વડોદરા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળને 9 વર્ષ પૂર્ણ થતાં અત્યાર સુધીની સિદ્ધિઓ વાગોળવા માટે ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે કાર્યક્રમ અંતર્ગત મહારાષ્ટ્ર રાજ્યના મંત્રી ચંદ્રકાન્ત પાટીલ વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તેઓએ મોદી સરકાર આવ્યા બાદ શિક્ષણ વ્યવસ્થા અંગે ખુબ મોટો બદલાવ આવ્યો છે તેમ જણાવ્યું હતું.
16 મે 2014ના રોજ લોકસભાની ચૂંટણીમાં ભાજપને દેશભર માંથી સ્પષ્ટ બહુમતી મળી હતી. જે બાદ 2019માં ભાજપે 2014 કરતા પણ વધુ બેઠકો મેળવી હતી.ભાજપે સત્તા મેળવ્યા ને 9 વર્ષ તાજેતરમાં પુરા થયા છે.ત્યારે દેશભરમાં લોકસભા વિસ્તાર અને રાષ્ટ્રીય કક્ષાએ ભાજપ શાસનમાં થયેલા કામો લોકો સુધી પહોંચાડવા માટે વવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
જેના ભાગ રૂપે આજે મહારાષ્ટ્ર સરકારના સિનિયર નેતા અને મંત્રી ચંદ્રકાન્ત પાટીલ આજે વડોદરાની મૂલાકતે આવ્યા હતા. જ્યાં ભાજપના નેતાઓ દ્વારા તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડોદરા આવેલા ચંદ્રકાન્ત પાટીલે મહારાષ્ટ્રીયન સમાજના કુળ દેવતાના ભગવાન ખંડોબાના પૌરાણિક મંદિરે દર્શન કર્યા હતા. 1876માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્થાપેલા ભગવાન ખંડોબાના મંદિરનો ઇતિહાસ જાણીને તેઓ ધન્ય થયા હતા.સાથે સાથે મહારાષ્ટ્રીયન સમાજના વડોદરાના અગ્રણીઓ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેઓએ પત્રકાર પરિષદ યોજી હતી. તેઓ જણાવ્યું હતું કે અગાઉ માત્ર 3 ફેકલ્ટી હતી હવે યુવાનને રોજગારી મળી શકે અને તેનામાં સ્કિલ ડેવલપમેન્ટ થાય તેવા પ્રયાસો શિક્ષણ વ્યવસ્થામાં થઇ રહ્યા છે. ઉપરાંત શિક્ષણમાં પાઠ્ય પુસ્તકોમાં પણ ખુબ બદલાવ આવી રહ્યા છે. ભારત દેશની સંસ્કૃતિ બાળકોને ભણાવવામાં આવી રહી છે જે આવકારદાયક છે.