સુરત : ઉમરવાડા ટેનામેન્ટમાં રહેતા યુવકે મલ્ટીલેવલ પાર્કિંગમાં ગ્રે કાપડનો માલ મુકી રાખતા ગાડી પાર્ક કરવા જગ્યા નહીં રહેતી હોવાની ફરિયાદ એસએમસીના પોર્ટલ પર કરી હતી. જેની અદાવત રાખીને પાર્કિગના માણસોએ તેને ચા પીવડાવી બાદમાં માર માર્યો હતો.
- ‘તું કેમ મારી ફરિયાદ કરે છે, તારા લીધે 50 હજારનું નુકશાન થયું છે’ કહીને ફરિયાદ કરનાર પર હુમલો
- ગ્રે કાપડનો માલ મલ્ટીલેવર પાર્કિંગમાં મુકવા બાબતે મનપામાં ફરિયાદ કરનાર પર હુમલો
- એસએમસીના પાર્કિંગ કોન્ટ્રાક્ટરોના માણસોની દાદાગીરી
- મનપાના પાર્કિંગમાં બે નંબરમાં કાપડ મુકાવવાના પૈસા લેવાતા હોવાની ચર્ચા
સલાબતપુરા ઉમરવાડા ટેનામેન્ટમાં રહેતા 31 વર્ષીય નુરૂ ઉર્ફે ચાઈનીજ શેખ સકુર શેખે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં શહેઝાદ (રહે. મોતીટોકીઝ પાસે), રાજુસીંગ આર.કે.સીંગ અને બે અજાણ્યાઓની સામે ફરિયાદ નોંધાવી છે. ગત 17 માર્ચે તે બાઈક લઈને ઉમરવાડા વિસ્તારમાં આવેલા મલ્ટીલેવલ પાર્કિગમાં આવ્યો હતો.
સ્થાનિકોની ફરિયાદ હતી કે ત્યાં ગ્રે કાપડના તાકા મુકવામાં આવે છે. ગાડીઓ પાર્ક કરવા માટે જગ્યા રહેતી નથી. અને ગાડીઓને નુકશાન થાય છે. રહીશો દ્વારા આ ફોટો પાડી એસએમસીની પોર્ટલ ઉપર અપલોડ કરી ફરિયાદ કરવામાં આવી હતી.
બીજા દિવસે ફરી ફોટો લેવા ગયો ત્યારે પાર્કિંગનું કામ કરતો શહેઝાદ ત્યાં આવ્યો અને નુરૂ શેખને ચા પીવા માટે લઈ ગયો હતો. કમેલા દરવાજા પાસે ટી સેન્ટરમાં ચા પીને પરત તેને પાર્કિંગમાં મુકવા ગયો હતો. ત્યારે પાર્કિંગમાં રાજુસીંગે આવીને તું કેમ મારી ફરિયાદ કરે છે તારા લીધે મને 50 હજારનું નુકશાન થાય છે તેમ કહીને બીજા બે સાગરીતો સાથે મળીને માર માર્યો હતો. ત્યારે શહેઝાદે ગાડીમાંથી તલવાર કાઢી લાવો આજે તો આને જાનથી મારી નાખવાનો છે તેવી ધમકી આપતા નુરૂ ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.