Comments

દુનિયામાં ઘણી જગ્યાએ ગાંડા પણ અંગ્રેજી બોલે છે

“બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવામાં ભવિષ્યની ,રોજગારીની તકો કેવી?”- એક વાલીએ પ્રશ્ન કર્યો, આપણને એમ કે આમને ખાલી ખાલી સમય પસાર કરવો હશે ,એટલે કહ્યું કે “અંગ્રેજી માધ્યમમાં ભણાવવામાં અપાર તકો રહેલી છે”. આમ તો હવે કોઈ ગમે તે કહે, પણ આપણે ત્યાં તો અંગ્રેજી જ બધી રોજગારીનો આધાર બનવા જઈ રહી છે. ‘‘એમ ?” …“હા , જુવો શહેરના ઉચ્ચ મધ્યમ વર્ગથી માંડી હવે તો નાના નગરના, મધ્યમ વર્ગમાં પણ લોકો, બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવી રહ્યાં છે. આ જોતાં આવનારાં વર્ષોમાં ગુજરાતનાં શહેરોમાં વસ્તીનો એક મોટો વર્ગ ખાસ તો ખરીદશક્તિ ધરાવતો વર્ગ અંગ્રેજી માધ્યમમાં ભણ્યો  અને અંગ્રેજી ભાષામાં જ પોતાનો વ્યવહાર ચલાવતો હશે.

હવે જો તમે એમ સમજીને તમારા બાળકને ગુજરાતી માધ્યમમાં ભણાવો કે આપણે ક્યાં છોકરાને કોમ્પ્યુટર એન્જિનિયર કે ડોક્ટર વકીલ બનાવવો છે? આપણે તો બે આંકડા લખતો, બે શબ્દો ઓળખતો થાય એટલે બહુ. આપણે તો ધંધો જ કરવાનો છે ને! ..તો, ના હવે ધંધા માટે જ અંગ્રેજી જરૂરી થવાનું છે.તમે ભલે શાક વેચતા હો અને તમારો કુંવર પણ શાક જ વેચવાનો હોય, પણ હવે તેની લારીએ જે શાક ખરીદવા આવવાની છે તે મેડમો ને ગર્લ્સો તો ભચર ભચર અંગ્રેજી બોલતી હશે. તે શાક્ભાજીનાં નામ ગોખી ગોખીને તો પ્રાયમરીમાં ટકા લાવતી હતી. હવે શાકની લારી પર એ દુગલી ને બટાટા માગશે ? ના એ તો પોટેટો ..બેગન જિજર  જેવી હિન્દી ઈંગ્લીશ મિક્ષ લેંગ્વેજ બોલશે.

તમારે ધંધો વધારવો હશે તો તેમની સાથે અંગ્રેજીમાં જ કોરસપોન્ડન્સ કરવું પડશે ..યાદ રાખો તમે રીક્ષા ચલાવો ,શાક વેચો .કે વાળ કાપો ..મહેંદી મૂકો કે બ્યુટી પાર્લર ચલાવો. આ અંગ્રેજી માધ્યમમાં ઉછરેલી પેઢી સાથે ધંધો કરવો હશે તો તમારે અંગ્રેજી બોલવું જ પડશે. આમ પણ આ બધાને તમારી જોડે અંગ્રેજી બોલ્યા સિવાય તો ક્યાંય મેળ પડવાનો નથી. જુવો શીખો આપણા મોટા ભાગના ધાર્મિક કથાકારો,ગુરુઓ, જ્યોતિષીઓ હવે સંસ્કૃત તો શીરામાં એલચી જેટલું નામનું  જ બોલે છે . તેમનો ધંધો પૂરપાટ દોડે છે. અંગ્રેજી કોટેશન અને દરેક ગુજરાતી વાક્યના અંગ્રેજી ભાષાંતર પર.  માટે આ ધર્મગુરુઓ પાસેથી શીખો, તેઓ વેળાસર જે સમજ્યા તે તમે  નહીં સમજો?

તદ્દન મજાક લાગે તેવી આ વાત ચિંતાજનક રીતે સાચી પડવાની છે. શી ખબર આપણા મગજમાં કોણે ભેરવ્યું છે.ખાસ તો આજના વાલીઓના મગજમાં કોઈએ ભરાવ્યું છે કે બાળકના ઉજજવળ ભવિષ્ય માટે અંગ્રેજી માધ્યમ જ બેસ્ટ!, ગુજ, માં ભણાવશો તો તકો ગુમાવશો. તમારો બાળક જ મોટો થઇને તમને કહેશે કે “પપ્પા, તમે મને અંગ્રેજી માધ્યમમાં કેમ ના મૂક્યો”? આવી અનેક દલીલો સાંભળી ત્યારે થાય કે આમાં, તમે ગમે તે સમજાવો. કોઈ ફેર ના પડે! આપણા દેશમાં અર્થશાસ્ત્ર,રાજ્યશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર પર માનસશાસ્ત્ર હાવી છે. બજારમાં લોકો જરૂરિયાત મુજબ નહિ, માનસિકતા મુજબ ખરીદી કરે છે.

પોલીટીક્સમાં મુદ્દાઓ નહિ, સાયકોલોજી ચાલે છે અને ધર્મમાં તો એ પહેલેથી જ છે. ભારતમાં પોતાની દુકાન ચલાવનારા તમામ પ્રજાના માનસ સાથે ખેલ ખેલે છે એટલે અંગેજી માધ્યમમાં પણ હકીકત કરતામ માનસિકતા વધારે હાવી છે. દુનિયા આખીના શિક્ષણશાસ્ત્રીઓ ભલે કહેતા હોય કે શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ માતૃભાષા જ છે. પણ અમે પડોસીમાંથી નીકળીએ તો શિક્ષણશાસ્ત્રી સુધી પહોંચીએ. કોઈ એવો સર્વે કે રીસર્ચ નથી કરતું કે અંગ્રેજી માધ્યમમાં દાખલ થવાને કારણે બાળકનું ગણિત અને  વિજ્ઞાન કાચું રહ્યું અને તેની કારકિર્દી રોળાઈ ગઈ.

સત્ય એ છે કે તમે હોશિયાર હો અને અંગ્રેજી તમને આવડે તો તમારી સફળતાની ઝડપ વધે છે. તમે ગણિત અને વિજ્ઞાનના માસ્ટર હો અને અંગ્રેજી પણ સારું હોય તો તમારો સિક્કો પડશે પણ માત્ર અંગ્રેજી આવડતું હશે તો શેકસપિયરનાં નાટકોની વાતો કરવા કોઈ તમારી પાસે નહિ આવે.ખરી વાત તો એ છે કે માત્ર થોડું અંગ્રેજી આવડે એ સેલ્સમેનથી વધારે રોજગારીની કોઈ તક આપતું નથી અને આવનારા સમયમાં તમે જોજો ગુજરાતના શહેરી વર્ગનાં બાળકો ખાનગી નોકરી કરતાં હશે અને ગામડાંના ગુજરાતી માધ્યમનાં બાળકો મામલતદાર કે કલેકટર બની ઓર્ડર કરતા હશે. સાવ સાદી વાત આપણે સમજવા જેવી છે કે અંગ્રેજી ભાષા ખૂબ મહત્ત્વની અને ઉપયોગી છે. પણ અંગ્રેજી માધ્યમ અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન એ બે અલગ બાબત છે.

તો જો તમારામાં કોઈ સ્કીલ કોઈ વિશિષ્ટતા છે તો અંગ્રેજી શીખો એ તમને આંતરરાષ્ટ્રીય બજારમાં લાવીને મૂકી દેશે પણ જો તમે અંગ્રેજી માધ્યમ પાછળ વર્ષો બગાડશો તો તમે ક્યાંયનાં નહીં રહો.આપણી પાસે ત્રણ પ્રકારનાં દૃષ્ટાન્તો છે. એક એવા મહાન લોકો જેમને પોતાની ભાષામાં જ લખ્યું વિચાર્યું અને દુનિયાને તેમની ગરજ હતી માટે તેમના વિચારો ,લખાણોનું અંગ્રેજી કર્યું ,,બીજા એવા મહાન લોકો હતાં જેઓ પોતે પણ સમજતાં હતાં કે મારા વિચારો દુનિયા સામે મૂકવા હશે તો તેનું અંગ્રેજી કરવું પડશે અને તેમને પોતે જ પોતાના વિચારો પોતાની ભાષા સિવાય અંગ્રેજીમાં પણ લખ્યા અને ત્રીજા …દુનિયાના ઘણા દેશોમાં તો ગાડાં પણ અંગ્રેજી બોલે છે. કારણ તેમની તો એ ભાષા છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top