SURAT

સુરતમાં બાઈક ચાલકે રિક્ષામાં જતી મહિલાનું સોનાના ઘરેણાં ભરેલું પર્સ આંચકી લીધું, પછી થયું આવું…

સુરત: ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલુ રિક્ષામાંથી મહિલા પાસેથી 1.36 લાખની મત્તાના સોનાના ઘરેણાં ભરેલા લેડીઝ પર્સની ચીલઝડપ કરી નાસી જનાર મુખ્ય આરોપીને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યો હતો.

  • ઉધનામાં ચાલુ રિક્ષામાંથી મહિલા પાસેથી 1.36 લાખના ઘરેણા ભરેલું પર્સ આંચકનાર ઝડપાયો
  • આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 19 જેટલા ગુનાઓ દાખલ છે

ગત 24 ફેબ્રુઆરીએ વહેલી સવારે યુવક પત્ની સાથે વડોદરા ખાતે લગ્ન પ્રસંગે જવા રિક્ષામાં બેસીને ઉધના ત્રણ રસ્તાથી ઉધના રેલ્વે સ્ટેશન તરફ જતા હતાં. તે વખતે ઉધના એલઆઈસી બિલ્ડિંગ પાસે એક બાઈક ઉપર આવેલા અજાણ્યાઓએ રિક્ષામાં બેસેલી મહિલાનું લેડીઝ પર્સ જેમાં સોનાનું મંગળસૂત્ર, કાનની વાળી, પેન્ડલ સહિત રૂપિયા 1,36,500 ની મત્તાનું ચાલુ રિક્ષાએ ખેંચી ચીલઝડપ કરી નાસી ગયા હતા. ઉધના પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. અગાઉ ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા હતા. મુખ્ય આરોપી શોયેબ ઉર્ફે લાલ રહીશખાન પઠાણ (રહે- ભેસ્તાન આવાસ ડીંડોલી) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

ગત 22 જાન્યુઆરીએ રાત્રે 9:30 કલાકે ભેસ્તાન આવાસમાં મહેક સાજીદ હુસેન સૈયદ સાથે મારામારી કરી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપીને આરોપી સોયબ ઉર્ફે લાલ રહીશખાન પઠાણ નાશી ગયો હતો. જે અંગે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. દરમિયાન ડિંડોલી પોલીસે બાતમીના આધારે મુખ્ય આરોપી શોયેબ ઉર્ફે લાલ રહીશખાન પઠાણ (ઉવ.૨૪) ને ઝડપી પાડ્યો હતો.

પકડાયેલા આરોપીની સામે લિંબાયતમાં બે, પુણામાં 6, સલાબતપુરામાં 5, ઉધનામાં 2, કાપોદ્રામાં 1, અઠવાલાઈન્સમાં 1, મહિધરપુરામાં 1 અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક મળી 19 ગુનાઓ દાખલ છે.

અમરોલી-સાયણ રોડ ઉપર રિક્ષામાં 77 હજારનું એમડી ડ્રગ્સ લઈ જતા એક પકડાયો
સુરત: શહેરના અમરોલી-સાયણ રોડ પર ભેંસાણ ખાતે રહેતો ઇમરાન રિક્ષામાં એમડી ડ્રગ્સ લઈને જતાં અમરોલી પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 77 હજારનું ડ્રગ્સ મળી કુલ 1.50 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

અમરોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે મોહંમદ ઇમરાન ઉર્ફે બોબડા મોહંમદ કાસીમ શેખ પોતાની ઓટો રિક્ષા નં.(જીજે-05-ઝેડઝેડ-0559)માં એમડી ડ્રગ્સ લઈ અમરોલી-સાયણ રોડ સૃષ્ટિ રો હાઉસથી ડી માર્ટ તરફ જતા રોડ પરથી પસાર થઈ રહ્યો હોવાની બાતમી મળી હતી.

આ બાતમીના આધારે વોચ ગોઠવી રિક્ષાચાલકને પકડીને નામ પૂછતાં મોહંમદ ઇમરાન ઉર્ફે બોબડા મોહંમદ કાસીમ શેખ (ઉં.વ.32) (રહે., રાજીવનગર, ભેંસાણ ફળિયા, રાંદેર) હોવાનું જણાવ્યું હતું. તેની તપાસ કરતાં 77 હજારની કિંમતનું 7.77 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ સિવાય એક મોબાઈલ ફોન અને રિક્ષા મળી 1.50 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો. આ ડ્રગ્સ તેને અઝીઝખાન ઉર્ફે માંજરો શરીફખાન શેખ (રહે., રાજીવનગર, રાંદેર)એ આપ્યું હતું. અમરોલી પોલીસે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top