Charchapatra

છેવટે ગુજરાતી ફિલ્મે કમાલ કરી દેખાડી

ગુજરાતીમાં બનેલી ફિલ્મ ‘લાલો’ એ એટલી બધી કમાણી કરી કે આટલી બધી કમાણી કોઈ ગુજરાતી ફિલ્મે કરી હોય એવું ધ્યાનમાં નથી. જ્યારે એવું જાણવા મળ્યું કે આ ફિલ્મ હિન્દીમાં પણ ‘લાલો’ નામે જ રીલીઝ કરવામાં આવી છે અને હિન્દીમાં પણ સારો પ્રતિસાદ મેળવી રહી છે ત્યારે આપણે માટે એક ગુજરાતી તરીકે ગૌરવની વાત કહેવાય. ગુજરાતી ફિલ્મોને ઢોલીવુડ કહી નીચા પાડનારાઓના ગાલ પર આ એક જોરદાર તમાચો છે. આ ફિલ્મની ખાસિયત એ છે કે તેમાં કલાકારો બહુ ઓછા છે અને તદ્દન નવા છે. ફિલ્મ ઓછા ખર્ચે બની છે. ફિલ્મની ફોટોગ્રાફી સારી છે.

હિન્દી ફિલ્મોમાં આવતી ફાઇટ,હિંસા,આઇટમ સોંગ,રોમાન્સ, ડાન્સ- આ બધું ન હોવા છતાં પ્રેક્ષકોને જોવા મજબૂર કરે છે. હીરો પરણેલો અને એક પુત્રીનો પિતા છે.માહોલ સૌરાષ્ટ્રનો હોવા છતાં જૂનાં ગુજરાતી ફિલ્મો જેવો નથી. ફિલ્મમાં વિલન નથી. પ્રેમની તડપ નથી. ફિલ્મમાં કૃષ્ણનું પાત્ર છે પણ ભકતનું પિક્ચર નથી. છતાં કૃષ્ણના માનવ પાત્રે કમાલ કરી છે. ફિલ્મમાં હીરોનો અભિનય કમાલનો છે. ફિલ્મ એક સંદેશ આપે છે તે પણ ફિલ્મની ખાસિયત છે. ખરેખર માયા લગાડે એવી ફિલ્મ છે. આવી ફિલ્મો બનતી રહે અને ગુજરાતનું નામ રોશન કરે એવી અભ્યર્થના.
ગોડાદરા, સુરત – પ્રવીણ પરમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top