આણંદ : ઉમરેઠ તાલુકાના સુરેલી ગામે વાછળિયા વિસ્તારમાં રહેતાં ફેમીદાબીબીના લગ્ન 18મી મે, 2013ના રોજ ગામના જ પગીવાળા સસ્તા અનાજની દુકાન સામે રહેતા ઇરફાન નાસીરખાન પઠાણ સાથે થયાં હતાં. લગ્નના પ્રારંભીક દિવસમાં બન્નો ઘર સંસ્કાર સુખમય રીતે ચાલ્યો હતો. જોકે, લગ્નના લાંબા સમય બાદ ફેમીદાબીબીને કોઇ સંતાન ન થતાં સાસરિયાઓએ અસલી પોત પ્રકાશ્યો હતો અને ફેમીદાબીબીને વાંજણીપણાંના મ્હેણાં મારી ત્રાસ ગુજારવાનો શરૂ કર્યું હતું. દરમિયાનમાં 19મી નવેમ્બર,21ના રોજ પેટમાં દુઃખાવો થતાં ફેમીદાબીબીએ તેમના સાસુ તથા જેઠાણીને કહી દવાખાને લઇ જવા જણાવ્યું હતું. પરંતુ તેઓએ દવાખાને જવા માટે નાટક કરે છે, તેમ કહી મારમાર્યો હતો.
આ ઉપરાંત સાંજે પતિ ઇરફાન પઠાણ આવતાં તેને ચઢવણી કરતાં ઝઘડો થયો હતો. આથી, ફરીદાબીબીએ પિતાને ઘરે જવાનું કહેતાં સાસરિયા ઉશ્કેરાઇ ગયાં હતાં અને વાળ પકડી ઢસડી ગડદાપાટુનો મારમાર્યો હતો. બીજા દિવસે પણ ઝઘડો વધુ ઉગ્ર બન્યો હતો અને પતિ અને જેઠે લાતો મારી ગાડીમાં નાંખી પિયર મુકી ગયાં હતાં. જ્યાં ફરીદાબીબીના ભાઈ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયાં હતાં. આ અંગે ફેમીદાબીબીએ ઉમરેઠ પોલીસ મથકે ઇરફાન નાસીર પઠાણ, સલીમ નાસીર પઠાણ, રૂકશાના નાસીર પઠાણ અને જાસ્મીન સલીમ પઠાણ સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.