વાંકલ: આજે ધો. 12 સામાન્ય પ્રવાહની એક વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા આપવા પરીક્ષા ખંડ પહોંચી ત્યારે ચક્કર ખાઈને પડી ગઈ હતી. જેના લીધે પરીક્ષા કેન્દ્રમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક વિદ્યાર્થીનીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ શિક્ષણાધિકારી કચેરીના સ્ટાફે મોટીવેટ કરી વિદ્યાર્થીનીને પરીક્ષા આપવા તૈયાર કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ધોરણ 12 ની વિદ્યાર્થિની શ્રેયાબેન કમલેશભાઈ ચૌધરી જે બ્લોક નં 9 થી બોર્ડ પરીક્ષા આપવા પહોંચી હતી. ગઈકાલે પરીક્ષા બાદ ઘરે જતી વખતે આ વિદ્યાર્થીની બાઈક પરથી પડી જતાં તેણીને માથામાં થોડી ઇજા થઇ હતી. સિટી સ્કેન રિપોર્ટ નોર્મલ હોય આજરોજ બપોરે શ્રેયા પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી હતી ત્યારે પરીક્ષા સ્થળ પર જ અચાનક જ ખૂબ ચક્કર આવ્યા હતા. અશક્તિ સાથે તેણીને વોમિટ જેવું લાગી રહ્યું હતું. શ્રેયા બિલકુલ ચાલી શકે એવી પરિસ્થિતિમાં ન હતી.
આ પરિસ્થિતિ જોતાં સમય સૂચકતા વાપરી સ્થળ સંચાલક પારસભાઈ મોદી એ તરત જ શાળા માં જ હાજર પીએચસી વાંકલનાં ડોકટરની ટીમ સાથે વાત કરી પીએચસીની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવાની શરૂઆત કરી આ દરમ્યાન સ્થળ સંચાલક પારસભાઇ મોદી એ એચએસસી ઝોન 34 બારડોલીનાં ઝોનલ અધિકારી પ્રિતેશભાઇ મિસ્ત્રી ને વાત કરી હતી. તેમણે દીકરી ને બને તેટલું મોટીવેટ કરી પરીક્ષા માટે તૈયાર કરવા સૂચના આપી હતી.
બીજી તરફ ઝોનલ અધિકારીએ જીલ્લા શિક્ષણ અધિકારી ડો.ભગીરથ સિંહ પરમાર સુરત ને જાણ કરતા તેઓ એ પણ તરત જ સ્થળ સંચાલક પારસભાઈ મોદી ને ટેલિફોન કરી દીકરી નાં ખબર અંતર પૂછ્યા લગભગ 40 મિનિટ સુધી સારવાર આપતા દીકરી ને અશકિત અને ચક્કર ની સ્થિતિ સારી લાગતા પોતે ઊભી થઈ બ્લોક સુધી ગઈ પરીક્ષા આપી હતી.
આમ જિલ્લાશિક્ષણઅધિકારી ભગીરથ સિંહ પરમાર, HSC બારડોલી ઝોન 36 નાં ઝોનલ અધિકારી પ્રીતેશભાઈ મિસ્ત્રી અને સ્થળ સંચાલક પારસભાઈ મોદી વાંકલ અને વાંકલ PHC ની ટીમે માનવતાની મહેક દ્વારા એક ટીમવર્ક કરી દીકરીની પરીક્ષા અપાવી વર્ષ બગડતું અટકાવ્યું હતું.