રાજપીપળા: ભારત દેશની આઝાદીને આજે 75 વર્ષ પૂર્ણ થયાં છે. ભારત દેશનો અને ખાસ કરીને ગુજરાતનો (Gujarat) ભાજપના (BJP) જ શાસન કાળમાં ખૂબ વિકાસ થયો છે એવા દાવા વચ્ચે ગુજરાતના વિકાસ મોડેલની પોલ ખોલતી એક ઘટના સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of unity ) નજીકના જ ગરુડેશ્વર નજીકના ઝરવાણીમાં બની છે. યુવાને પોતાની 75 વર્ષીય બીમાર માતાને (Mother) સારવાર માટે લઈ જવા ઝોળીનો સહારો લેવો પડ્યો છે. ત્યારે આઝાદીના અમૃત મહોત્સવના નામે કરોડો રૂપિયાનું આંધણ કરી રહેલી આ સરકાર આવાં ગામડાંનો સરવે કરી રોડ રસ્તા અને પુલ બનાવે એવી માંગ ઊઠી છે.
- કેવડીયામાં ઝરવાણીમાં 75 વર્ષીય માતા બીમાર પડતાં ઝોળી બનાવી દવાખાનામાં સારવાર માટે લઈ જવાનો વારો આવ્યો
નર્મદા જિલ્લો અસ્પિરેશનલ જિલ્લો છે એટલે સરકાર આ જિલ્લાના વિકાસ માટે વિશેસ ગ્રાન્ટ ફાળવતી હોય છે. ઝરવાણી ગામની ઘટના એ બાબત સાબિત કરે છે કે આજે પણ નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારના આદિવાસીઓ પ્રાથમિક સુવિધાઓને અભાવે કફોડી હાલતમાં જીવવા મજબૂર બન્યા છે. નર્મદા જિલ્લા સહિત આદિવાસી વિસ્તારમાં વિકાસ કર્યો હોવાના સરકાર દવાઓ સાવ પોકળ સાબિત થઈ રહ્યા છે. ગરુડેશ્વર તાલુકાના સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક જ આવેલા ઝરવાણી ગામ આઝાદીનાં 75 વર્ષો પછી પણ સુવિધાઓથી વંચિત છે, ગામનાં બે ફળિયાં કે જ્યાં 200થી પણ વધુ આદિવાસી પરિવારોના ઘર આવેલાં છે. તેમને ચોમાસાની સિઝન દરમિયાન પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ચોમાસાની સિઝનમાં નદી-નાળાંમાં પાણી આવતાં લોકો સંપર્કવિહોણા બની જાય છે. થોડા દિવસ પહેલાં ઝરવાણી ગામના ઉખાકુંડ ફળિયામાં રહેતા ધીરજ દેવના વસાવાનાં 75 વર્ષીય માતા દેવકીબેન બીમાર પડતાં પોતાના ગામમાં કોઇપણ વાહન આવી શકે એવી સ્થિતિ ન હોવાથી પુત્ર સહિત તેના પરિવારજનો વૃદ્ધ માતાને ઝોળીમાં ઊંચકી સારવાર અર્થે દવાખાનામાં નદી ઓળંગી લાવવા માટે મજબૂર બન્યા હતા. વિકાસની વાતો કરી રહેલી સરકાર, ચુંટાયેલા ધારાસભ્યો કે સંસદ સભ્યો સહિત એમના અધિકારીઓ જો પોતે આવા અંતરિયાળ વિસ્તારમાં જશે ત્યારે વિકાસની અસલી પરિભાષાનો એમને ખ્યાલ આવશે.