતા નથી. બધા તેના મંત્ર હેઠળ હિપ્નોટાઇઝ્ડ હોય તેવું લાગે છે. આપણે નવા ધર્મગુરુઓ સહિતોનો એક નવો ધર્મ સ્થાપ્યો હોય તેવી આજે સ્થિતિ છે.

વિશ્વ શા માટે શક્તિહીન છે? એલોપથીએ પોતે જ પોતાના નિયમ ઘડ્યા છે અને વળી પછી વિશ્વના દરેક દેશોની સરકારો પાસે તેને બહાલી પણ અપાવવામાં આવી છે. એલોપથીએ આરોગ્ય ઉપર પોતાની મોનોપોલી જમાવી છે, રોગોને રોજિંદા બનાવી દીધા છે અને પોતાની જાતને એકમાત્ર તારણહાર તરીકે સ્થાપિત કરી દીધો છે. તેણે વિશાળ માર્કેટિંગ નેટવર્ક ઊભું કર્યું છે અને પરિણામે આવકનો પ્રવાહ તેના ભાગીદારોની વિશાળ શ્રેણી સુધી પહોંચે છે. તે મીડિયા ઉપર પકડ ધરાવે છે અને તેથી જ મીડિયા તેની દરેક નિષ્ફળતાને પણ એક સફળતા તરીકે જાહેર કરે છે. તેની તિજોરીમાં વહેતા નાણાંએ તેની શક્તિમાં અનેકગણો વધારો કર્યો છે. આ પદ્ધતિને હજુ વધુ મજબૂત બનાવે છે મેડિકલ ફિલ્ડમાં એવી સંસ્થાઓનો પ્રવેશ કે જેમને ઝડપી આવક અને ઉચ્ચ વૃદ્ધિ જોઈએ છે.

એક પ્રચાર એવો પણ થઈ રહ્યો છે કે જો મેડિકલ બિલ ભરવાની નાણાંકીય સગવડ ન હોય તો આરોગ્યનો વીમો ઉતરાવી લેવો જોઈએ. આ પણ એક ષડયંત્ર છે. વીમા વડે આરોગ્ય પાછળનો ખર્ચો ઘટાડી શકાય એ વાત ત્યારે જ જૂઠી સાબિત થઈ જાય છે જ્યારે આપણે કોઈ પરિવારને વાર્ષિક લાખો રૂપિયાથી પણ વધુ પ્રીમિયમ ભરતાં જોઈએ છીએ. તે ઉપરાંત સત્ય હકીકત તો એ છે કે મેડિકલનાં બિલ જ વીમાના મૂલ્યના હિસાબે બનાવવામાં આવે છે. મેડિકલ વીમાએ આપણને મેડિકલના ખર્ચ સામે રક્ષણ નથી આપ્યું પણ એલોપથીની લૂંટ વધારવામાં સાથ આપ્યો છે.

Most Popular

To Top