SURAT

સુરતમાં લોખંડનો સળિયો વાગતા બાળકનું શરીર લોખંડ જેવું કઠણ થઈ ગયું, તબીબોએ માંડ બચાવ્યો

સુરતઃ બાળકો રમતા હોય ત્યારે નાની મોટી ઈજા થતી હોય છે. ઘણી વાર બાળકો માતા-પિતાને પણ ઈજા વિશે જાણ કરતા હોતા નથી. પરંતુ ક્યારેક નાનકડી ઈજા મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે. અહીં એક બાળકને લોખંડનો સળિયો વાગ્યો હતો.

સામાન્ય રીતે લોખંડ કે કોઈ બીજી વસ્તુથી ઈજા થાય તો ધનુરનું ઈન્જેક્શન મુકાવવામાં આવતું હોય છે. પરંતુ આ કેસમાં બાળકની કોઈ સારવાર કરવામાં આવી નહોતી. પરિણામે બાળકને શરીરે ધનુર થયું હતું અને તેનું શરીર લોખંડ જેવું કઠણ થઈ ગયું હતું. બાળક મોતના મુખમાં પહોંચી ગયો હતો, પરંતુ સુરતના તબીબોની મહેનતના પગલે 27 દિવસની સારવાર બાદ તે બચી ગયો છે.

આ ઘટના સુરતના અમરોલી વિસ્તારની છે. અહીં તાપી નદીના પાળા પાસે ઝૂંપડું બાંધીના રહેતા ગોપાલ દેવીપૂજકના 13 વર્ષના દીકરા રાકેશને પગમાં લોખંડનો સળિયો વાગ્યો હતો. રાકેશે આ અંગે કોઈને જાણ કરી નહોતી. થોડા દિવસ બાદ રાકેશનું આખું શરીર જકડાઈ ગયું હતું. તાત્કાલિક તેને ડાયમંડ ટ્રસ્ટ સંચાલિત રામુબા તેજાણી અને શાંતાબા વીડિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

તબીબોએ કહ્યું કે, ધનુરના રોગના લીધે બાળકનું શરીર જકડાઈને કઠણ થઈ ગયું હતું. બાળક લોખંડ જેવો થઈ ગયો હતો. તેનો ચહેરો પણ લોક થઈ ગયો હતો. તેની હાલત ખૂબ ગંભીર હતી.

તબીબોએ વધુમાં કહ્યું કે, ધનુર થાય તે દર્દીના બચવાના ચાન્સ ખૂબ ઓછા હોય છે. તેમ છતાં ભગવાન પર વિશ્વાસ રાખી હોસ્પિટલના તબીબોએ બાળકની સારવાર ચાલુ રાખી હતી. આવા દર્દીને સૂર્યપ્રકાશ ન મળે તેવા અંધારિયા રૂમમાં રાખી સારવાર કરવી પડે છે. તેથી હોસ્પિટલમાં રાકેશ માટે સ્પેશ્યિલ આઈસોલેશન આઈસીયુ વોર્ડ બનાવાયો હતો. 27 દિવસ સુધી સ્પેશિયલ આઈસોલેશન આઈસીયુ વોર્ડમાં બાળકની સારવાર કરાઈ હતી. તેને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવ્યો હતો. આખરે તે સ્વસ્થ થયો હતો.

લોખંડ વાગે તો શું કરવું?
સુરત સિવિલના ડો. ખુશ્બુ ચૌધરીએ કહ્યું કે, બાળકો નાના હોય ત્યારે જ તેમને ધનુરની રસી આપવામાં આવતી હોય છે. વાલીઓની લાપરવાહીના લીધે ક્યારેક બાળકને આ રસીઓ મુકાવાઈ હોતી નથી. આવા બાળકોને લોખંડ વાગે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે.

વળી, લોખંડથી ઈજા થાય તો બેદરકારી દાખવવી જોઈએ નહીં. લોખંડની કોઈ વસ્તુથી ઈજા થાય તો 72 કલાકની અંદર ધનુરની રસી લઈ લેવી જોઈએ. રસી ન લેવાના સંજોગોમાં ધનુરનો રોગ થઈ શકે છે. લોખંડ વાગ્યાના ત્રીજા દિવસે ધનુરના લક્ષણો દેખાતા હોય છે. જો ત્યારે પણ તાત્કાલિક ટીટનેસનું ઈન્જેક્શન મુકાવવામાં આવે તો ઝડપથી સારુ થઈ શકે છે.

Most Popular

To Top