એક તરફ રાજ્યના રાજ્યના ગૃહમંત્રી (State Home minsiter) હર્ષ સંઘવી (Harsh Sanghvi) પોલીસકર્મીઓને ટ્રાફિક નિયમ તોડનારા વાહનચાલકો રીઢો ગુનેગાર નથી, તેઓ જોડે માનવતાપૂર્વક વ્યવહાર થવો જોઇએ એવી ટકોર કરે છે ત્યારે બીજી તરફ રાજકોટમાં મહિલા સાથે પોલીસ તાલિબાનો જેવું વર્તન કરી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. રાજકોટમાં એક કાર ચાલક મહિલાએ પોલીસ કોન્સ્ટેબલ પાસે તેનો આઈકાર્ડ માંગ્યો તો આ પોલીસ કોન્સ્ટેબલને એટલો ગુસ્સો આવી ગયો કે તેણે મહિલાની કાર ટો કરાવી દીધી હતી. પોલીસના તાલિબાની વર્તનના પગલે મહિલા રસ્તા પર જ ચોંધાર આંસુએ રડવા માંડી હતી.
વાત જાણે એમ છે કે, અમદાવાદની ચાર મહિલા રાજકોટ આવી હતી. તેઓ રાજકોટના ગ્રીન લેન્ડ ચોકડી પાસેના પાણીના ટાંકા પાસે કાર લઈ પહોંચ્યા હતા ત્યાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકીંગ ચાલુ હોવાથી તેમની કાર રોકવામાં આવી હતી અને પીયુસી, ડ્રાઈવીંગ લાયસન્સ વગેરે દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા. જેની સામે એક મહિલાએ ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલ હસમુખ રાઠોડ પાસેથી તેનું આઈ-કાર્ડ માંગતા જ હસમુખ રાઠોડનો અહમ ઘવાયો હતો અને તેણે કાર ડીટેઈન કરવાની કાર્યવાહી શરૂ કરી હતી જેને કારણે બંને પક્ષો વચ્ચે ખાસી રકઝક અને માથાકુટ થઈ હતી. આખરે કોન્સ્ટેબલે મહિલાની કાર ટો કરાવી દીધી હતી. જેના લીધે તે રડી પડી હતી.
આ અગાઉ રવિવારે સુરત શહેર પોલીસ દ્વારા પોલીસના ઝાંબાજ કર્મયોગીઓએ કરેલી કાલિલેદાદ કામગીરીને બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ સી. આર.પાટીલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ જવાનોને પોલીસ શૌર્ય પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજયએ સમગ્ર દેશમાં પ્રથમ વાર ડ્રગ્સ રિવોર્ડ પોલીસી બનાવવાનુ કાર્ય કર્યું છે. કોરોના કપરા કાળ દરમિયાન પોલીસ જવાનોએ ખડેપગે રહીને કરેલી કામગીરીને યાદ કરીને સૌ પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે તેમણે ટ્રાફિક નિયમ તોડનારા નાગરિકો સાથે માનવતાપૂર્વક વ્યવહાર કરવાની ટકોર પણ કરી હતી. પોલીસ સ્ટેશનમાં આવતા સામાન્ય માનવી સાથે સારો સાલશભર્યો વ્યવહાર થાય તે જરૂરી હોવાનું તેમણે કહ્યું હતું. રાજયમાં ૬૩ દિવસમાં ૬૭ કેસોમાં ૧૩૫૦ કરોડનુ ડ્રગ્સ પકડીને ગુજરાત પોલીસે શ્રેષ્ઠ કામગીરી કરી છે. રાજયની શાંતિ, સલામતી અને સુરક્ષાએ ગુજરાતની પોલીસને આભારી છે. તેમણે કહ્યું કે, આગામી સમયમાં પોલીસ કર્મયોગીને રહેવા માટે મકાનો મળી રહે તે માટે હાઉસીંગ પોલીસી બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.