SURAT

જેટકોના બે ટ્રાન્સફોર્મસ ફેઇલ થતાં સચિનના 2000 ઔદ્યોગિક એકમો ઠપ

સુરત: સચિન (Sachin) જીઆઈડીસીમાં (GIDC) આવેલી વીજ કંપની જેટકોના બે ટ્રાન્સફોર્મર (Transformer) ફેઈલ (Fail) થવા સાથે પેનલબોર્ડ ધડાકા સાથે ઊડી જતાં સચિન જીઆઇડીસી, સચિન સુરત સેઝની ડી નોટિફાઇડ જગ્યામાં બનેલા પ્રાઇવેટ કંપનીના ડાયમંડ (Diamond) ટેક્સટાઇલ પાર્ક (Textile Park) અને લક્ષ્મીવિલા ટેક્સટાઇલ પાર્કના 2000 ઔદ્યોગિક એકમોમાં અંધારપાટ છવાયો છે.

સચિન ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીના ડિરેક્ટર મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે, ઓવર લોડને લીધે એક ટ્રાન્સફોર્મર સવારે 6 વાગ્યે અને બીજું બપોરે 4 વાગ્યે ફેઈલ થવા સાથે પેનલ બોર્ડ ધડાકા સાથે ઉડી જતાં બે દિવસથી ઉદ્યોગોને વર્કિંગ અવર્સ દરમિયાન વીજળી (Electricity) મળી મળી રહી નથી. આજે ગુરુવારે બંધ થયેલો પાવર સપ્લાય શુક્રવારે રાતે બે થી ત્રણ વાગ્યે શરૂ થશે.

સુરત સેઝના ડાયમંડ પાર્કમાં 800 અને લક્ષ્મીવિલા ટેક્સટાઇલ પાર્કમાં 1500 નવા હાઇસ્પીડ લુમ્સ યુનિટોને જેટકોએ વીજ કનેક્શન આપ્યું પણ નવા સબ સ્ટેશન નહીં બનાવતા વીજ પુરવઠો સતત ખોરવાઇ રહ્યો છે. જીઆઈડીસીમાં એક યુનિટમાં 130 એચપી પ્લસ પાવરનો વપરાશ છે. તેની સામે નવા સબ સ્ટેશનો બનવા જોઈતા હતાં. ઉદ્યોગકારોએ સતત રજૂઆત કરી તો એક નવું સબ સ્ટેશન આપ્યું જે આવતા મહિને શરૂ થશે. જીઆઇડીસીના એક પ્લોટમાં 70 એચપી પાવરની જરૂર હતી જે યુનિટ અપગ્રેડ થયા પછી હવે 400 એચપીની જરૂર પડે છે.

સુરત સેઝના ડાયમંડ પાર્કમાં 800 અને લક્ષ્મીવિલા ટેક્સટાઇલ પાર્કમાં 1500 નવા હાઇસ્પીડ લુમ્સ યુનિટોને જેટકોએ વીજ કનેક્શન આપ્યા છે પણ નવા સબ સ્ટેશનની સંખ્યા વધારી નથી. જીઆઇડીસીમાં વર્ષો પહેલા 44 કેવીના એ ટુ ડી 4 સબ સ્ટેશન છે. બીજા 4 નવા બનાવવાની જરૂર છે. તો પાવર સર પ્લસ થાય. મહેન્દ્ર રામોલિયાએ વધુમાં જણાવ્યું હતું કે,જીઆઇડીસીમાં 150 કેવી એમ્પિયરે ફીડર ચલાવવાની ક્ષમતા સામે 270 પ્લસે 62 ફીડર ચાલી રહ્યાં છે. ટૂંકમાં હાલમાં જેટલા પાવરની જરૂર છે તેના 25 ટકા જ સપ્લાય થઇ રહી છે.

જીઆઇડીસી અને સેઝમાં જેટકોને જગ્યા ફાળવી પણ સબ સ્ટેશન બન્યા નહીં
સચિન જીઆઇડીસીના નોટિફાઇડ તંત્ર અને સચિન સ્થિત સુરત સેઝની બહાર ડાયમંડ ટેક્સટાઇલ પાર્કમાં નવા સબ સ્ટેશન માટે જેટકોને જમીનની ફાળવણી કરવામાં આવી છે. પણ જેટકોએ સબ સ્ટેશન ઊભા કર્યા નથી. તેથી જૂના સબ સ્ટેશન અને ફિડરો પર નવા 2300 યુનિટનું ભારણ આવ્યું છે. જેના પર હાઈસ્પીડ રેપિયર મશીન ધમધમી રહ્યાં છે.

બે દિવસ વીજ પુરવઠો ખોરવાતા ઉદ્યોગોને કરોડોનું નુકશાન
સચિન જીઆઈડીસીમાં વોટર જેટ , રેપિયર જેવા હાઈ સ્પીડ લુમ્સના યુનિટો ઉપરાંત ડાઇંગ-પ્રોસેસિંગ મિલો, કેમિકલ-એગ્રો યુનિટ ચાલી રહ્યાં છે. બે દિવસ વર્કિંગ અવર્સ દરમિયાન વીજ પુરવઠો બંધ રહેતા માત્ર વિવિંગ ઉદ્યોગને 80,000 મીટર કાપડ ઉત્પાદન પર અસર થઈ હતી. પ્રોસેસિંગ અને કેમિકલ યુનિટને કરોડોનો પ્રોડકશન લોસ થયો છે. આવતીકાલે જેટકોની ટીમ સ્થળ સ્થિતિનો અભ્યાસ કરવા હવે જીઆઇડીસીની મુલાકાતે આવશે.

Most Popular

To Top