કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુક્રેનનાં નાગરીકોને જોડાવવા માટે અપીલ કરી હતી. આ યુદ્ધમાં રશિયા સામે સામાન્ય નાગિરકોએ બંદુક ઉઠાવી હતી.અને હવે રશિયા સામેની જંગમાં નારી શક્તિ લડત માટે મેદાનમાં ઉતરી છે. યુક્રેનની મહિલા સાંસદ અને ભૂતપૂર્વ મિસ યુક્રેન રશિયા સામેની લડાઈમાં જોડાઈ છે.
યુક્રેન અને રશિયા વચ્ચે 6 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધના પગલે યુએનજીએની કટોકટીની બેઠકમાં યુક્રેનના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે યુક્રેનમાં અત્યાર સુધીમાં 16 બાળકો સહિત 352 લોકો માર્યા ગયા છે. આ સંખ્યા સતત વધી રહી છે, ગોળીબાર ચાલુ છે. “રશિયન સૈનિકો પરિણામ ભોગવી રહ્યા છે, જે પહેલાથી જ હજારો માનવશક્તિ ગુમાવી ચૂક્યા છે.
ભૂતપૂર્વ મિસ યુક્રેન અનાસ્તાસિયા લેના મેદાને જંગમાં ઉતરી
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુદ્ધમાં યુક્રેનને બચાવવા માટે સામાન્ય નાગરિકોને પણ આ જંગમાં ઉતારવા માટે જણાવ્યું હતું. જેના પગલે કિવમાં નાગરીકો બંદુક સાથે રસ્તા પર વતનની રક્ષા માટે ફરી રહ્યા હોવાની ઘટના પણ સામે આવી હતી. આ બાદ હવે યુક્રેનની નારી શક્તિ આ યુદ્ધ જંગનાં મેદાનમાં ઉતરી છે. ભૂતપૂર્વ મિસ યુક્રેન અનાસ્તાસિયા લેના રશિયા સામેની લડાઈમાં જોડાઈ છે. રશિયન આક્રમણકારો સામે તેના દેશની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લીધી છે. અનાસ્તાસિયા લેનાએ એસોલ્ટ રાઈફલ સાથેના પોતાના ફોટા શેર કર્યા છે. લીનાએ તેના 2 લાખ અનુયાયીઓ સાથે શેર કરેલી અન્ય ઘણી પોસ્ટમાં આંતરરાષ્ટ્રીય સમર્થન માટે અપીલ કરી હતી.
2015માં મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ બ્યુટી કોન્ટેસ્ટમાં અનાસ્તાસિયા લેનાએ યુક્રેનનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને હવે તે યુક્રેનિયન સૈન્યમાં જોડાઈ રહી છે. લેના કિવની સ્લેવિસ્ટિક યુનિવર્સિટીમાંથી માર્કેટિંગ અને મેનેજમેન્ટ ક્ષેત્રે ગ્રેજ્યુએટ ડીગ્રી મળેવી છે. તે પાંચ ભાષાઓ બોલે છે અને અનુવાદક તરીકે કામ કર્યું છે. ગયા અઠવાડિયે રશિયન સેનાએ યુક્રેન પર આક્રમણ કર્યા બાદ તેણે શસ્ત્રો ઉપાડ્યા હતા.
મહિલા સાંસદે પણ હથિયાર ઉપાડ્યા
આ યુદ્ધમાં અન્ય એક મહિલા સાંસદ પણ જોડાયા છે. યુક્રેનના અન્ય ઘણા નાગરિકો અને રાજકારણીઓએ પણ રશિયા સાથે યુદ્ધ કરવા માટે હથિયાર ઉપાડ્યા છે. આ દરમિયાન યુક્રેનની મહિલા સાંસદ કિરા રૂડિકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે બંદૂક હાથમાં લઈને જોવા મળી રહી છે. આ તસવીર વાયરલ થયા બાદ સાંસદે ટ્વીટ કર્યું કે તે કલાશ્નિકોવનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણે છે. તે ખૂબ વાસ્તવિક લાગે છે કારણ કે થોડા દિવસો પહેલા તે મારા મગજમાં ક્યારેય આવશે નહીં. યુક્રેનના પુરુષોની જેમ આપણી મહિલાઓ પણ દેશની ધરતીની રક્ષા કરશે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કીએ દેશના નાગરિકોને હથિયાર ઉઠાવવા અને તેમની જમીનની રક્ષા કરવાની અપીલ કરી છે. તેમણે વીડિયો જાહેર કરીને કહ્યું કે તે યુક્રેનમાં છે અને લોકોની સુરક્ષા માટે લડી રહ્યા છે. ત્યારે હવે આ મહિલાઓ પણ યુદ્ધનાં જંગમાં જોડાઈ છે. અને યુક્રેનની રક્ષા કરે છે.