પારડી : વલસાડ (Valsad) નજીક પારડીમાં (Pardi) ચોરીની (Theft) વિચિત્ર ઘટના બની છે. અહીં મહિલાઓ હોન્ડા સિટી કારમાં એક દુકાનમાં ખરીદી કરવા પહોંચી હતી. લક્ઝુરીયસ કારમાં આવેલા ગ્રાહકોને જોઈ દુકાનદારને સારી આવકની આશા બંધાઈ હતી. મોંઘી ગાડીમાં આવતા ગ્રાહકોને જોઈ દુકાનદાર નિશ્ચિંત બની ગયો હતો, પરંતુ આ મોંઘી ગાડીમાં આવેલા ગ્રાહકો દુકાનદારને જ મોંઘા પડી ગયા હતા. આ મહિલાઓ પોતાના વસ્ત્રોમાં 5 કિલો કાજુ છુપાવીને ચોરી ગયા હતા. સીસીટીવી કેમેરા ચેક કર્યા ત્યારે દુકાનદારને ખબર પડી હતી.
આ કેસની વિગત એવી છે કે, પારડી હાઈ-વે પર પ્રમોદ માલીની માલિકનો રામદેવ જનરલ કિરાણા સ્ટોર્સ આવેલો છે. આ સ્ટોર્સમાં ત્રણ મહિલા હોન્ડા સિટી કારમાં ગ્રાહકના સ્વાંગમાં આવી હતી. તેઓએ દુકાન માલિકની નજર ચૂકવીને કાજુની ચોરી કરી કારમાં બેસીને ફરાર થઈ ગઈ હતી. સમગ્ર ચોરીની ઘટના દુકાનમાં મૂકેલા સીસી કેમેરામાં કેદ થઈ હતી. દુકાનના માલિક પ્રમોદ માલીએ અજાણી મહિલાઓ કાજુ ચોરી કર્યાની જાણ થઈ હતી. મહિલાઓ 5 કિલો કાજુ પહેરેલા વસ્ત્રમાં સંતાડી દુકાનમાંથી કોઈપણ ચીજ વસ્તુની ખરીદી કર્યા વગર નીકળી ગઈ હતી. જેથી દુકાનદારને શંકા જતા સીસી કેમેરા ચેક કરતા કાજુની ચોરી કરતા આ ત્રણે મહિલાઓ દેખાઈ આવી હતી.
કપડાં અને ગાડી જોઈને નિયતનો કયાસ લગાડી શકાય નહીં તે પાઠ દુકાનદારને શીખવા મળ્યો હતો. આટલી મોંઘી ગાડીમાં આવેલા ગ્રાહકો ચોરી કરી તે જાણી દુકાનદાર આઘાત પામ્યો હતો. આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.