Charchapatra

સ્વાયત્તતાને નામે 370મી કલમને કાયમને માટે, કાશ્મીરમાંથી દેશવટો આપી દેવામાં આવ્યો છે

2019માં બીજી ટર્મ માટે ભાજપ સરકારે દિલ્હીની ગાદી ઉપર આવતાંવેંત એમના એજન્ડા પ્રમાણે ઓગસ્ટ 2019માં કાશ્મીરમાંથી 370મી કલમ કાઢી નાંખી છે. કાશ્મીરના અલગતાવાદી નેતાઓએ ઘણા ધમપછાડા કર્યા પણ 370મી કલમ રદબાતલ થઇ તે થઇ જ. આઝાદી વખતે કાશ્મીરની પ્રજાને વિશેષ દરજ્જો આપતી 370 નંબરની કલમને કારણે અનેક અનર્થો સર્જાયા હતા. 370 મી કલમને, કાશ્મીરની સ્વાયત્તતા તરીકે ઓળખવામાં આવે છે.

આ સ્વાયત્તતાને નામે ભારત સરકારે કાશ્મીરમાં કરોડો રૂપિયા આપ્યા પણ એનાથી ના થઇ કાશ્મીરની પ્રજા સમૃધ્ધ, સમૃધ્ધ થયા ત્યાંના થોડાક નેતાઓ. કાશ્મીરમાં ના થયો કોઇ ઔદ્યોગિક વિકાસ કે ના થયો ઝાઝો કેળવણી ક્ષેત્રે વિકાસ. ત્યાંની પ્રજાના સહકારથી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ, કાશ્મીરમાં ઘુસતા રહ્યા. કેટલાક ગુમરાહ થયેલા કાશ્મીરી યુવાનો પણ આતંકવાદને રવાડે ચઢવા માંડેલા. તેઓ અવારનવાર પોલીસ ઉપર અકારણ પથરાઓ ફેંકતા હતા. આવી સ્વાયત્તતાને નામે કાશ્મીરી પ્રજા એવું સમજવા લાગી કે કાશ્મીરમાં કોઇ હિન્દુ બચ્યો રહેવો ના જોઇએ. એટલે એ પ્રજાએ ત્યાંના પંડિતોને ભગાડવાનું શરૂ કરી દીધેલું.

એમાં અનેક પંડિતો માર્યા પણ ગયેલા. કેટલાંક પંડિત પરિવારો સાફ થઇ ગયાં હતાં. કાશ્મીરની પ્રજાનો ડોળો, હંમેશા પાકિસ્તાન તરફ જ રહેતો આવેલ છે. ખાવાનું ભારતનું અને ધોળ ગાવા પાકિસ્તાનના. આવું તો કાશ્મીરમાં  ઘણું બધું નઠારું બની ગયું હતું. ભારતનાં કરોડો લોકો કહેતાં હતાં કે કાશ્મીરમાંથી 370મી કલમ રદ થવી જ જોઇએ. કાશ્મીર પણ એક અખંડ ભારતનું રાજ છે એટલે એને હવે 370મી કલમને આધારે સ્વાયત્તતા આપવાનું બંધ થવું જોઇએ. આથી ભાજપ સરકારે 370મી કલમને કાઢી નાંખી. છેવટે ભારતની વડી અદાલતે પણ 370મી કલમ કાઢી નાંખી છે. એના ઉપર હાનો સિક્કો થોપી દીધો છે. હવે કાશ્મીરના અલગતાવાદી નેતાઓએ અને પ્રજાએ કોઇ પણ પ્રકારના ધમપછાડા કરવાના ના હોય. ભારતમાં સમરસ થઇને કાશ્મીરના ભલા માટે એ પ્રજાએ લાગી જવું રહ્યું.
સુરત              – બાબુભાઇ નાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top