સુરત (Surat) : ભરૂચ (Bhaurch) જિલ્લાના વાલિયા ખાતે ખેડૂત સમાજ ગુજરાતના (GujaratKhedutSamaj) નેજા હેઠળ ખેડૂત (Farmers) આગેવાનો તથા ખેડૂતોની મિટિંગ મળી હતી. આ મિટિંગમાં ખેડૂતોનાં વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી તથા ખેડૂત સમાજ ગુજરાતની જહાંગીરપુરા (Jahangirpura) ખાતે આવેલી ઓફીસ જમીનદોસ્ત (Demolition) કરી દેવામાં મામલે પણ ચર્ચા કરવામાં આવી હતી.
- વાલિયામાં મળેલી ગુજરાત ખેડૂત સમાજની બેઠકમાં લેવાયો નિર્ણય
- જહાંગીરપુરાની ઓફિસ મામલે ગામે ગામ મીટીંગ યોજાશે
- રાજ્યપાલને પત્ર લખી રજુઆત કરવામાં આવી
દર્શનભાઇ એ.નાયક (સહકારી અને ખેડૂત આગેવાન) એ જણાવ્યું હતું કે, ખેડૂત સમાજ ગુજરાતની ઓફિસ જમીન દોસ્ત કરવાના મામલે ખેડૂત આગેવાનો દ્વારા સમગ્ર ગુજરાતમાં ગામે ગામ મિટિંગો તથા ઓટલા પંચાયતો કરવામાં આવશે તથા ખેડૂતોના રાષ્ટ્રીય નેતાને પણ આ લડતમાં આમંત્રણ આપવામાં આવશે.
વધુમાં ઉમેંર્યું હતું કે, મિટિંગ બાદ ખેડૂત આગેવાનો દ્વારા ખેડૂતોનાં વિવિધ પ્રશ્નો બાબતે રાજ્યપાલને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે. આ પ્રસંગે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ રમેશભાઈ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલભાઈ પટેલ, સહકારી અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક, સહકારી આગેવાન સંદીપભાઇ માંગરોલા, નવસારી જિલ્લા ખેડૂત સમાજનાં પ્રમુખ પિનાક ભાઈ પટેલ, મહેન્દ્રસિંહ કરમરિયા, સહકારી આગેવાન વલ્લભભાઇ પટેલ, હનીફભાઇ સહિતના આગેવાનો તેમજ ભરૂચ તેમજ આજુબાજુના ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
સુરત પાલિકાએ જહાંગીરપુરાની જર્જરિત ઓફિસ તોડી પાડતા ખેડૂતો રોષે ભરાયા
પુરૂષોત્તમ ફામર્સ કોટેન એન્ડ જિનિંગ કોટન મંડળી દ્વારા સને 2017માં ગુજરાત ખેડુત સમાજને કેમ્પસમાં જ 51 વર્ષના ભાડા પટ્ટા માટે ઓફિસ ભાડે આપવામાં આવી હતી. જો કે, ખેડૂત સમાજની ઓફિસવાળી મિલ્કત જર્જરિત બનતાં સુરત મહાનગર પાલિકા દ્વારા આ મિલ્કતને ખાલી કરી દેવા માટે ત્રણ – ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી. બીજી તરફ મંડળીની સાધારણ સભામાં હોદ્દેદારો દ્વારા ઈમારત જોખમી હોવાથી ખેડૂત સમાજને આપવામાં આવેલી મિલ્કતનો ભાડા કરાર રદ્દ કરીને ઓફિસ ખાલી કરાવવા માટેનો ઠરાવ મંજુર કરાવવામાં આવ્યો હતો. ખેડૂત સમાજ ગુજરાતના આગેવાનોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી.
દરમિયાન 29 ઓગસ્ટે જહાંગીરપુરા પોલીસનો કાફલો જહાંગીરપુરા જીન મિલ કંમ્પાઉન્ડ ખાતે પહોંચ્યો હતો. મંડળીના કર્મચારીઓ દ્વારા ખેડૂત સમાજ ગુજરાતની ઓફિસને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવતાં જ ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પાલ, ખેડૂત અગ્રણી દર્શન નાયક, દક્ષિણ ગુજરાત સમાજના પ્રમુખ રમેશ ઓરમા સહિત જયેન્દ્ર દેસાઈ, હેમલ પટેલ, એ એલ પટેલ, હનીફ હાંસોટ, હિરેન પટેલ અને વિરેલ પટેલ સહિતના આગેવાનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જેને પગલે નાછૂટકે આ તમામ આગેવાનોને ટીંગાટોળી કરીને કચેરીને બહાર કાઢવામાં આવ્યા બાદ ખેડૂત સમાજની ઓફિસને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હોબાળો કરતાં તમામ આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ જર્જરિત ઓફીસ તોડી પાડવામાં આવી હતો.