surat : સુરતમાં કોરોના ( corona) સંક્રમણને લીધે મહિધરપુરા અને વરાછા મિનિ હીરાબજાર ( diamond market) સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ સ્થાનિક પોલીસ બપોરે 3 વાગ્યા પહેલાં જ બળપ્રયોગ કરી હીરા વેપારીઓ અને દલાલોને ભગાડી મૂકતી હોવાની ફરિયાદ મહિધરપુરા ડાયમંડ એસો. અને બ્રોકર એસો.ને નાના-વેપારીઓ અને દલાલો દ્વારા કરવામાં આવી છે. આક્ષેપ એવો કરવામાં આવી રહ્યો છે કે, મહિધરપુરા હીરા બજારની ઓફિસોમાં ટોળે વળીને હીરાનો વેપાર થાય છે. જ્યારે ફૂટપાથ પર વેપાર કરનારને પોલીસ રંજાડી રહી છે. હીરા લે-વેચ કરતી મોટી ઓફિસોને 50 ટકા સ્ટાફ સાથે રાત્રે 8 વાગ્યા સુધી વેપાર કરવાની છૂટ આપવામાં આવી છે. તેને લઈ જે વેપારી પાસે ઓફિસ છે તેઓ મોડી સાંજ સુધી વેપાર કરે છે. આથી નાના વેપારીઓને અન્યાય થઇ રહ્યો હોવાની બૂમ ઊઠી છે.
હીરા વેપારીઓનું માનવું છે કે, તંત્ર કોઈ કારણસર બેવડી નીતિ અપનાવી રહ્યું છે. પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ પણ અમારી નાની ઓફિસોમાં આવીને સતત તપાસ કરી હેરાન કરી રહ્યા છે. બીજી તરફ મોટી હીરાની લે-વેચ કરતી મોટી ઓફિસોમાં એકપણ અધિકારી તપાસ કરવા માટે જતો નથી. તમામ નીતિ-નિયમ જાણે ફક્ત નાના વેપારીઓ માટે જ હોય એ પ્રકારનું વર્તન જોવા મળી રહ્યું છે.
ડાયમંડ બ્રોકર એસોસિએશનના પ્રમુખ નંદલાલ નાકરાણીએ જણાવ્યું હતું કે, નાના વેપારીઓ માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે, પરંતુ પોલીસ દ્વારા તેમને પરવાનગી આપવામાં આવી નથી. અમે પોલીસને રજૂઆત કરી છે કે, સોશિયલ ડિસ્ટન્સિંગ ( social distansing) સાથે જે કામ કરી રહ્યા છે તેમને પરવાનગી આપવામાં આવે. જ્યારે હીરાના વેપારી ધૈવત શાહે કહ્યું હતું કે, નાના વેપારીઓ સાથે ઓરમાયુ વર્તન થતું હોય તેવું લાગી રહ્યું છે. 3ના ટકોરે પોલીસ આવીને નાના વેપારીઓને હેરાન કરે છે. હીરા-લે વેચની મોટી ઓફિસો છે તેમને પોલીસ દ્વારા કંઈ કરવામાં આવતું નથી. નાના વેપારીઓને પોલીસ અઢી વાગ્યાથી માર્કેટ ખાલી કરવા ખોટી રીતે દબાણ કરે છે