સુરત: અમરોલી ક્રોસ રોડ ખાતે એક એપાર્ટમેન્ટમાં રહેતા યુવકે રવિવારે બપોરે તેની બંને કલાઈઓની નસો કાપીને આત્મહત્યા કરી લેવાનો પ્રયાસ કર્યો હતો. 180 કીલોથી વધુનું શરીરે ભારે ભરખમ એવા આ યુવકને સારવાર માટે એપાર્ટમેન્ટમાંથી નીચે ઉતારવા માટે પોલીસે ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી. યુવકને ઝોળીમાં મુકીને નીચે લઈ જવાની કવાયતમાં ફાયર બ્રિગેડ તથા પોલીસ જવાનોની ટીમના પરસેવા છૂટી ગયા હતા.
- સુરતમાં યુવકે બંને કાંડાની નસો કાપી નાંખી હતી
- સારવાર માટે નીચે લઈ જવા પોલીસની ટીમે કરેલા પ્રયાસો નિષ્ફળ નિવડ્યા હતાં
- અંતે ફાયર બ્રિગેડને બોલાવવી પડી
પ્રાપ્ત જાણકારી મુજબ, આજે બપોરે 3:30 કલાકે અમરોલી ક્રોસ રોડ સ્થિત મિલેનિયમ પાર્ક એપાર્ટમેન્ટમાં ચોથા માળ ઊપર રહેતા 45 વર્ષિય યુવક કલ્પેશભાઈ ભટ્ટે તેના રૂમમાં તેના બંને હાથોની નસો કાપી નાખી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, તેને કારણે પરિવારના બઘા જ સભ્યો ખૂબ જ ડરી ગયા હતાં. તેમણે તુરંત જ સ્થાનિક પોલીસને ઘટનાની જાણ કરી હતી, તેથી કોસાડ પોલીસની ટીમ પહોચી ગઈ હતી.
જોકે આ યુવક શરીરે અતિશય ભારે ભરખમ અને તેનુ વજન પણ વધારે પડતું હોવાને કારણે યુવકને ચોથા માળ ઉપરથી નીચે ઉતારવા પોલીસે કરેલા તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા. અતે પોલીસની ટીમે હારી થાકીને ફાયર બ્રિગેડને તેની જાણ કરતા કોસાડ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
ફાયર સબ ઓફિસર કાંતી બગડીયાએ જણાવ્યું હતુ કે,આ યુવકનુ વજન ખૂબ વઘારે હતુ અને તેના બંને કલાઈઓ માંથી લોહી પણ ખૂબ વધુ પ્રમાણમાં વહી રહ્યુ હતુ તેથી તેને એક કાપડની મજબૂત ઝોળીમાં સુવડાવીને ચોથા માળેથી તાબડતોબ નીચે ઉતારી લેવાયો હતો.
દરમિયાન 108ની ટીમ પણ હાજર હોવાથી તેને પ્રાથમિક ઉપચાર આપવામાં આવ્યો હતો. જોકે આ સમગ્ર કવાયત માં ફાયર બ્રિગેડ તથા પોલીસની ટીમના 11 જવાનો કવાયતમાં લાગતા તમામે તમામ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. સારવાર બાદ આગળની તપાસ પોલીસ કરી રહી છે તેવુ ફાયરના સૂત્રોનું કહેવુ હતું.