Madhya Gujarat

ખેડા તાલુકામાં દર વર્ષે 89 ટકા ક્ષય રોગના દર્દી સાજા થાય છે

નડિયાદ: ખેડા તાલુકામાં દર વર્ષે ૨૦૦ કરતાં વધુ ક્ષય રોગના દર્દીઓ નોંધાય છે. જોકે, આ રોગને નાથવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. જેના પરિણામ સ્વરૂપ દર વર્ષે ખેડા તાલુકામાંથી સરેરાશ ૮૯ ટકા ક્ષય રોગના દર્દી સાજા થઈ રહ્યાં છે. આરોગ્ય વિભાગની સક્રિયતાને પગલે ખેડા તાલુકામાં ક્ષય રોગના દર્દીઓમાં છેલ્લાં કેટલાક સમયથી નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષની વિગતો મુજબ તાલુકામાં વર્ષ ૨૦૧૯ દરમિયાન ક્ષય રોગના કુલ ૨૮૯ દર્દીઓ નોંધાયાં હતાં. જેમાંથી ૮૭ ટકા એટલે કે ૨૬૦ દર્દીઓ સાજા થયાં હતાં. જ્યારે ૨૦૨૦ ની સાલમાં ૨૦૮ માંથી ૧૮૫ (૮૯%) અને ૨૦૨૧ ની સાલમાં ૨૭૦ માંથી ૨૪૧ (૮૯%) દર્દીઓ સારવાર લઈ સાજા થયા છે. હાલ, માત્ર ૧૪૯ દર્દી જ સારવાર હેઠળ છે.

ક્ષય રોગના દર્દીઓને ન્યુટ્રીશન કિટનું વિતરણ કરાયું
ક્ષય રોગને નાથવા માટે સરકાર પ્રયત્નશીલ છે. ત્યારે ક્ષય રોગના દર્દીઓને મદદ કરી વિવિધ સંસ્થાઓ તેમજ દાતાઓ પણ આ કામમાં શક્ય તેટલું યોગદાન આપી રહ્યા છે. તાજેતરમાં ખેડા તાલુકાના ૩૪ દર્દીઓને ન્યુટ્રિશન કીટનું દાતાઓ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે બાકીના ૧૧૫ દર્દીઓને આવનાર દિવસોમાં ન્યુટ્રિશન કીટ આપવાનું આયોજન છે.
સરકાર તરફથી દર્દીઓને પોષણ માટે દર મહિને ૫૦૦ રૂપિયાની સહાય આપવામાં આવે છે
રાષ્ટ્રીય ક્ષય કાર્યક્રમ અંતર્ગત પશ્ચિમ ભારતમાં સારવાર મેળવતા ક્ષય રોગના દર્દીઓ માટે રોકડ ટ્રાન્સફર યોજના અમલમાં મુકવામાં આવી છે. જે અન્વયે ખેડા તાલુકાના દરેક ક્ષયના દર્દીને પોષણ માટે ૫૦૦ રૂપિયા દર મહિને ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર (ડીબીટી) થી સીધા જ તેમના ખાતામાં જમા કરવામાં આવે છે.

Most Popular

To Top