વડોદરા: મૃતક ભાઇની લાખો રૂપિયા મિલ્કત તેના વારસદારોને પાસેથી પચાવી પાડવા સાસરીયાઓએ પરીણીતા અને તેના બંને પુત્રોને વારંવાર ધાકધમકી આપી મિલ્કતના કાગળ પર સહીઓ કરવા પારાવાર માનસિક ત્રાસ ગુજારતા ત્રસ્ત પરિણિતાએ પાણીગેટ પોલીસથકે સ્ત્રી અત્યાચારની ફરીયાદ સાસુ જેઠ દિયર નણંદ દેરાણી ભાણી વિરુદ્ધ નોધાવી હતી. વાઘોડિયા રોડ સ્થિત મીરા સોસાયટીમાં રહેતા ગાયત્રી કૃષ્ણનંદ દુબે હાલ તેના માતા પિતા સાથે દામોદરનગર તરસાલી ખાતે બે પુત્રો સાથે રહે છે.
સન ર૦૦૧માં જ્ઞાતિના રીત રીવાજ મુજબ લગ્ન બાદ સંયુક્ત પરીવારમાં પતિ સાથે સાસુ લીલાબેન, જેઠ કલ્યાણ દુબે દિયર આનંદ તેની પત્ની જાગૃતિ નણંદ કૌશલ્યા અને સીતાબેન તથા ભાણી બ્રિજલ રહેતા હતા. લગ્ન સંસાર દરમ્યાન બે પુત્રો અંશ (ઉ.વ.17) અને મંથન (ઉ.વ.14) ના જન્મ બાદ સાસરીયાઓ નાની નાની વાતોમાં મેણા ટોણા મારીને માનસિક ત્રાસ આપતા હતા તે અંગે પરિણીતાએ પોલીસ મથકમાં પણ અરજીઓ આપી હતી. પણ સમાધાન થઇ જતા સાસરીયાઓનો ત્રાસ સહન કરીને પતિ સાથે રહેતા હતા. નાણા ધિરધારકનો વ્યવસાય કરતા કૃષ્ણનંદને ર૦૧૯ માં બ્રેઇન હેમરેજ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. જયાં તબિયત લથડતા આખુ શરીર લકવાગ્રસ્ત થઇ ગયુ હતુ. જેથી હલનચલન પણ કરી શકતા ન હતા. જમવાનુ પણ નળી દ્વારા અપાતુ હતુ. દુ:ખદ પરિસ્થિતીમાં પણ સાસરીયાઓનો ત્રાસ અવિરત રહેતા પરીણીતાને ટોર્ચર કરતા પતિની સારવાર અર્થે બે લાખ રૂપિયા તેના પિતા પાસેથી લાવી હતી.
નાણાની તંગી હોવાનુ જણાવીને બંને પુત્રોને સાસરીયાઓએ ભણાવવાની ના પાડી દીધી હતી. આટલેથી ના અટકતા માથાભારે સાસરીયાઓએ બિછાને પડેલા લકવાગ્રસ્ત પુત્ર સહિ કરવા અસમર્થ હોવાથી કાગળ પર અંગુઠા કરાવી લીધા હતા. જેના આધારે વારસાઈની ખટંબા વાળી જમીન દેરાણી જાગૃતિના નામે કરાવી લીધી હતી. તદ્દઉપરાંત 20 તોલા સોનુ, રોકડ, મોબાઈલ, બેંક પાસબુક, ચેકબુક સાસરીયાઓએ લઈ લીધા હતા. પતિની ઉઘરાણીની રકમ દિયરે લઈને પચાવી પાડી હતી. પરીણીતાના િપયરપક્ષમાંથી કોઈ આવે તો દિયર-જેઠ ગાળો બોલીને તલવાર લઈને મારવા ઘસી આવતા હતા. સાસરીયાઓનો ત્રાસ ઓછો થાય તે ઈરાદે પરીણીતાએ દોઢ લાખ રોકડા આપ્યા હતા. છતા પતિના ફલેટનું રૂ.૮૦૦૦ ભાડુ દિયર બળજબરીથી લઈ લેતો હતો.
તારા પતિની બિમારીના કારણે ૭૦ લાખનું દેવુ થઈ ગયાની બનાવટ કારણ આગળ ધરતા સાસરીયાઓએ બિમારી ખર્ચના ૬.પ૦ લાખ રૂપિયાના બિલ પરીણીતાએ પોતાની પાસે રાખ્યા હતા. ભાઈની વરસીમાં પણ પોત પ્રકાશતા દિયર-જેઠ સહિતનાઓએ પ્રિતમનગરની દુકાન વેચાણ કરી નાખવા ધમકી આપીને સહિ કરવા દબાણ કર્યું હતું. ત્રસ્ત પરીણીતાએ અભયમની મદદ માંગતા તેઓએ પણ આરોપીઓનો પક્ષ લઈને દરમિયાનગીરી કરી હતી. પાણીગેટ પોલીસે સ્ત્રી અત્યાચારનો ગુનો દાખલ કરીને આરોપી સાસરીયાઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.