Columns

ભૂલ ન કરવા માટે

થોરો એક મહાન સંત હતા. તેમના માટે પ્રખ્યાત હતું કે તેમણે જીવનમાં ક્યારેય કોઈ ભૂલ કરી ન હતી.એક દિવસ શિષ્યોએ પૂછ્યું કહ્યું, ‘ગુરુદેવ,આમ તો કહેવાય છે કે માણસ માત્ર ભૂલને પાત્ર. ક્યારેક ને ક્યારેક કોઈ ભૂલ તો બધાથી થાય જ છે.પણ આખા જીવનમાં એક નાનકડી ભૂલ પણ તમારાથી નથી થઇ એમ બધા કહે છે.તો ક્યારેય કોઈ ભૂલ ન થવાનું  રહસ્ય શું છે તે અમને કહો.’ સંત થોરો હસીને જવાબ આપે છે કે, ‘એવી કોઈ વાત નથી….મેં પણ કદાચ ક્યારેક અજાણતાં ભૂલ કરી હશે.નાનપણમાં ભૂલ કરી હશે.ભૂલ કોઇથી પણ થઈ શકે છે; ભૂલ થાય તો કોઈ વાંધો નથી, પણ ભૂલ થયા બાદ તેને સ્વીકારવી અને સુધારવી જરૂરી છે. આમ તો ક્યરેય ભૂલ ન કરવાનું કોઈ રહસ્ય જેવું નથી.પણ હા મારી પાસે એક સરળ સમજણ છે, જેને લીધે મેં મોટા થયા બાદ; હંમેશા સજાગ રહીને કોઈ ભૂલ કરી નથી.’

શિષ્યોએ આતુરતાથી કહ્યું, ‘ગુરુજી, અમને તે વાત સમજાવો.’ સંત થોરો બોલ્યા, ‘ બહુ સરળ વાત છે. જીવનમાં જો ભૂલ ન કરવી હોય તો જાગ્રત રહીને મન અને મગજમાં કોઈ ખરાબ કે ખોટા વિચારને પ્રવેશવા જ ન દો.કારણ કે આ ખોટા અને ખરાબ વિચાર જ કુબુદ્ધિ અને ખરાબ કર્મોને જન્મ આપે છે અને ભૂલ થઈ જાય છે.મેં મારા મનમાં ખરાબ વિચારોને ક્યારેય પ્રવેશવા દીધો નથી અને અજાણતાં જ મારા આંતરમનમાં જો કોઈ કુવિચાર પ્રવેશે તો તેને તરત જ ભગાડું છું. ખરાબ વિચાર જ ખરાબ કર્મને જન્મ આપે છે.

મનમાં ખોટો વિચાર આવતાં રોકશો તો તમે ખોટું કામ નહિ કરો.ભૂલ નહિ થાય.ખરાબ અને ખોટા વિચાર જ મનુષ્યના પતનના કારણ બને છે અને સારા વિચાર જીવનની દિશા બદલી નાખે છે, જે  માણસ સારું વિચારી શકતો હોય, તો વિચાર જેવો સારો કોઇ સોબતી નથી. જેની પાસે સુંદર વિચાર હોય છે તે કદી પણ એકલો હોતો નથી.તે ક્યારેય ભૂલ કરતો નથી અને મન સારા વિચારોથી ભરેલું હોય તો ખરાબ વિચારો માટે જગ્યા જ રહેતી નથી અને જો ખરાબ વિચારો નથી તો ભૂલ થવાની કોઈ શક્યતા નથી.માટે બસ એટલી સરળ વાત યાદ રાખજો, મનને સારા વિચારોથી ભરી દો અને ખરાબ વિચારોને નજીક ન આવવા દો.’ સંત થોરોએ પોતાના શિષ્યોને જીવનની અમૂલ્ય સમજ એક સરળ વાત સમજાવીને આપી.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top