Editorial

અગ્નિપથ યોજનાનો વિરોધ કરવામાં યુવાનો દેશની સંપત્તિને નુકસાન નહીં કરે

કેન્દ્ર સરકારે શરૂ કરેલી અગ્નિપથ યોજના હવે કેન્દ્ર સરકાર માટે જ અગ્નિપથ સમાન બની રહી છે. આ યોજનાના વિરોધમાં દેશના અનેક વિસ્તારોમાં તોફાનો ફાટી નીકળ્યા છે અને અનેક સ્થળોએ રેલવેની બોગીને આગ ચાંપવામાં આવી છે. બિહારમાં ભાજપનું કાર્યાલય સળગાવાયું અને કેટલાક ઠેકાણે પોલીસે ગોળીબાર પણ કરવા પડ્યા છે. બિહારથી શરૂ થયેલો આ વિરોધ ધીરેધીરે તેલંગાણા, યુપી અને છેક દિલ્હી અને રાજસ્થાન સુધી પહોંચી ગયો છે. બિહારમાં તો 22 રાજ્યોમાં આ યોજનાનો ભારે વિરોધ કરાયો છે.

બિહારના બેતિયામાં ડે.સીએમ રેણુ દેવીના સરકારી આવાસ પર પણ તોફાનીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો. રસ્તાઓ પર ચક્કાજામ કરવામાં આવ્યા અને પથ્થરમારાઓ પણ કરવામાં આવ્યા. અગ્નિપથ યોજના સામે કરાઈ રહેલો આ વિરોધને પગલે કેન્દ્ર સરકાર દ્વારા તોફાનીઓને શાંતિ રાખવાની અપીલ પણ કરવામાં આવી. સરકાર દ્વારા આ યોજનામાં ભરતી માટેની વયમર્યાદા પણ વધારીને 21 વર્ષને બદલે 23 વર્ષ કરવામાં આવી. સરકારની અપીલ છતાં પણ આ વિરોધ પ્રદર્શન હાલમાં અટકે તેવી સંભાવના નથી.

ગત તા.14મી જુનના રોજ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘ દ્વારા આ અગ્નિપથ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનામાં ઓફિસરથી નીચેની રેન્કના અધિકારીઓ માટે યુવાનોની ભરતી કરવાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા એવી જાહેરાત કરાઈ હતી કે આ યોજનામાં 17.5 વર્ષથી શરૂ કરીને 23 વર્ષ સુધીના યુવાનો જોડાઈ શકશે. યુવાનો ધો.10 કે 12 ભણેલા હશે તો ભરતી થશે.

યુવાનોને ભરતી દરમિયાન લશ્કરી તાલીમ આપવામાં આવશે. જેમાં પ્રથમ ત્રણ વર્ષ 30 હજાર માસિકનો પગાર અને છેલ્લા વર્ષે 40 હજારનો માસિક પગાર આપવામાં આવશે. 4 વર્ષ બાદ યુવાનો નિવૃત્ત થઈ જશે ત્યારે તેમને સર્વિસ ફંડ પેકેજમાંથી 11.71 લાખ રૂપિયા આપવામાં આવશે. જો આ ચાર વર્ષ દરમિયાન મોત થાય તો તે યુવાનના પરિવારને રૂપિયા 44 લાખ પણ મળશે. સરકાર દ્વારા આ યોજના એટલા માટે લાવવામાં આવી છે કે જેથી હાલમાં જે આર્મીના અધિકારીઓ કે કર્મચારીઓને આજીવન પેન્શન આપવાનું રહે છે. તે આપવાનું રહે નહીં. સરકાર પર બોજો ઘટે અને સાથે સાથે ભરતી પણ કરી શકાય.

સરકાર દ્વારા એવી જાહેરાત કરાઈ હતી કે 4 વર્ષ સુધી લશ્કરમાં આ રેન્કની ભરતીઓ કરવામાં આવશે નહીં. જે ભરતી હાલમાં કરવામાં આવશે તે પણ લશ્કરની કુલ સ્ટ્રેન્થના મુકાબલે માત્ર 3થી 4 ટકા જ રહેશે. જોકે, કેન્દ્ર સરકારનો આ દાવ ઉંધો પડ્યો છે. યુવાનો એવું સમજી બેઠા કે સરકાર લશ્કરમાં ટૂંકાગાળા માટે યુવાનોની ભરતી કરીને તેમને લશ્કરમાં આજીવન કામ કરતાં રોકી રહી છે. સરકારે સૈનિકોને પેન્શન આપવું નહીં પડે તે માટે આ યોજના લાવી છે. જેને કારણે યુવાનો તેનો ભારે વિરોધ કરી રહ્યા છે. અધુરામાં પુરૂં આ વિરોધ પ્રદર્શનમાં રાજકીય રંગ પણ ભળ્યો છે. ભાજપ સિવાયના પક્ષો દ્વારા આ યોજનાનો વિરોધ કરવામાં આવ્યો છે. જેને કારણે આ વિરોધ પ્રદર્શન ઉગ્ર થઈ ગયા છે અને આ વિરોધ પ્રદર્શન ધીરેધીરે વધુને વધુ વિસ્તારો તેમજ રાજ્યોમાં પ્રસરી રહ્યું છે તે ચિંતાજનક છે.

જોકે, વિરોધ કરનારા યુવાનો કે પછી તેમને ભડકાવનારા નેતાઓએ એ સમજવું જોઈએ કે વિરોધ કરવા માટેના અનેક રસ્તાઓ છે. આ યોજના કોઈને પણ તેમાં જોડાવવા માટેની ફરજ પાડતી નથી. આ ટૂંકાગાળા માટે લશ્કરની સેવા કરવાની યોજના છે. 23 વર્ષે આ યોજનામાં જોડાનાર 27માં વર્ષે તો 12 લાખ રૂપિયા લઈને તેમજ માસિક પગાર લઈને તેમાંથી બહાર નીકળીને અન્ય યોગ્ય બિઝનેસ કે પછી નોકરી કરી જ શકે છે. બની શકે કે આ યોજના પાછળની કેન્દ્ર સરકારની મનસા અલગ હોય પરંતુ તેને કારણે તોફાનો કરીને દેશની સંપત્તિને નુકસાન કરવું સ્હેજેય યોગ્ય નથી. એક ટ્રેનનો ડબ્બો 80 લાખથી શરૂ કરીને 3.50 કરોડમાં તૈયાર થાય છે અને તેમાં પણ એક એન્જિન 20 કરોડના ખર્ચે તૈયાર છે.

આ સંજોગોમાં આગજનીથી દેશની સંપત્તિ જ બરબાદ થઈ રહી છે. અગાઉ ખેડૂત આંદોલન અને હવે આ અગ્નિપથ સામેના આંદોલનમાં કેન્દ્ર સરકાર ભેરવાઈ ગઈ છે. જોકે, જે રીતે યોજનાનો વિરોધ કરવા માટે દેશભરમાં આગજની કરવામાં આવી રહી છે તે ખોટું છે. આ યોજનાનો વિરોધ હોય તો યુવાનો તેમાં નહીં જોડાઈને પણ પોતાનો વિરોધ પ્રદર્શિત કરી શકે છે. વિરોધ માટે ટ્રેનોને આગ ચાંપવી કે પછી ભાજપ કાર્યાલયને સળગાવવું કે પછી તેના નેતાઓ પર હુમલા કરવા તે કોઈપણ રીતે સ્વીકાર્ય હોઈ શકે નહીં. જો યુવાનો નહીં સમજે તો તે સરવાળે દેશને જ નુકસાનકારક છે તે નક્કી છે.

Most Popular

To Top